Editorial

ડિજિટલ એરેસ્ટના દૂષણને નાથવાના બહુપક્ષીય પ્રયાસો આવકાર્ય

છેલ્લા કેટલાક સમયમાં ડિજિટલ એરેસ્ટના અનેક કિસ્સા બન્યા છે. કોઇ વ્યક્તિને તેના સ્માર્ટફોન પર વીડિયો કોલ આવે, તે ઉપાડે, સામે છેડેથી કહેવામાં આવે કે તમે ફલાણા નિયમનો ભંગ કર્યો છે, તમારા નામે ગેરકાયદે સામાન આવ્યો છે અને તમે એરેસ્ટ હેઠળ છો, સ્ક્રીન સામેથી ખસતા નહીં. અને પછી જાત જાતની ધમકીઓનો દોર શરૂ  થાય અને ભોગ બનેલ વ્યક્તિને મોટી રકમ અમુક ખાતામાં ટ્રાન્સફર કરવા ફરજ પડાય. આવા ડિજિટલ એરેસ્ટના વધતા જતા જોખમને રોકવા માટે ટેલિકોમ રેગ્યુલેટર્સ, સર્વિસ પ્રોવાઈડર્સ, આરબીઆઈ, ટેક દિગ્ગજો અને સીબીઆઈ (CBI)  દ્વારા બહુપક્ષીય કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત, આવા ગુનાઓમાં સંડોવાયેલા ૯,૪૦૦ વોટ્સએપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં  આવ્યો હોવાનું કેન્દ્ર સરકારે હાલમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં ડિજિટલ એરેસ્ટના ઘણા કિસ્સા બન્યા છે અને તેમાં ઘણા  કિસ્સાઓમાં વૉટ્સએપ વીડિયો કોલિંગનો ઉપયોગ કરાયો હોવાનું જણાતા આ  ગુનાઓમાં સંડોવાયેલા વૉટ્સએપ એકાઉન્ટો પર પ્રતિબંધ મૂકવામાં  આવ્યો છે તે યોગ્ય થયું છે પરંતુ પ્રતિબંધ મૂકવામાં આવેલા વૉટ્સએપ એકાઉન્ટોની સંખ્યા જોતા એ પણ સમજાઇ શકે છે કે આ ડિજિટલ એરેસ્ટનું  દૂષણ કેટલી હદે વધી ગયું છે.

આ બાબતમાં અદાલતમાં ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર(I4C) દ્વારા આ કાર્યવાહીની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સૂત્રોના  જણાવ્યા અનુસાર, દેશમાં ડિજિટલ એરેસ્ટના વધતા કિસ્સાઓને ડામવા માટે ૯ ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશોના પાલનમાં I4C એ  એક  સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્વ હેઠળની બેન્ચે ડિજિટલ એરેસ્ટ સહિતના ઓનલાઈન ફ્રોડની સુઓ મોટો  નોંધ લીધી હતી.

સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI), ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) અને અન્યની સંયુક્ત બેઠક યોજીને ડિજિટલ  એરેસ્ટના કિસ્સામાં વળતર આપવા માટેનું માળખું તૈયાર કરવા સહિતના અનેક નિર્દેશો આપ્યા હતા. એટર્ની જનરલ દ્વારા દાખલ કરવામાં આવેલા તાજા સ્ટેટસ રિપોર્ટમાં આ વર્ષે જાન્યુઆરીથી છેલ્લા ૧૨ અઠવાડિયા દરમિયાન  ટેક દિગ્ગજ વોટ્સએપ દ્વારા લેવામાં આવેલા પગલાંની વિગતો આપવામાં આવી છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, I4C, MEITY અને DoT દ્વારા  વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓના સીધા પ્રતિસાદ રૂપે, વોટ્સએપે જાન્યુઆરી ૨૦૨૬માં ભારતીય વપરાશકર્તાઓને નિશાન બનાવતા ડિજિટલ  એરેસ્ટ કૌભાંડો પર કેન્દ્રિત એક વિશેષ તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં કડક પદ્ધતિ અપનાવવામાં આવી હતી: સંકેતો ઓળખવા, નેટવર્કને મેપ  કરવું, આખા નેટવર્ક સામે કાર્યવાહી કરવી અને મોટા પાયે સ્વચાલિત સુરક્ષા કવચ ઊભું કરવું.  વધુમાં ઉમેર્યું હતું કે ડિજિટલ એરેસ્ટમાં સંડોવણીના આરોપસર ૯,૪૦૦ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

