Comments

હરતુ ફરતુ આનંદિત શરીર સ્વયં તંદુરસ્તીની નિશાની છે

આજકાલ શહેરોમાં ટ્રાફિક, પોલ્યુશન, ગીચ વિસ્તારોમાં નાના આવાસો, કુટુંબના બાળકોથી લઈ દીકરાની વહુ સુધી સહુ સવારથી સાંજ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત, આથી ઘરના વડીલોને રસ્તો ઓળંગી બગીચા સુધી કોણ લઈ જાય! વડીલો એકાદ બસ કે રીક્ષા કરી દેવ-દર્શને પણ કેમ કરી જાય? પાક્ટ ઉંમર આથી તબિયતનું જરા નરમ-ગરમ રહેવાનું અને ડોક્ટર પાસે જઈએ એટલે કડક ભાષામાં સુચના મળે ‘કસરત….. કાના માત્ર વિનાની પ્રવૃત્તિ નહીં અપનાવો તો કાના માત્ર વિના નરકમા પહોંચી જવું પડશે! અને આજકાલ બને પણ કેવું, જોગસ પાર્કમા ચાલવા માટે ઘર બહાર નીકળ્યાં હોઈએ ત્યારે જ સાઈડમાંથી ઓવરટેક કરતું વાહન પછાડે અને થાપાનો જોડ ભાંગે. થડીયાળનાં કાટે બે કિલોમીટર ચાલી દુકાને પહોંચી બપોરનું સાત્વિક ભોજન દુકાનમાં જ લેનાર વ્યાપારીને પણ બજારના પોલ્યુશનના કારણે ફેફસામાં ૭૬ % કંજેશન વ્યાપી જાય. પશ્ચિમી સમજ શરીર સ્વાસ્થ્યને વ્યાયામ સાથે જોડી રાખવાનો અભિગમ અપનાવે છે કે મર્યાદિત દ્રષ્ટિકોણ છે.

પરંતુ સ્વાસ્થ્યના હોલીસ્ટીક વ્યહનો પ્રથમ આધાર પોષક આહાર છે. ત્યારે એક વયસ્ક વ્યક્તિએ પોતાના દિવસભરનાં ખોરાકમાં ૧૩૫ થી ૧૫૦ ગ્રામ તાજા શાકભાજી અને સીઝનલ ફ્રૂટ લેવાનુ રાખવુ જોઈએ. બજારમાં લીલાછમ અને આકારમાં સામાન્યથી મોટા દેખાતા ફળ, શાકભાજી ઓક્સીટોસીન અને કોપર સલ્ફેટની કેમીકલ ટ્રીટમેન્ટમાંથી પસાર કરેલા જોવા મળે છે. પરંતુ ચીન કે ઓસ્ટ્રેલિયા જેવા દૂરના દેશોમાંથી આવતા ફળ-શાકભાજીમાથી પાણીનું પ્રમાણ ઘટી ન જાય તે માટે વેક્સ કોટ કરવામાં આવે છે. આવી અશુદ્ધિ સાથેના ખોરાકનુ સેવન કરવાથી ફેફસા અને લીવરને ભારે નુકસાન થાય છે. આથી ફળ-શાકભાજીને ઉપયોગમા લેતા પહેલા ૩ થી ૪ કલાક ચોખ્ખા પાણીમા પલાળી રાખવા, છાલ કાઢી નાખવી અને પ્રેશરકુકરમાં વરાળના દબાણ વચ્ચે બાફી ખાવાનું રાખવું.

૬૦ વર્ષ પછી માણસની ૧ કિલો ૫૦ ગ્રામથી  ૧.૮૦ ગ્રામ સુધીનો ખોરાક પચાવી શકે છે. મનની ભૂખથી આરોગેલો વધારાનો બધોજ આહાર શરીર માટે બહાર નીકળતા સુધી બોજ બની રહે છે. આજકાલ તુવેરદાળ સાથે ભેળ-સેળ થતી લાલ દાળ મોટી ઉમરના લોકોએ ન ખાવી કારણ તેમાનું સેલ્યુલોઝ હાડકા બરડ કરી નાખે છે. તેમ રાજમા, વાલ, પાપડીના વધુ સેવનથી કઠોળમાં રહેલ હીમેગ્લુટીન તત્વ લોહીના લાલ કણને ઘટાડી નાખે છે. બટાકાના અતિ સેવનથી શરીરમા આયોડિનની માત્રા અ-સમતુલિત બની જાય છે. ઉપરાંત રેફ્રિજરેટરમા સાચવી રાખેલ કે માઈકો ઓવનમા ગરમ કરેલા જંક ફુડથી શરીરને માત્ર નુકશાન જ થાય છે.

