Business

તામિલનાડુનાં મતદારો હવે ફિલ્મસ્ટાર વિજયને પોતાના તારણહાર માનવા લાગ્યા છે

વિધાનસભાઓની પેટાચૂંટણીનાં પરિણામો ચોંકાવનારાં અને અણધાર્યાં આવ્યાં છે. કેરળ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં મતદારોએ સત્તાધારી પક્ષોને બહારનો રસ્તો બતાડી દીધો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપે ઇતિહાસમાં પહેલી વખત સત્તા હાંસલ કરીને મમતા બેનર્જીનો પરાભવ કર્યો છે. મમતા દીદી આ પરાજય પચાવી નહીં શકે તો પશ્ચિમ બંગાળમાં ભારે અફડાતફડીનો માહોલ પેદા થાય તેમ છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના ભવ્ય વિજયનું શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને આરઆરએસ ઉપરાંત ચૂંટણી પંચને પણ આપવો જોઈએ, જેણે SIR નો ખૂબીપૂર્વક ઉપયોગ કરીને મમતાનાં મતદારોને બાકાત કરી દીધાં હતાં. કેરળમાં ડાબેરી મોરચાનો પરાભવ થયો છે અને કોંગ્રેસી ગઠબંધન સત્તા પર આવ્યું છે. કેરળમાં ભાજપ ખાતું પણ ખોલી શક્યું નથી. પશ્ચિમ બંગાળ પછી ભાજપનું લક્ષ્ય કેરળમ જ હશે.

૨૦૨૬ની ચૂંટણીઓમાં સૌથી મોટો અપસેટ તામિલનાડુમાં થયો છે. ભારતનાં કેટલાંક નાગરિકોએ જેનું નામ પણ નહોતું સાંભળ્યું તે TVK પક્ષે ડીએમકે અને અન્ના ડીએમકેના અનેક ધુરંધરોને ધૂળ ચાટતાં કરીને સત્તાના સિંહાસન પર દાવો કર્યો છે. તામિલનાડુમાં મતદાન પછી જે ચાર એક્ઝિટ પોલ થયા તે પૈકી એકમાં TVKને બહુમતી આપવામાં આવી તે જોઈ કેટલાકને લાગ્યું હતું કે આમાં કંઈક ગરબડ છે.

અમુક એક્ઝિટ પોલમાં તો TVKને દસથી પણ ઓછી બેઠકો આપવામાં આવી હતી, જે TVK હવે સરકાર બનાવવાની તૈયારી કરી રહી છે. તામિલનાડુના રાજકારણમાં કરુણાનિધિ અને જયલલિતા પછી ત્રીજા ફિલ્મસ્ટારનો ઉદય થયો છે, જેનું નામ થલાપતિ વિજય છે. તામિલનાડુનાં મતદારો ફિલ્મસ્ટારોને કેટલી હદે પ્રેમ કરે છે અને તેમને પોતાના તારણહાર માને છે, તેનું ઉદાહરણ થલાપતિ વિજયનો વિજય છે. એક તરફ વિજયની પાર્ટી TVK તમિલનાડુની ચૂંટણીમાં ૧૧૧ બેઠકો સાથે ઐતિહાસિક વિજય તરફ આગળ વધી રહી છે, તો બીજી તરફ અભિનેત્રી ત્રિશા કૃષ્ણન સાથે વિજયની અફેરના સમાચાર પણ ચર્ચામાં છે.

દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર જોસેફ વિજયે તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં બધાને ચોંકાવી દીધાં છે. વિજય તેમનાં ચાહકોમાં થલાપતિ તરીકે જાણીતા છે. તેમની પાર્ટી ટીવીકે (તમિલાગા વેટ્ટી કઝગમ) એ પણ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની પાર્ટી ડીએમકેને પાછળ છોડી દીધી છે. તામિલનાડુમાં સ્ટાલિનનો પક્ષ બીજા નહીં પણ ત્રીજા સ્થાને ધકેલાઈ ગયો છે, જ્યારે બીજા સ્થાન પર ભાજપે જેની સાથે ગઠબંધન કર્યું તે અન્ના ડીએમકે આવ્યો છે.

