India

મમતાના સૌથી વિશ્વાસુ સાથીથી પશ્ચિમ બંગાળના પ્રથમ BJP મુખ્યમંત્રી સુધી: શુભેંદુ અધિકારીનો રાજકીય સફર

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં વર્ષો સુધી તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જીનું પ્રભુત્વ રહ્યું હતું, પરંતુ હવે રાજ્યમાં એક નવો રાજકીય અધ્યાય શરૂ થયો છે. ભાજપે પહેલીવાર બંગાળમાં સરકાર રચી છે અને તેના કેન્દ્રમાં છે શુભેંદુ અધિકારી એક એવો નેતા, જેઓ ક્યારેક મમતા બેનર્જીના સૌથી વિશ્વાસુ સાથી માનાતા હતા. આજે એ જ શુભેંદુ અધિકારી પશ્ચિમ બંગાળના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે શપથ લઈને ઈતિહાસ રચી ચૂક્યા છે.

શુભેંદુ અધિકારીનો રાજકીય ઉદય પૂર્વ મિદનાપુર જિલ્લાના કાંઠી વિસ્તારથી શરૂ થયો હતો. તેઓ પ્રભાવશાળી અધિકારી પરિવાર સાથે જોડાયેલા છે. તેમના પિતા શિશિર અધિકારી લાંબા સમયથી બંગાળની રાજનીતિમાં સક્રિય રહ્યા છે. જોકે શરૂઆતમાં શુભેંદુ કોંગ્રેસ સાથે જોડાયા, પરંતુ બાદમાં મમતા બેનર્જી સાથે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા. રાજ્યમાં ડાબેરી સરકાર સામે થયેલા આંદોલનોમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને નંદીગ્રામ આંદોલન દરમિયાન શુભેંદુ અધિકારી મમતાના સૌથી મજબૂત સિપાહી તરીકે ઉભરી આવ્યા હતા.

2011માં જ્યારે તૃણમૂલ કોંગ્રેસે 34 વર્ષ જૂની ડાબેરી સરકારને હટાવી સત્તા મેળવી, ત્યારે શુભેંદુ અધિકારીને એ જીતના મુખ્ય શિલ્પીઓમાં ગણવામાં આવ્યા. રાજ્યમાં સંગઠન મજબૂત કરવાથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં પાર્ટીને મજબૂત આધાર અપાવવામાં તેમનો મોટો ફાળો રહ્યો હતો. તેઓ મમતા સરકારમાં મંત્રી પણ રહ્યા અને પાર્ટીના વ્યૂહાત્મક નેતા તરીકે ઓળખાતા બન્યા.

પરંતુ સમય જતાં તૃણમૂલ કોંગ્રેસ અને શુભેંદુ અધિકારી વચ્ચે અંતર વધવા લાગ્યું. પાર્ટીમાં અવગણના થતી હોવાનો આક્ષેપ કરીને તેમણે આખરે TMC છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો. આ નિર્ણય બંગાળની રાજનીતિ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. ભાજપે તેમને રાજ્યમાં સૌથી મોટો ચહેરો બનાવ્યો અને હિંદુત્વ તેમજ આક્રમક વિરોધની રાજનીતિ દ્વારા તેમણે ઝડપથી પોતાની ઓળખ મજબૂત કરી.

2021ની વિધાનસભા ચૂંટણીમાં શુભેંદુ અધિકારીએ નંદીગ્રામ બેઠક પરથી સીધો મુકાબલો મમતા બેનર્જી સામે કર્યો હતો. આ ચૂંટણી દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. શુભેંદુએ મમતાને હરાવીને પોતાને “જાયન્ટ કિલર” તરીકે સ્થાપિત કર્યા. ત્યારબાદ ભાજપમાં તેમનું મહત્વ સતત વધતું ગયું અને રાજ્યમાં પાર્ટીના સૌથી પ્રભાવશાળી નેતા તરીકે તેઓ ઉભરી આવ્યા.

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી. 294 બેઠકોમાંથી ભાજપે બહુમતી હાંસલ કરી અને તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત આવ્યો. આ જીત બાદ શુભેંદુ અધિકારીને ભાજપ વિધાનમંડળ દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેઓએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભવ્ય શપથવિધિ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત NDAના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા. શુભેંદુ અધિકારી સાથે દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પૉલ સહિતના નેતાઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે શુભેંદુ અધિકારીનો સફર માત્ર એક નેતાના ઉદયની કહાની નથી, પરંતુ બંગાળની બદલાતી રાજકીય દિશાનો પણ સંકેત છે. એક સમય મમતા બેનર્જીના સૌથી વિશ્વાસુ સાથી ગણાતા શુભેંદુ આજે તેમના સૌથી મોટા રાજકીય પ્રતિસ્પર્ધી બની ચૂક્યા છે. હવે સૌની નજર એ પર છે કે પશ્ચિમ બંગાળના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે તેઓ રાજ્યને કેવી નવી દિશા આપે છે.

Most Popular

To Top