Business

સ્વચ્છતા, હરિયાળી અને સામાજિક એકતાનું જીવંત ઉદાહરણ ગણાતું ભરૂચ જિલ્લાનું ગામ :નંદેલાવ

ભરૂચ નજીક આવેલું નંદેલાવ ગામ આજે સ્વચ્છતા, હરિયાળી અને સામાજિક એકતાનું જીવંત ઉદાહરણ બની ગયું છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.48થી માત્ર 5 કિલોમીટરના અંતરે વસેલું આ ગામ આજે રૂડું અને રૂપાળું ગામ છે. પ્રવેશદ્વાર પર લાગેલા “Wel Come to Nandelav village” બોર્ડ સાથે જ ગામની સ્વચ્છતાનો અહેસાસ થાય છે. ગામની અંદરની શેરીઓ, રસ્તા અને જાહેર સ્થળો અત્યંત ચોખ્ખાં જોવા મળે છે. ગામના જવાબદાર મોભીઓ અને ખમતીધરો દ્વારા ઝીણવટભરી વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વર્ષ-2011ની વસતી ગણતરીમાં નંદેલાવની વસતી ઓછી હતી, પરંતુ આજે અહીં 30 હજારથી વધુ લોકો વસે છે. ગામની સૌથી મોટી વિશેષતા છે હિન્દુ-મુસ્લિમ એકતા. બંને સમાજના લોકો વર્ષોથી શાંતિ અને ભાઈચારાનું પ્રતીક બની રહ્યા છે. મુસ્લિમ સમાજના લગભગ 60 પરિવારે વિદેશમાં જઈ પોતાનું કરિયર બનાવ્યું છે અને ઉદાર દાનથી ગામની રોનક વધારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લંડન (UK)ના બ્લેકબર્નમાં સ્થાયી થયેલા મુન્તજીર અબ્દુલ પટેલ લેન્કશાયર કાઉન્સિલર બન્યા છે, જે નંદેલાવ ગામ માટે વૈશ્વિક સ્તરે ગૌરવની વાત છે. પાણી અને સ્વચ્છતાના મામલે પણ નંદેલાવ અનુકરણીય છે. અહીં વોટર હાર્વેસ્ટિંગ માટે શુદ્ધ પાણીનું તળાવ બનાવવામાં આવ્યું છે, જેમાં ગટર કે ગંદા પાણીનો એક છાંટો પણ જતો નથી. તળાવમાં ટ્યુબવેલનું સ્વચ્છ પાણી નિયમિત છોડવામાં આવે છે. ધાર્મિક સ્થળો નજીક વરિષ્ઠ નાગરિકો માટે બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગામમાં ઘરે ઘરેથી કચરો એકત્ર કરવાની સિસ્ટમ દરરોજ કાર્યરત છે. નંદેલાવમાં સખીમંડળ દ્વારા GNFCના CSR ફંડ હેઠળ ફાસ્ટ ફૂડ અને જીવનજરૂરી મસાલા ખૂબ જ સસ્તા ભાવે બનાવી વેચાણ કરવામાં આવે છે, જે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવે છે. ગામની આસપાસ GNFC, ગેલ કંપની, રિલાયન્સ વસાહત જેવી મોટી કંપનીઓ આવેલી હોવાથી રોજગારી અને વિકાસને પણ પ્રોત્સાહન મળ્યું છે. નંદેલાવ ગામનું નામ કેવી રીતે પડ્યું તેની પણ લોકવાયકા છે. અહીંના લોકો ધાર્મિક અને સામાજિક કાર્યો માટે હંમેશાં ખડેપગે રહે છે. નંદેલાવે સાબિત કર્યું છે કે નાના ગામ પણ સામૂહિક પ્રયત્નો વડે વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી શકે છે.

