અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા ત્યારથી ટેરિફ, ગ્રીનલેન્ડ, નાટો સહિતના અનેક મુદ્દે યુરોપિય દેશો સાથેના અમેરિકાના સંબંધો તંગ બન્યા છે. ઇરાન યુદ્ધને કારણે આ સંબંધો વધુ તંગ બન્યા, અને હવે જર્મનીમાંથી અમેરિકી સૈનિકો પાછા ખેંચવાના મુદ્દે તંગદીલી ઓર વધી શકે છે. યુરોપિયન નેતાઓએ જણાવ્યું છે કે ટ્રમ્પનો જર્મનીમાંથી હજારો અમેરિકન સૈનિકોને પાછા ખેંચવાનો અચાનક નિર્ણય આશ્ચર્યજનક છે, પરંતુ તે એક નવો સંકેત છે કે યુરોપે પોતાની સુરક્ષાની જવાબદારી જાતે લેવી પડશે.
પેન્ટાગોને ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે તે જર્મનીમાંથી લગભગ 5,000 સૈનિકો પાછા ખેંચી લેશે, પરંતુ ટ્રમ્પે બાદમાં પત્રકારોને કહ્યું હતું કે અમે તેમાં ભારે ઘટાડો કરવા જઈ રહ્યા છીએ. અને અમે 5,000 કરતાં ઘણો વધારે ઘટાડો કરીશું. તેમણે આ પગલાનું કોઈ કારણ આપ્યું ન હતું, જે બાબતે નાટોને અંધારામાં રાખ્યું હતું. પરંતુ તેમનો આ નિર્ણય ઈરાન સામેના યુ.એસ.-ઈઝરાયેલ યુદ્ધ અંગે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથેના વધતા વિવાદ અને મધ્ય પૂર્વના સંઘર્ષમાં સામેલ થવા માટે યુરોપિયન સાથીઓની અનિચ્છા અંગે ટ્રમ્પના ગુસ્સા વચ્ચે આવ્યો છે.અમેરિકન નિર્ણય વિશે પૂછવામાં આવતા નોર્વેના વડા પ્રધાન જોનાસ ગહર સ્ટોરે જણાવ્યું હતું કે, હું તેને વધારે પડતું મહત્વ નહીં આપું કારણ કે મને લાગે છે કે અમે અપેક્ષા રાખી રહ્યા છીએ કે યુરોપ તેની પોતાની સુરક્ષાની વધુ જવાબદારી સંભાળશે.
દેખીતી રીતે તેઓ ટ્રમ્પની ધમકીને અવગણવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આર્મેનિયાના યેરેવનમાં, જ્યાં યુરોપિયન નેતાઓએ એક સંમેલન યોજ્યું હતું, ત્યાં પત્રકારોને જણાવ્યું હતું કે, હું તે આંકડાઓને નાટકીય નથી માનતો, પરંતુ મને લાગે છે કે નાટોના માળખાની અંદર તેનું સુમેળભર્યું રીતે સંચાલન થવું જોઈએ. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, નાટોમાં એક મજબૂત યુરોપિયન તત્વ હોવું જરૂરી છે, અને મને તે બાબતે કોઈ શંકા નથી. તેમણે તેમના યુરોપિયન ભાગીદારોને કહ્યું કે તેમના કેટલાક આંતરરાષ્ટ્રીય જોડાણોમાં હોવું જોઈએ તેના કરતાં વધુ તણાવ છે, અને તેથી તેનો સામનો કરવો આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તેમનો સૂર પણ એ જ છે કે નાટોને હવે યુરોપિયન દેશોએ જ વધુ સંભાળવું જોઇએ, અમેરિકાને બહુ મહત્વ આપવાની જરૂર નથી. યુરોપિયન યુનિયનના વિદેશ નીતિ વડા, કાજા કલ્લાસે જણાવ્યું હતું કે, યુરોપમાંથી યુએસ સૈનિકો પાછા ખેંચવા અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. પરંતુ અલબત્ત, આ જાહેરાતનો સમય આશ્ચર્યજનક છે. તેમણે કહ્યું, મને લાગે છે કે તે દર્શાવે છે કે આપણે ખરેખર નાટોમાં યુરોપિયન સ્તંભને મજબૂત કરવો પડશે. તેમનો સૂર પણ સ્ટાર્મરના સૂર જેવો જ છે.