ઉપયોગકર્તાઓને વધુ સુરક્ષિત રાખવા માટે વોટ્સએપ કેટલીક નવી ટેકનીકો તૈનાત કરી રહ્યું છે, જેમાં ‘લોગો ડિટેક્શન’નો સમાવેશ થાય  છે. આ સિસ્ટમ એવા એકાઉન્ટ્સને ઓળખીને દૂર કરશે જે પ્રોફાઇલ પિક્ચરમાં સત્તાવાર પોલીસ અથવા સરકારી પ્રતીકોનો ઉપયોગ કરે છે. સ્ટેટસ રિપોર્ટમાં જણાવાયું છે કે વોટ્સએપ એક નવી સુવિધા દાખલ કરવાનું વિચારી રહ્યું છે, જે યુઝરોને ત્યારે ચેતવણી આપશે જ્યારે  તેમને ‘નવા બનેલા’ અથવા ‘ઓછા સમયથી સક્રિય’ એકાઉન્ટમાંથી કોલ આવશે. આ ઉપરાંત,  શંકાસ્પદ અજાણ્યા કોલર્સના પ્રોફાઇલ પિક્ચરને આપમેળે છુપાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે જેથી છેતરપિંડી કરનારાઓ સત્તા દર્શાવતા વિઝ્યુઅલ સંકેતોનો ઉપયોગ ન કરી શકે.

DoT અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TSPs) એ છેતરપિંડીવાળા સિમ કાર્ડ્સને નિષ્ક્રિય કરવા માટે નવી સમયમર્યાદા નક્કી કરી છે. સમિતિ  શંકાસ્પદ સિમ કાર્ડની ઓળખ થયાના ૨ થી ૩ કલાકની અંદર તેને બ્લોક કરવાની પદ્ધતિ પર કામ કરી રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સીબીઆઈ (CBI) એ ડિજિટલ એરેસ્ટની તપાસ હાથમાં લેવા માટે ૧૦ કરોડ રૂપિયાના નુકસાનની મર્યાદા  નક્કી કરી છે. એટલે કે જેમાં દસ કરોડ રૂ.થી વધુની છેતરપિંડી થઇ હોય તેવા કેસો સીબીઆઇ હાથમાં લેશે. 

હાલમાં, સીબીઆઈએ ત્રણ મુખ્ય કેસ ફરીથી નોંધ્યા છે, જેમાં ગુજરાતના મોટા નાણાકીય ફ્રોડના બે કેસ અને દિલ્હીનો એક  હાઈ-પ્રોફાઇલ કેસ સામેલ છે જેમાં એક જ પીડિત સાથે ૨૨.૯૨ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપે ચારથી છ મહિનામાં ‘સિમ-બાઈન્ડિંગ’ મિકેનિઝમ લાગુ કરવા સહિતની ઘણી સુરક્ષા  વ્યવસ્થાઓ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. સિમ બાઈન્ડિંગ એ એક સુરક્ષા આદેશ છે જેમાં એપ ચલાવવા માટે ફોનમાં એક્ટિવ અને KYC-વેરિફાઈડ  સિમ કાર્ડનું હોવું અનિવાર્ય છે. જો સિમ કાઢી લેવામાં આવે, બદલવામાં આવે અથવા નિષ્ક્રિય હોય, તો એપ કામ કરવાનું બંધ કરી દેશે.

રિપોર્ટ અનુસાર, આરબીઆઈએ એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરી છે, જેમાં બેંકોને મની મ્યુલ પ્રવૃત્તિઓ રોકવા માટે શંકાસ્પદ  વ્યવહારો પર કામચલાઉ હોલ્ડ રાખવાની સૂચના આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે સુપ્રીમ કોર્ટને આ રિપોર્ટ રેકોર્ડ પર લેવા વિનંતી કરતા DoTને જરૂરી નિર્દેશો આપવા માંગ કરી છે, જેથી ટેલિકોમ સેવા પ્રદાતાઓ  (TSPs) દ્વારા ‘ટેલિકોમ્યુનિકેશન્સ (વપરાશકર્તા ઓળખ) નિયમો’ અને બાયોમેટ્રિક આઈડેન્ટિટી વેરિફિકેશન સિસ્ટમ (BIVS)નો અમલ ઝડપી  બનાવી શકાય. ડિજિટલ એરેસ્ટના દૂષણને રોકવા માટે સરકાર અને સર્વિસ પ્રોવાઇડરો દ્વારા સારા પગલા લેવાયા છે, સાથે જ લોકોએ પણ સતર્કતા રાખવાની જરૂર છે.

Most Popular

To Top