અભિનેતા વિજય તમિલનાડુ તેમજ હિન્દીભાષી વિસ્તારોમાં ખૂબ જ લોકપ્રિય છે. વિજયનું જીવન કોઈ ફિલ્મી પટકથાથી ઓછું રોમાંચક નથી. ફિલ્મી વાતાવરણમાં જન્મેલા વિજયે બાળપણથી જ અભિનય શરૂ કર્યો હતો. પિતા સાથે મતભેદો પછી તેમણે સ્ટારડમ મેળવ્યું અને પછી રાજકારણમાં પ્રવેશ કર્યો. વિજયનું પૂરું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે. તેમનો જન્મ ૨૨ જૂન, ૧૯૭૪ ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેમના પિતા એસ.એ. ચંદ્રશેખર તમિલ સિનેમાના જાણીતા દિગ્દર્શક હતા અને તેમની માતા શોભા એક ગાયિકા હતી.

તેમના પિતાએ વિજયને ફિલ્મ વેત્રીમાં બાળ કલાકાર તરીકે કામ કરવાની તક આપી હતી. નાનપણથી જ વિજયે નક્કી કરી લીધું હતું કે તેમનું ભવિષ્ય સિનેમામાં રહેલું છે. કોલેજમાં, તેમણે ફિલ્મી માધ્યમનો અભ્યાસ શરૂ કર્યો. અભિનય પ્રત્યેના તેમના શોખને કારણે તેમણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો. તેમની માતા શોભાએ એક સ્ક્રિપ્ટ લખી અને તેમના પિતા એસ.એ. ચંદ્રશેખરે તેને ફિલ્મમાં રૂપાંતરિત કરી. વિજયે નાલૈયા થિર્પુ (૧૯૯૨) ફિલ્મથી અભિનયની શરૂઆત કરી. જો કે આ ફિલ્મને બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ સફળતા મળી ન હતી, પરંતુ તેણે વિજયની કારકિર્દીનો પાયો નાખ્યો.

વિજયની શરૂઆતની કારકિર્દી ફોર્મ્યુલા ફિલ્મો દ્વારા ચિહ્નિત થયેલ હતી, જેમાં એક્શન અને રોમેન્ટિક ગીતોનું સમૃદ્ધ મિશ્રણ હતું. સમય જતાં તેમની છબી બદલાઈ ગઈ. તેમણે કોમેડી, એક્શન અને સામાજિક થીમ આધારિત ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવ્યું. ધીમે ધીમે વિજય એક માત્ર હીરોથી થલાપથી (કમાન્ડર) માં પરિવર્તિત થયા. ગિલી જેવી સુપરહિટ ફિલ્મોએ તેમને જનસામાન્યના હીરોની છબી આપી અને નાનાં બાળકોને પણ તેમનાં ચાહક બનાવ્યાં.

કથીએ વિજયના અભિનયને સામાજિક અને રાજકીય સંદેશાઓ સાથે જોડ્યો, જ્યારે થેરી, મેર્સલ અને બિગિલ જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવ્યા. અભિનયની સાથે સાથે વિજયને એક મહાન ડાન્સર પણ માનવામાં આવે છે. તામિલનાડુનાં મતદારો એક આદર્શ શાસકમાં જે ગુણો શોધતા હતા, તે બધા તેમને વિજય દ્વારા ભજવવામાં આવેલાં પાત્રોમાં દેખાતા હતા. જયલલિતાના મરણ પછી તેઓ જે તારણહારને શોધતા હતા તે તેમને વિજયમાં દેખાયો હતો.