મુન્તજીર અબ્દુલ પટેલ લેંકશાયરના કાઉન્સિલર બન્યા
ગુજરાતના નાનકડા ગામની માટી જ્યારે વિદેશની ધરતી પર પોતાનો પરચો બતાવે છે, ત્યારે આખો ગામ ગૌરવ અનુભવે છે. આવો જ એક ઐતિહાસિક કિસ્સો ગામ નંદેલાવના વતની મુન્તજીર અબ્દુલ પટેલના રૂપે સામે આવ્યો છે. વર્ષો પહેલાં નંદેલાવમાં જન્મેલા મુન્તજીર અબ્દુલ પટેલ હાલ લંડનમાં સ્થાયી થયા છે. તાજેતરમાં ઈંગ્લેન્ડના લેંકશાયરમાં સ્થાનિક કાઉન્સિલરની ચૂંટણીઓ યોજાઈ, જેમાં તેમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ચૂંટણીમાં તેમણે 1957 મત મેળવીને ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. આ જીત સાથે તેઓ લેંકશાયરના કાઉન્સિલર તરીકે નિર્વાચિત થયા છે. આ વિજયના સમાચાર વાયુવેગે નંદેલાવ ગામમાં પહોંચતાં જ પટેલ પરિવાર અને ગ્રામજનોમાં હરખનો માહોલ છવાઈ ગયો હતો. ગામના વડીલો, યુવાનો, મહિલાઓ–સૌએ એકબીજાને મીઠાઈઓ ખવડાવી ખુશીની ઉજવણી કરી હતી. સ્થાનિક મોભીઓ અને સમાજસેવકોએ કહ્યું કે, “દરેક ગામની ઈચ્છા હોય છે કે આપણા ગામની કોઈ વ્યક્તિ માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશની ધરતી પર પણ સારી ઓળખ ઊભી કરે. મુન્તજીરભાઈએ આપણા ગામનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે.” મુન્તજીર અબ્દુલ પટેલના આ સિદ્ધિને નંદેલાવ ગામ આવનારાં વર્ષો સુધી ગૌરવ સાથે યાદ રાખશે. તેમની સફળતા ગુજરાતના અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બની છે, જેઓ વિદેશમાં જઈ સારું સ્થાન બનાવવા ઈચ્છે છે. આ ઘટના દર્શાવે છે કે પ્રતિભા અને મહેનતને કોઈ સીમા હોતી નથી–પછી તે ગુજરાતના નાનકડા ગામનો વતની હોય કે વિદેશની ધરતી પર પોતાનું સ્થાન બનાવતો હોય.
ગામનું નામ કેવી રીતે પડ્યું?
નર્મદા નદીના કાંઠા પર લીલીછમ હરિયાળી વચ્ચે વસેલું નંદેલાવ ગામ માત્ર ભૌગોલિક જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિએ પણ ખૂબ જ સમૃદ્ધ છે. આ ગામના નામ પાછળ એક લોકવાયકા એટલી જ રસપ્રદ છે, જેટલી આજે અહીંની એકતા દેખાય છે. સદીઓ પહેલા, જ્યારે નર્મદા નદી આજા કરતાં વધારે વિસ્તૃત અને વહેણાકાર હતી, ત્યારે આ સ્થાન ગાઢ જંગલોથી ઘેરાયેલું હતું. આવા સમયે યદુવંશી ભટકતા ભટકતા અહીં આવ્યા. તેઓ પાસે ઘણું બધું પશુધન હતું, ખાસ કરીને ‘નંદી’ (ગાયો). તેઓ પાસે જમીનનો પણ મોટો હિસ્સો