Halol

પાવાગઢ ડુંગર પર દીપડાનો આતંક : વન વિભાગે પાંજરું મૂકી શરૂ કર્યું ઓપરેશન

સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થતા વન વિભાગ દોડતું થયું

રોપ-વે મારફતે ડુંગર ઉપર પહોંચાડાયું પાંજરું

હાલોલ: યાત્રાધામ પાવાગઢ ડુંગર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની હલચલ જોવા મળતા સ્થાનિકો તેમજ યાત્રાળુઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જંગલ વિસ્તાર અને છાસિયા તળાવ આસપાસ સાંજના સમયે દીપડો નિર્ભય રીતે ફરી રહ્યો હોવાના વિડિયો સ્થાનિકોએ મોબાઇલમાં કેદ કર્યા હતા, જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચિંતા વ્યાપી ગઈ હતી.

દીપડાની હાજરીને કારણે ખાસ કરીને પાવાગઢ આવતા શ્રદ્ધાળુઓમાં સુરક્ષાને લઈને પ્રશ્નો ઉભા થયા હતા. ઘટના અંગે માહિતી મળતા હાલોલ વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

વન વિભાગની ટીમે સ્થાનિક લોકો અને ગામના સરપંચ સાથે ચર્ચા કરીને દીપડાની હલચલ અંગે માહિતી એકત્રિત કરી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દીપડાને પકડવા માટે ખાસ પાંજરું ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ડુંગરાળ વિસ્તાર હોવાને કારણે પાંજરું ઉપર પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડી હતી. જેના કારણે માલસામાન લઈ જવા માટે કાર્યરત રોપ-વેની મદદ લેવામાં આવી હતી. રોપ-વે મારફતે પાંજરું ડુંગર ઉપર પહોંચાડ્યા બાદ સ્થાનિક લોકોની મદદથી તેને મંદિર પાછળ આવેલા સમાધિ વિસ્તાર સુધી લઈ જઈ ગોઠવવામાં આવ્યું હતું.

વન વિભાગની આ કામગીરી બાદ સ્થાનિકોમાં થોડી રાહતની લાગણી જોવા મળી રહી છે. લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે દીપડાને વહેલી તકે સુરક્ષિત રીતે પકડી લેવામાં આવશે જેથી યાત્રાળુઓ અને સ્થાનિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top