National

બંગાળ-તામિલનાડુની રાજનીતિ ગરમાઈ: ગઠબંધન અને સત્તા માટે જોરદાર ખેંચતાણ

પશ્ચિમ બંગાળ અને તામિલનાડુના રાજકારણમાં હાલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. બંને રાજ્યોમાં સરકાર રચનાને લઈને સતત રાજકીય ચર્ચાઓ અને અટકળો ચાલી રહી છે. બંગાળમાં ભાજપની મોટી જીત બાદ હવે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના ચહેરાઓને લઈને ચર્ચાઓ તેજ બની છે, જ્યારે તામિલનાડુમાં વિજયની પાર્ટી TVK સૌથી મોટી પાર્ટી બની હોવા છતાં બહુમતીના આંકડાથી હજુ દૂર છે. બંગાળમાં આજે ભાજપ વિધાનસભા પક્ષની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુવેન્દુ અધિકારીને વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવી શકે છે. જો એવું થાય તો તેઓ પશ્ચિમ બંગાળના આગામી મુખ્યમંત્રી બનવાના સૌથી મજબૂત દાવેદાર ગણાશે. ભાજપની ઐતિહાસિક જીત બાદ પાર્ટીમાં ઉજવણીનો માહોલ છે, પરંતુ બીજી તરફ રાજ્યમાં રાજકીય તણાવ પણ વધી રહ્યો છે.

તાજેતરમાં સુવેન્દુ અધિકારીના નજીકના સહયોગી અને પીએ ચંદ્રાની હત્યા બાદ વાતાવરણ વધુ ગરમાયું છે. ભાજપના નેતાઓએ આ ઘટનાને લઈને સીધો TMC પર આરોપ લગાવ્યો છે. બીજી તરફ, મમતા બેનરજીએ હાર સ્વીકારવા અંગે હજુ સ્પષ્ટ સંકેત આપ્યા નથી. રાજીનામા મુદ્દે પણ તેમણે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, જેના કારણે બંગાળની રાજનીતિમાં અનિશ્ચિતતા યથાવત છે. આ દરમિયાન બંગાળમાં ઉત્તર પ્રદેશની જેમ બે નાયબ મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા પણ જોર પકડી રહી છે. અહેવાલો મુજબ, ભાજપ એક મહિલા નેતાને પણ નાયબ મુખ્યમંત્રી બનાવી શકે છે. આ રેસમાં અગ્નિમિત્રા પોલનું નામ સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે. તેઓ ભાજપ મહિલા મોરચામાં સક્રિય અને પ્રભાવશાળી ચહેરા તરીકે જાણીતા છે.

બીજા નાયબ મુખ્યમંત્રી તરીકે ઉત્તર બંગાળના નેતાને તક મળી શકે તેવી ચર્ચા છે. હાલ નિસિથ પ્રામાણિકનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. કેટલીક રાજકીય અટકળો એવી પણ છે કે ભાજપ આદિવાસી સમુદાયમાંથી પણ કોઈ મોટા ચહેરાને આગળ લાવી શકે છે. જોકે, આ તમામ બાબતો અંગે અંતિમ નિર્ણય બેઠક બાદ જ સ્પષ્ટ થશે. બીજી તરફ તામિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી TVKએ 108 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉદય કર્યો છે, પરંતુ સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી હજુ મળી નથી. કોંગ્રેસના સમર્થન છતાં પાર્ટી બહુમતીથી થોડા આંકડા દૂર છે.

તામિલનાડુમાં સૌથી વધુ ચર્ચા DMK અને AIADMK વચ્ચે સંભવિત ગઠબંધનની થઈ રહી છે. લાંબા સમયથી રાજકીય વિરોધી રહેલા આ બંને પક્ષો હવે વિજયને સત્તાથી દૂર રાખવા માટે સાથે આવી શકે તેવી અટકળો છે. રાજકીય સોદાબાજી અને ધારાસભ્યોના સમર્થન બદલવાના સમાચાર પણ ચર્ચામાં છે. આ બંને રાજ્યોમાં આગામી થોડા દિવસો રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. હવે સૌની નજર એ પર છે કે બંગાળમાં ભાજપ કોને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બનાવે છે અને તમિલનાડુમાં અંતે સરકાર રચનાનું ગણિત કોના પક્ષે જાય છે.

Most Popular

To Top