ઈંગ્લેન્ડમાં જેલના કેદીઓ ઉપરના અભ્યાસથી જાણવા મળેલ છે કે જેઓને ૧ વર્ષ સુધી જંક ફુડ ઉપર રાખવામાં આવેલ તેઓની ગ્રહણ શક્તિમા ઘટાડો થયો અને સામુહિક વર્તનમાં અ-શિત્વ વધી અને જે ગુનેગારોને ચરબી, કાર્બોહાઈડ્રેટ, મીનરલ, પોટિન, વિટામીનની સમતુલાવાળો તાજો ખોરાક આપવામા આવતા તેઓમા શિખવાની અને પરસ્પરને સહકાર આપવાની વૃત્તિમા વધારો થયો. આપણે ત્યાં પ્રચલિત કહેવત છે, ‘અન્ન તેવો ખોરાક’ ‘આ ઓડકાર તે ખોરાકની શરીર ઉપરની અસર છે.

વન પ્રવેશ થઈ ચુક્યો હોય છે, ત્યારે રોગ પ્રતિકારક શક્તી ઘટી જાય છે. વૃધ્ધોએ ઔષઘીઓનો આધાર લેવો પડે છે. પરંતુ મેડીસીન સાયન્સ  કહે છે, “ધેરીઝ ઇફેક્ટ, ધેરીઝ એ સાઈડ ઇફેક્ટ. સિકકાની બીજી બાજુ પણ હોવાની જ. આથી ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વિના મળતી દવાઓ  પણ ચણા-મમરા માફક ન લેવી. જરા અમસ્તી શરદી, શરીરના દુખાવામાં એસ્પિરિન લઈએ છીએ. પરંતુ ટેબલેટમાં રહેલ સ્ટરોડાઈલ એન્ટી ઈન્ફલમટરી ડ્રરસથી લાંબે ગાળે લીવરમાં અસર થાય છે. ચામડી ઉપર લાલ ચાઠા પડે છે અને ચળ આવે છે.

વ્યાપારીઓ બજારમાં ટકી રહેવા હાનિકારક સંયોજનથી દવાઓ વહેંચે છે. પેરાસિટામોલ સાથે અલ્પ્રાઝૉલમનું  કોમ્બીનેશન પ્રોટેસ્ટ ગ્લેન્ડ નબળી પાડે છે. આપણા રુધિરાભિષણ તંત્ર ઉપર માઠી અસર પહોંચાડતી કેટલીક દવાઓ યુરોપ, અમેરિકામાં વર્જિત છે. પણ આવી ૨૯૪ દવાઓ ભારતના વડીલો કોઈ વિશેષ સમજ વિના લિધે રાખે છે. આથી ડોક્ટરની સલાહ વિના છાપા-ટીવીની જાહેરાતના આઘારે લેશો નહીં. રોગનો ઉપાય કરતા પહેલા તેનુ કારણ જાણવાનો પ્રયત્ન કરો.

સ્ત્રી- પુરુષોમાં ૫૦-૬૦ વર્ષ પછી શરીર બહારથી કંઈ ફેરફાર નોંઘતુ નથી પરંતુ વ્યક્તિ વધુ સંવેદનશીલ બની જાય છે. રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. શરીરના મસલ્સ શિથિલ થવા લાગે છે. અને મગજના સંદેશાઓના અમલમા થોડી ઢિલાશ આવે છે. શરીર વિટામીન ડી પ્રકારના કેટલાક જરૂરી તત્વો ખોરાકમાથી છુટા પાડવાની ક્ષમતા ગુમાવી દે છે. આવા પ્રાકૃતિક ફેરફાર વશાત વ્યક્તિનો દિવસભરનો પરિશ્રમ ઘટે છે.