ગયા વર્ષે ટ્રમ્પની ધમકીઓના જવાબમાં, યુરોપિયન દેશો અને કેનેડાએ તેમના સંરક્ષણ ખર્ચ અને લશ્કરી ભરતીના પ્રયાસો વધાર્યા છે. નાટોના પ્રવક્તા એલિસન હાર્ટે જણાવ્યું હતું કે 32-રાષ્ટ્રીય લશ્કરી જોડાણના અધિકારીઓ જર્મનીમાં તેમની ફોર્સ પોસ્ચર (બળની સ્થિતિ) અંગેના યુએસના નિર્ણયની વિગતો સમજવા માટે તેમની સાથે કામ કરી રહ્યા છે. યુરોપિયન સાથીઓ અને કેનેડાને ગયા વર્ષે ટ્રમ્પ ફરી સત્તા પર આવ્યા ત્યારથી જ ખબર હતી કે ટ્રમ્પ યુરોપમાંથી સૈનિકો પાછા ખેંચી લેશે; કેટલાક ઓક્ટોબરમાં રોમાનિયા છોડી પણ ચૂક્યા છે, પરંતુ અમેરિકી અધિકારીઓએ સુરક્ષા શૂન્યાવકાશ ઊભો થવાથી બચવા માટે તેમના નાટો સાથીઓ સાથે કોઈપણ પગલાંનું સંકલન કરવાનું વચન આપ્યું હતું. નોંધનીય છે કે, ફ્રાન્સ, સ્પેન અને યુકેએ ઈરાન પર હુમલો કરવા માટે તેમની જમીન પર આવેલા બેઝનો ઉપયોગ કરવા માટે યુએસ સૈનિકોને મુક્ત છૂટ આપવાનો ઇનકાર કર્યો છે.
સ્પેને તેમને યુદ્ધ માટે તેના એરસ્પેસ અને બેઝનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. મર્ઝ સાથેના ઘર્ષણના અન્ય એક સંકેતમાં, ટ્રમ્પે EU પર તેના યુએસ વેપાર સોદાનું પાલન ન કરવાનો આરોપ મૂક્યો છે અને આવતા અઠવાડિયે બ્લોકમાં ઉત્પાદિત કાર અને ટ્રકો પર ટેરિફ વધારીને 25 ટકા કરવાની યોજના જાહેર કરી છે. આ એક એવું પગલું છે જે ખાસ કરીને જર્મની, જે ઓટોમોબાઈલનું મુખ્ય ઉત્પાદક છે, તેને મોટું નુકસાન પહોંચાડશે.
ટ્રમ્પ અથવા યુનાઇટેડ સ્ટેટ્સનો ઉલ્લેખ કર્યા વિના, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને તાજેતરના વેપાર સોદાઓની યાદી આપી હતી જે બ્લોકે ઓસ્ટ્રેલિયા અને ભારત સાથે પૂર્ણ કર્યા છે, અને હવે મેક્સિકો સાથે કામ કરી રહ્યા છે. જર્મનીના વતની એવા વોન ડેર લેયેને પત્રકારોને જણાવ્યું હતું કે, સમાન વિચારધારા ધરાવતા મિત્રો સાથે, તમારી પાસે સ્થિર, વિશ્વસનીય સપ્લાય ચેઈન છે અને યુરોપ પાસે મુક્ત વેપાર કરારોનું સૌથી મોટું નેટવર્ક છે. યુરોપિયન નેતાઓનો સૂર અને ટ્રમ્પના બખાળા સૂચવે છે કે આગામી દિવસોમાં યુરોપ અને અમેરીકાની તંગદીલી ઓર વધી શકે છે.