હતો. હાલતાં-ફરતાં તેમણે સુંદર ખુલ્લી જગ્યા જોઈ ત્યાં પડાવ નાંખ્યો. ત્યારબાદ ધીમે ધીમે આ જગ્યા કાયમી વસાહતમાં પરિવર્તિત થઈ. યદુવંશીઓની ‘નંદી’ (ગાયો) અને ‘તેમનો પડાવ’ (લાવ) એટલે સમય જતાં “નંદેલાવ” નામ પડ્યું હોવાની વાયકા છે. શરૂઆતમાં યદુવંશીઓની વસતી વધતાં, પછી ધીમે ધીમે મુસ્લિમ સમાજના લોકો પણ અહીં વસવા લાગ્યા. જેમ જેમ સમય વીતતો ગયો, તેમ અન્ય સમાજો પણ આ વિસ્તારમાં આવીને વસ્યા. આજે નંદેલાવ સાબિત કરે છે કે વિવિધતા વચ્ચે એકતા શક્ય છે–હિંદુ-મુસ્લિમ-અન્ય તમ્મમ ધર્મના લોકો અહીં પ્રેમથી રહે છે. નંદેલાવ ગામની અપૂર્વ સુંદરતા અને એકતાને ઉજાગર કરતા જાણીતા કવિ બિમલ ચૌહાણે આ ગામને ‘નંદનવન’નું બિરુદ આપ્યું છે. તેમણે ચાર કવિતાની ‘લીટી’ (સર્જનાત્મક કૃતિ)માં લખ્યું છે કે, “એકતાનો એક તાર ગૂંજે નંદનવનની ધરા પર, મહોબ્બતનો મલ્હાર વરસે નંદનવનની ધરા પર, વરસી રહી છે કૃપા ‘મા-લક્ષ્મીની બિમલ’, છે મહેરબાં પરવરદિગાર નંદનવનની ધરા પર.”
ગુલામ વલી પટેલ: ગામની મદદ માટે હંમેશાં ખડેપગે
ગામમાં કોઈપણ કામમાં મદદની જરૂર હોય તો ગુલામ વલી પટેલ ખડેપગે હોય છે. નંદેલાવ ગામના 67 વર્ષીય ગુલામ વલી પટેલ વ્યવસાયે સ્પેરપાર્ટસના ધંધા સાથે જોડાયેલા છે, પરંતુ તેમનામાં વિદેશી પરિવાર અને ગામના લોકો વચ્ચે સમન્વય સાધી નાનાં-મોટાં કામમાં મદદરૂપ થવાની ભાવના ગજબની છે. અભ્યાસ બહુ ઓછો, છતાં કામ કરવાની કુનેહ ખરી. ગામના તળાવના પ્રોટેક્શન વોલથી માંડીને અન્ય તમામ સુવિધાઓ માટે તેઓ આર્થિક મદદ કરે છે. ગામમાં આવેલું “તીનબત્તી સર્કલ” પણ તેમના સહયોગથી જ બન્યું છે. ગામમાં હળીમળીને રહેવાની વૃત્તિને કારણે ગ્રામજનો તેમને ‘મોભી’ તરીકે ગણે છે. ખાસ વાત એ છે કે તેમના વિસ્તારમાં એક જ ઘર પ્રજાપતિ સમાજનું હોવા છતાં, સામાજિક પ્રસંગોમાં પણ તેમણે આર્થિક સહાય કરતા હોય છે. કોરોનાકાળમાં આ જ પ્રજાપતિ પરિવારની એક વ્યક્તિ કોરોનાથી પ્રભાવિત થતાં ખર્ચ વધી ગયો હતો. ત્યારે ગુલામ વલી પટેલે પોતાના સમૃદ્ધ માનવી સાથે મળીને રૂ.2 લાખની આર્થિક મદદ કરી હતી. ગુલામભાઈ પટેલ કહે છે, “નંદેલાવ ગામ ભાઈચારામાં માને છે. ગામમાં સુવિધા કે સગવડ વધે એમાં સૌનું કર્તવ્ય માની સહિયારો પ્રયાસ થાય એ જરૂરી છે.” તેમની આ સેવાભાવી વૃત્તિને કારણે આજે આખું ગામ તેમના પ્રત્યે આદર દર્શાવે છે.
