Vadodara

ગણપતપુરામાં બુટલેગરના ઘરે લગ્ન પ્રસંગ વચ્ચે મંજુસર પોલીસની રેડ, રૂ.2.40 લાખનો દારૂ ઝડપાયો

બુટલેગર સહિતના લોકોએ ગામની લાઈટ બંધ કરી અંધારપટ કર્યો હોવાની ચર્ચા, પોલીસને પડી મુશ્કેલી, એક શખ્સ ડિટેન

વડોદરા તા. 8
વડોદરા જિલ્લાના ગણપતપુરા ગામ ખાતે મંજુસર પોલીસે બુટલેગરો સામે કાર્યવાહી કરતા રૂપિયા 2.40 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બુટલેગરના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન જ દારૂનું વેચાણ અને પીણાં ચાલતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન ગામમાં અચાનક લાઈટ બંધ થઈ જતાં પોલીસને કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગણપતપુરા ગામમાં દેશી અને વિદેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા મનોજ ઠાકોરના ઘરે લગ્ન પ્રસંગ યોજાયો હતો. આ દરમિયાન દારૂનું ખુલ્લેઆમ વેચાણ તથા પીણાં ચાલી રહ્યા હોવાની માહિતી મળતાં મંજુસર પોલીસ દ્વારા તાત્કાલિક રેડ કરવામાં આવી હતી.
પોલીસે મનોજ ઠાકોર, શૈલેષ ઠાકોર તેમજ તેમના મિત્રોના મકાનોમાં તપાસ કરતાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે રૂપિયા 2.40 લાખથી વધુની કિંમતનો દારૂ કબ્જે કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રેડ દરમિયાન ગામના કેટલાક લોકો અને બુટલેગરોએ ભેગા મળી આખા ગામની લાઈટ બંધ કરી દીધી હોવાની ચર્ચા છે. અંધારપટ સર્જાતા પોલીસને કાર્યવાહી દરમિયાન મુશ્કેલી પડી હતી અને ટૂંક સમયમાં જ ટીમને પરત ફરવું પડ્યું હતું. જોકે લાઈટ બંધ કરાય હોવાની બાબતે પોલીસે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરી નથી. આ સમગ્ર મામલે પોલીસે વિદેશી દારૂ સાથે એક શખ્સને ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top