બારડોલી: (Bardoli) સંયુક્ત કિસાન મોરચાના પ્રમુખ રાકેશ ટિકૈતે (Rakesh Tikait) બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત ખેડૂત મહા પંચાયતમાં જણાવ્યું હતું કે, ગોડાઉનમાં ખેડૂતોનો પાક સંગ્રહ કર્યા બાદ દેશમાં ભૂખ કેટલી છે તેના આધારે રોટલીની કિંમતે નક્કી થશે. રોટલી તિજોરીમાં બંધ થઈ જશે. આવું થાય તે માટે આંદોલન કરવું પડશે. તેમણે ગુજરાતના ખેડૂતોને (Farmers) કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર આંદોલનમાં જોડાવવા અપીલ કરી હતી.
બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટિકૈત સોમવારે સાંજે બારડોલી પહોંચ્યા હતા. તેઓ સીધા સ્વરાજ આશ્રમ ખાતે સરદાર પટેલના નિવાસ સ્થાને પહોંચી ત્યાં સરદાર અને ગાંધીજીને સૂતરની આટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ તેઓ બારડોલી નજીક આવેલા પ્રસિદ્ધ કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત સભા સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતની કોઈ માહિતી બહાર જતી નથી. ગુજરાતના લોકો પૂર્ણ રીતે બંધનમાં છે. અહીંના લોકોએ આંદોલનમાં દિલ્હી જવું હોય તો આબુ રોડથી જવું પડે છે.
ગામના સરપંચ કે પોલીસ જમાદારને ખબર ન પડે એ રીતે જવું પડે છે. ખેડૂતો શું કરે છે અને ક્યાં જાય છે તેનું તમામ પ્રકારનું રિપોર્ટિંગ થાય છે, તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતના પ્રધાનમંત્રી બની શકે પણ અહીં ખેડૂત દિલ્હીના આંદોલનમાં નહીં જઈ શકે એ ક્યાંનો ન્યાય. હવે તો એ (નરેન્દ્ર મોદી) પરત આવશે અથવા તો અહીંના ખેડૂતો પણ દિલ્હી જશે. આ ખેડૂતોની આઝાદીની લડાઈ છે. એમાં લોકોએ સામેલ થવું પડશે. આ સરદાર પટેલની ધરતી છે. અહીંથી જ અંગ્રેજો સામે આંદોલન થયું. બંને પ્રકારનાં આંદોલન થશે. જો અહીં સરકાર શાંતિપૂર્ણ રીતે આંદોલન કરાવવા માંગે છે તો તે રીતે થશે અને ક્રાંતિથી કરાવવા માંગે છે તો ક્રાંતિથી પણ આંદોલન કરવા તૈયાર છીએ.
પોલીસ અંગે ટિપ્પણી કરતાં ટિકૈતે જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર અંડર પ્રેશરમાં કામ કરે છે, જે હવે નહીં થાય. ગુજરાતની પોલીસ ફોર્સ ખૂબ જ એક્ટિવ છે. એમના માટે પણ અવાજ ઉઠાવવો પડશે. એ પણ આપણા જ પરિવારના છે. જો કોઈ ખેડૂતની ધરપકડ થાય તો તેના પશુની પણ ધરપકડ કરાવવાની ફરજ પાડવી પડશે. વિરોધની ભાષા તો અહીંના તંત્રએ સાંભળી જ નથી. ગુજરાતના કિસાનો, દુકાનદારો, નૌજવાનોને આઝાદી મળશે અને અહીં આંદોલન પણ થશે, સરકારે કાનૂન નહીં પરંતુ સસ્તા ખેડૂતોનો પાક કેવી રીતે લૂંટવો તે માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે.
સરકારે પકવેલું અનાજ કંપનીના ગોડાઉનમાં બંધ હશે અને ચાવી મુંબઈમાં રહેશે, મુંબઈથી ભૂખના આધારે દેશમાં રોટલીની કિંમત નક્કી થશે. સમગ્ર દેશને મોટી કંપનીઓ ચલાવી રહી છે. ભાજપના વિચારધારક છે. તેઓ એવા વહેમમાં ન રહેતા કે આ કોઈ પાર્ટીની સરકાર છે. જો પાર્ટીની સરકાર હોત તો તે ખેડૂતો સાથે ચોક્કસ વાત કરતે. સરકાર તો કંપનીની છે.
સરકાર રેલવે, એરપોર્ટ, બીએસએનએલ, પેટ્રોલિયમ કંપની બધું જ વેચવા પર છે. હવે તો બોર્ડ લગાવવામાં આવશે કે હિન્દુસ્તાન વેચાઈ રહ્યું છે, કોણે કોણે ખરીદવું છે. એમને ન તો કોઈ તિરંગા સાથે લગાવ છે કે ન તો દેશ સાથે તેમને માત્ર મત સાથે લગાવ છે. સત્તા મેળવી દેશને વેચવા માટેનો લગાવ છે. આ રોકવું હશે તો આંદોલન કરવું પડશે. આંદોલન વગર કાંઈ નહીં થાય. ગુજરાતનો ખેડૂત નૌજવાન બંધનમાં છે તેને મુક્તિ અપાવી પડશે. જ્યારે બારડોલીની ધરતીથી 10-12 યુવક ખુલ્લેઆમ દિલ્હી આંદોલનમાં આવશે ત્યારે ખરી આઝાદી ગણાશે. સરદાર પટેલની કર્મભૂમિ પરથી આગળ વધવું પડશે, જમીન બચાવવી છે તો આંદોલન કરવું પડશે. કોરોનાનું બહાનું કાઢી લોકડાઉનનો ઉપયોગ કરશે પણ સરકાર સાંભળી લે કે આ ખેડૂતોનું આંદોલન છે એને શાહીન બાગ નહીં સમજતા, કોરોના આવે કે કોરોનાનો બાપ આવે, આંદોલન ખતમ નહીં થાય.
સરકારી અધિકારીઓને ભાજપ પર બહુ પ્રેમ હોય તો ભાજપનો પટ્ટો પહેરી લો
આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સરકાર અને સરકારી અધિકારીઓ પર ચાબખા મારતાં જણાવ્યું હતું કે, સરકારી અધિકારીઓને ભાજપ પર બહુ પ્રેમ હોય તો ભાજપનો પટ્ટો પહેરી લો. તમારું ઘરબાર અમારાથી ચાલે છે. મહેરબાની કરીને પાર્ટીની ખુશામત નહીં કરવાની. તેમણે ખેડૂતોને પૂરા જોશ સાથે આંદોલનમાં જોડાવવાની અપીલ કરી હતી. તેમણે સરકારને જુઠ્ઠાણાની સરકાર ગણાવી હતી. ગાંધીજીના વિરોધમાં સત્ય અને અહિંસાનું ખૂન આ સરકાર કરી રહી છે. વાઘેલાએ કહ્યું કે, સરકારનું રાજ રહ્યું તો ગાંધી આશ્રમ પણ મોહન મધુકર ભાગવતના નામે ઓળખાશે.