લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણીની નિમણૂક
ભારત સરકારે દેશની સેનાના સર્વોચ્ચ સૈન્ય પદ ‘ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ’ (CDS) માટે લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણી (નિવૃત્ત)ની નિમણૂક જાહેર કરી છે. તેઓ હવે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સના સચિવ તરીકે પણ કામગીરી સંભાળશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ચાર્જ સંભાળે તે તારીખથી આ નિમણૂક અમલમાં આવશે આગામી આદેશ સુધી તેઓ આ જવાબદારી નિભાવશે.
હાલના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ 30 મે 2026ના રોજ પૂર્ણ થવાનો છે. ત્યારબાદ લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણી સત્તાવાર રીતે દેશના નવા CDS તરીકે કામગીરી શરૂ કરશે. તેમની નિમણૂકને ભારતીય સૈન્ય વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહી છે. લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણીને સેનામાં લાંબો અને વિશાળ અનુભવ ધરાવતા અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ હાલમાં 1 સપ્ટેમ્બર 2025થી નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સચિવાલયમાં મિલિટરી એડવાઇઝર તરીકે ફરજ બજાવી રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓમાં તેઓ સરકારને માર્ગદર્શન આપી રહ્યા હતા.
આ પહેલાં તેઓ 1 જુલાઈ 2024થી 31 જુલાઈ 2025 સુધી ભારતીય સેનાના વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કાર્યરત રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે સેનાની આધુનિકીકરણ પ્રક્રિયા, ઓપરેશનલ તૈયારીઓ અને સ્ટ્રેટેજિક આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની કામગીરીને કારણે તેઓ સૈન્ય વર્તુળોમાં ખૂબ જ સન્માનિત માનવામાં આવે છે.તે પહેલાં તેઓ માર્ચ 2023થી જૂન 2024 સુધી સેન્ટ્રલ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. ઉત્તર ભારતના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારોમાં સુરક્ષા અને સૈન્ય સંકલન જાળવવામાં તેમની ભૂમિકા નોંધપાત્ર રહી હતી.
લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણીને તેમના ઉત્કૃષ્ટ સૈન્ય યોગદાન બદલ અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા છે. તેમને PVSM (પરમ વિશિષ્ટ સેવા મેડલ), AVSM (અતિ વિશિષ્ટ સેવા મેડલ), SM (સેના મેડલ) અને VSM (વિશિષ્ટ સેવા મેડલ) જેવા પ્રતિષ્ઠિત સૈન્ય સન્માનો મળ્યા છે. આ એવોર્ડ્સ તેમના વ્યાવસાયિક નેતૃત્વ અને રાષ્ટ્રસેવામાં આપેલા યોગદાનને દર્શાવે છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ ભારતીય સશસ્ત્ર દળોમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. CDS ત્રણેય સેનાઓ આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે સંકલન મજબૂત બનાવવાની સાથે સરકારને સૈન્ય બાબતોમાં માર્ગદર્શન આપે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સના વડા તરીકે તેઓ સૈન્ય સુધારણા અને સંયુક્ત કામગીરીને આગળ ધપાવવાનું કામ કરે છે. લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણીની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે ભારત સુરક્ષા ક્ષેત્રે આધુનિકીકરણ અને સંયુક્ત સૈન્ય ક્ષમતાઓ વધારવા પર ખાસ ભાર મૂકી રહ્યું છે. તેમની નિમણૂકથી દેશની રક્ષા નીતિઓને વધુ મજબૂતી મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.