વિજયે ફેબ્રુઆરી ૨૦૨૪ માં ઔપચારિક રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો અને પોતાની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) ની જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ સંસદની ચૂંટણી લડશે નહીં કે કોઈ ઉમેદવારને ટેકો આપશે નહીં, પરંતુ તેમનું ધ્યાન ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી પર રહેશે. આ જાહેરાત સાથે તેમણે એમ પણ કહ્યું કે તેઓ સિનેમા છોડી રહ્યા છે. ટીવીકેની પહેલી રેલી ૨૭ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના વિક્રાવંદીમાં યોજાઈ હતી, જ્યાં ભારે ભીડ એકઠી થઈ હતી. તેમણે સરકાર પર દ્રવિડ મોડેલના નામે છેતરપિંડી કરવાનો અને એક પરિવાર દ્વારા રાજ્ય લૂંટવાનો આરોપ પણ લગાવ્યો.

પોતાની પહેલી રેલીમાં વિજયે ટીવીકેની વિચારધારા વિશે વિસ્તૃત વાત કરી હતી. તેમણે કહ્યું કે અમે દ્રવિડ રાષ્ટ્રવાદ અને તમિળ રાષ્ટ્રવાદને અલગ નહીં કરીએ. તેમની પાર્ટી ધર્મનિરપેક્ષતા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો પર આધારિત હશે. ટીવીકે પેરિયાર દ્વારા બતાવેલા માર્ગને અનુસરશે, જેમાં મહિલા સશક્તિકરણ અને સામાજિક ન્યાયનો સમાવેશ થાય છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ પેરિયારના નાસ્તિક વિચારોને સ્વીકારતા નથી. TVK રાજ્યમાં બે ભાષાની નીતિને સમર્થન આપશે. સરકારી કામકાજ તમિળ અને અંગ્રેજી બંને ભાષામાં થવું જોઈએ. તેમનો પક્ષ જાતિગત વસ્તી ગણતરીને સમર્થન આપે છે. આ વિચારધારા તામિલનાડુના મુખ્ય પક્ષો જેવી છે.

રાજકારણમાં પ્રવેશતાં પહેલાં વિજયના પરિવારમાં એક વિવાદ થયો હતો. તેમના પિતા ચંદ્રશેખરે ઓલ ઈન્ડિયા થલાપતિ વિજય મક્કલ ઈયક્કમ નામની પાર્ટી બનાવી હતી અને તેના કારણે વિજય અને તેમના પિતા વચ્ચે મતભેદો થયા હતા. વિજયે તેનાં માતા-પિતા સહિત ૧૧ લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો અને માંગણી કરી હતી કે તેમના નામનો ઉપયોગ કોઈ પણ ચૂંટણીની પ્રવૃત્તિ માટે ન કરવો જોઈએ. ચંદ્રશેખરે અગાઉ વિજયની ફેન ક્લબની ઓલ ઇન્ડિયા થલાપતિ વિજય મક્કલ ઇયક્કમ હેઠળ રાજકીય પક્ષ તરીકે નોંધણી કરાવવાનો પ્રયાસ કર્યો હતો. થલાપતિ વિજય તેની પત્ની સંગીતા સાથે છૂટાછેડાની અફવાઓને કારણે પણ સમાચારમાં છે.

વિજય તેની પત્ની સંગીતાથી અલગ થઈ રહ્યા છે. તેમનું ૨૭ વર્ષનું લગ્નજીવન ખતરામાં છે. તેમનો છૂટાછેડાનો કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્રિશા અને વિજય તમિલ ફિલ્મ ઉદ્યોગમાં એક લોકપ્રિય ઓન-સ્ક્રીન કપલ છે. ચાહકોને તેમની ઓન-સ્ક્રીન જોડી ખૂબ ગમતી હતી. આ દિવસોમાં તેમના ઑફ-સ્ક્રીન સંબંધોની અફવાઓ પણ ફેલાઈ રહી છે. તેઓ સાથે જોવા મળ્યાં છે. તાજેતરમાં તેઓએ એક લગ્નમાં પણ હાજરી આપી હતી, જેનાથી તેમની અફેરની અફવાઓ ફેલાઈ હતી. જો કે, બંનેમાંથી કોઈએ આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top