ગાંધીનગર : પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતના અવસર પર ગાંધીનગરના કોબા ખાતે આવેલા ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’માં વિજયોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ ઢોલ-નગારા અને ફટાકડાઓ સાથે “વંદે માતરમ” અને “જય શ્રી રામ”ના નાદ સાથે જીતની ખુશી વ્યક્ત કરી હતી. ઠોલ નગારા સાથે ભાજપના મહિલા કાર્યકરોએ ગરબા પણ ગાઈને પ.બંગાળના વિજયની ખુશી વ્યકત્ત કરી હતી.
વિજયોત્સવ દરમિયાન કમલમ ખાતે પશ્ચિમ બંગાળની પ્રખ્યાત ઝાલમુરી અને બંગાળી મીઠાઈના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી સહિત નેતાઓ અને કાર્યકરોએ ઝાલમુરીનો સ્વાદ માણ્યો અને રસગુલ્લાથી મોં મીઠું કરીને જીતનો આનંદ ઉજવ્યો હતો.
આ પ્રસંગે કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસવાદ પર જનતાએ મૂકેલા અતૂટ વિશ્વાસનું પ્રતિબિંબ છે. તેમણે આ જીતને “વિકસિત ભારત 2047”ના સંકલ્પની સફળતા ગણાવી હતી અને બંગાળ, આસામ, પુડુચેરી તેમજ ઉમરેઠ પેટાચૂંટણીમાં મળેલી જીત માટે જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આ વિજયને કાર્યકર્તાઓના સંઘર્ષ, માતા-બહેનોના આશીર્વાદ અને કેન્દ્ર સરકારના લોકકલ્યાણકારી કાર્યોનું પરિણામ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પૂર્વથી પશ્ચિમ સુધી ભાજપાનો ભગવો લહેરાયો છે, જે જનસમર્થનનું પ્રતિબિંબ છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બંગાળના પરિણામોને ઐતિહાસિક ગણાવતા કહ્યું હતું કે આ જીત સાથે બંગાળના લોકોને જંગલરાજમાંથી મુક્તિ મળી છે અને હવે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચશે. તેમણે આ જીતને દેશની રાજનીતિમાં મોટું પરિવર્તન ગણાવી કાર્યકર્તાઓના યોગદાનને વંદન કર્યું હતું.