પરાવલંબી અવસ્થાના લીધે ખોરાક લેવામાં અ-નિયમિતતા વધે છે અને સરવાળો એસીડીટીની ફરિયાદ રહે છે, ક્યારેક માથુ છાતી, પેટમાં દુખાવો, બળતરા અનુભવાય છે પણ તેથી ગભરાયા વિના મનને મજબૂત રાખો પ્રથમ તીખુ, તળેલુ, ખાટું, આથો લાવીને બનાવેલ વાનગી ઓછી કરવી. શરીરના દુખાવા માટેની, કેલ્શિયમ ચેનલની દવાઓ લેવાનું ઘટાડવું. તમાકુનું કોઈપણ પ્રકારનુ સેવન બંધ કરવુ. આમ છતા ફરિયાદ રહે તો ડોક્ટરની સલાહ અનુસાર સવારનો પોષ્ટિક નાસ્તો અને રાત્રે માત્ર શાકભાજીના સૂપ સાથે ૨-ખાખરા ખાવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.

મેયો કિલનિક પ્રોસીડિંગ્સ અહેવાલ અનુસાર શહેરોમાં નાગરીકો અઠવાડીયામાં સરેરાશ ૧૮થી ૨૩ કલાક ટીવી સામે બેસી રહે છે. આથી લેવાયેલ ખોરાકમાથી ૨૭૫ થી ૩૮ યુનિટ કેલેરી વણ વપરાયેલી પડી રહે છે જે ફેટમાં કન્વર્ટ થતા સાંધાના દુખાવા, હાડકામાં કળતર, લોહીના પરિભ્રમણનાં અટકાવના પ્રશ્નો ઉભા કરે છે. ધ્યાન રહે બે પગ ઉપર ઉભેલા અને હાથ-પગથી ચાલતા શરીર માટે મસ્તિષ્કની ૬ર લાખ પેશીયો સક્રિય રહે છે.

આથી વઘતી ઉમરે મગજને લોહીના પરીભ્રમણથી પૂરતો ઓકિસજન મળે તે જરૂરી છે. આ માટે સવારે ઉઠી પથારીમાં બેસીને અથવા સૂતા-સૂતાલાંબા શ્વાસની કસરત કરો. પાણીની ખાલી પ્લાસ્ટીક બોટલમાં શક્ય દબાણથી હવા ભરવાની કસરત થઈ શકે છે. તે પછી પથારીમાં ક્રમશ: પગ અને હાથ  ઉંચા કરો. શયનખંડની બે દિવાલોને અડવાનુ છે તેવી ચેષ્ટાથી શરીરને ખેંચો. જમણે-ડાબે પડખે કરો. ઊંધા સૂવાનું શક્ય હોય તો પથારીમાંજ ઊંધા સૂઈ ક્રમશ: હાથ-પગ અને પછી કમરથી ઉંચા થવા પ્રયત્ન કરો.

સવારનો ચા-નાસ્તો પૂરો થયા પછી ફરવા જવાનો સમય થયો છે તેમ જાણી બંને હથેળીઓ સામે-સામે ઘસવાની, ખભામાથી હાથ ગોળ-ગોળ ફેરવવાની, કમરથી આગળ-પાછળ નમવાની, ઘૂંટણથી પગને પાછળ વાળવાની, સાથળમાંથી પગને ઊંચા કરવાની કસરત કરો. સ્નાન કરતા પહેલા અનુકુળ હોય તો તેલ ક્રિમથી શરીરને માલિશ કરો અન્યથા નહાતા સાથે સાબુના ફીણ થાય તેમ શરીરને મસાજ આપી પાણી વડે ઘસીને સાફ કરો. શરીરના મસલ્સ, લોહીની નળીઓ માટે આ પ્રકારની ઉષ્મા પ્રેરક કસરત લોહીનું પરિભ્રમણ વધારશે.  શરીરમાં લચીલાપણું જળવાઈ રહેશે.

હરતુ-ફરતુ પોતાનું કામ કરતુ આનંદિત શરીર સ્વયં તંદુરસ્તીની નિશાની છે. બે રૂમ, રસોડાના નાના ઘરમાં પણ ટી.વી, રેડીયો સાંભળતાં ખાતા-પીતા માણસ પોતાના શરીર માટે જરૂરી શ્રમ વેઠી શકે છે. મહાત્મા ગાંધીએ આશ્રમ ભજનાવલીની પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘કોઈએ ઘરકામ છોડીને ઈશ્વર સ્મરણ માટે બેસવાની જરૂર નથી.” શરીર સ્વાસ્થ્ય માટે જોગસ પાર્ક, કોઈ ક્લબમાં જવાને બદલે રોજ-બરોજના જીવન સાથે જ આહાર, નિંદ્રા, વ્યાયામ અને મનની સ્વસ્થતાના કાર્યક્રમા જોડી દઈશુ તો આયુષ્ય આનંદમય અને મૃત્યુ સુખસભર બની રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top