Vadodara

વડોદરામાં પાણીની એલર્ટ! આગામી 30 દિવસ અડધા શહેરમાં ઘટશે પાણીનું પ્રેશર

મહીસાગરના ફ્રેન્ચવેલમાં રેતી કાઢવાની કામગીરી શરૂ; 16 મુખ્ય ટાંકીઓ અને અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો અસરગ્રસ્ત રહેશે

વડોદરા, તા. 7:
વડોદરા શહેરના લાખો નાગરિકો માટે આગામી એક મહિનો પાણીના ઉપયોગ મામલે સાવચેતી રાખવાનો રહેશે. વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા ચોમાસા પૂર્વે હાથ ધરવામાં આવેલી મહત્વપૂર્ણ કામગીરીને કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણીનું પ્રેશર ઘટી શકે છે. મહીસાગર નદીમાં આવેલા રાયકા અને દોડકા ફ્રેન્ચવેલ કૂવાઓમાંથી ભરાયેલી રેતી દૂર કરવાની કામગીરી આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે, જેના કારણે પાણી પુરવઠા પર સીધી અસર પડશે.
મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગના જણાવ્યા મુજબ, ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની પ્રક્રિયા દરમિયાન હેવી પંપોને દરરોજ બેથી ત્રણ કલાક માટે બંધ રાખવા પડશે. પરિણામે સંબંધિત પાણીની ટાંકીઓ અને બુસ્ટર સ્ટેશનો સંપૂર્ણ ક્ષમતાથી ભરાઈ શકશે નહીં, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણીનું પ્રેશર ઘટી જશે અને કેટલાક વિસ્તારોમાં પુરવઠાનો સમય પણ ઓછો થઈ શકે છે.
આ કામગીરીની સીધી અસર શહેરની આશરે 16 મુખ્ય પાણીની ટાંકીઓ પર પડશે. જેમાં એરપોર્ટ બુસ્ટર, આજવા, ખોડીયારનગર, વારસિયા, ગાજરાવાડી, નાલંદા, દરજીપુરા, સમા, પૂનમનગર, નોર્થ હરણી, કારેલીબાગ, વ્હીકલપુલ, સયાજીબાગ, જેલ ટાંકી, પાણીગેટ અને લાલબાગ ટાંકીનો સમાવેશ થાય છે. ઉપરાંત ફાજલપુર ફ્રેન્ચવેલ સાથે જોડાયેલા પરશુરામ બુસ્ટર, છાણી ગામ, ટીપી-13 અને નવી ધરતી વિસ્તારના નાગરિકોને પણ પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે.
હાઇડ્રોલિક વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે ચોમાસા દરમિયાન શુદ્ધ અને પૂરતું પાણી મળી રહે તે માટે આ કામગીરી જરૂરી છે. જો કે, હવામાનમાં ફેરફાર અથવા વહેલા વરસાદની સ્થિતિમાં કામગીરીના સમયગાળામાં ફેરફાર થઈ શકે છે.
મહાનગરપાલિકાએ શહેરજનોને આગામી 30 દિવસ સુધી પાણીનો બગાડ ટાળવા, સંગ્રહ કરીને ઉપયોગ કરવા અને તંત્રને સહકાર આપવા અપીલ કરી છે. પાણીના પ્રેશરમાં ઘટાડાને કારણે કેટલાક વિસ્તારોમાં રોજિંદી જરૂરિયાતો પર અસર પડવાની શક્યતા હોવાથી નાગરિકોને આગોતરી તૈયારી રાખવા પણ સૂચન કરાયું છે.

Most Popular

To Top