મુન્તજીર અબ્દુલ પટેલ લેંકશાયરના કાઉન્સિલર બન્યા
ગુજરાતના નાનકડા ગામની માટી જ્યારે વિદેશની ધરતી પર પોતાનો પરચો બતાવે છે, ત્યારે આખો ગામ ગૌરવ અનુભવે છે. આવો જ એક ઐતિહાસિક કિસ્સો ગામ નંદેલાવના વતની મુન્તજીર અબ્દુલ પટેલના રૂપે સામે આવ્યો છે. વર્ષો પહેલાં નંદેલાવમાં જન્મેલા મુન્તજીર અબ્દુલ પટેલ હાલ લંડનમાં સ્થાયી થયા છે. તાજેતરમાં ઈંગ્લેન્ડના લેંકશાયરમાં સ્થાનિક કાઉન્સિલરની ચૂંટણીઓ યોજાઈ, જેમાં તેમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ચૂંટણીમાં તેમણે 1957 મત મેળવીને ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. આ જીત સાથે તેઓ લેંકશાયરના કાઉન્સિલર તરીકે નિર્વાચિત થયા છે. આ વિજયના સમાચાર વાયુવેગે નંદેલાવ ગામમાં પહોંચતાં જ પટેલ પરિવાર અને ગ્રામજનોમાં હરખનો માહોલ છવાઈ ગયો હતો. ગામના વડીલો, યુવાનો, મહિલાઓ–સૌએ એકબીજાને મીઠાઈઓ ખવડાવી ખુશીની ઉજવણી કરી હતી. સ્થાનિક મોભીઓ અને સમાજસેવકોએ કહ્યું કે, “દરેક ગામની ઈચ્છા હોય છે કે આપણા ગામની કોઈ વ્યક્તિ માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશની ધરતી પર પણ સારી ઓળખ ઊભી કરે. મુન્તજીરભાઈએ આપણા ગામનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે.” મુન્તજીર અબ્દુલ પટેલના આ સિદ્ધિને નંદેલાવ ગામ આવનારાં વર્ષો સુધી ગૌરવ સાથે યાદ રાખશે. તેમની સફળતા ગુજરાતના અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બની છે, જેઓ વિદેશમાં જઈ સારું સ્થાન બનાવવા ઈચ્છે છે. આ ઘટના દર્શાવે છે કે પ્રતિભા અને મહેનતને કોઈ સીમા હોતી નથી–પછી તે ગુજરાતના નાનકડા ગામનો વતની હોય કે વિદેશની ધરતી પર પોતાનું સ્થાન બનાવતો હોય.
ગામનો વિકાસ એ જ જેનું બ્રહ્માસ્ત્ર: સરપંચ પદે દંપતીનો સંકલ્પ
ગ્રામ્ય વિકાસની વાત આવે ત્યારે એક સારા નેતાના ગુણોની અનિવાર્યતા સમજાય છે. જનસંપર્ક, દૂરંદેશી અને કાર્યપ્રણેતા–આવા અનેક ગુણોથી સુસજ્જિત એવા એક અનુભવી અને સમર્પિત વ્યક્તિત્વ છે માજી સરપંચ રતિલાલ બી.ચૌહાણ. 68 વર્ષના આ મોભી વ્યક્તિ પોતાના અનોખા અભિગમને કારણે આજે પણ ગામના જનમાનસમાં પ્રતિષ્ઠિત છે. મૂળ રતિલાલ બી.ચૌહાણ ઓલપાડના અટોદરા ગામના વતની છે. તેમણે નંદેલાવ ગામે સરપંચ સહિત પ્રતિષ્ઠિત છાપ ઊભી કરી છે. નંદેલાવ ગામના આ દિગ્ગજ નેતા આજે પણ સવારથી સાંજ સુધી પોતાના ટુ-વ્હીલર પર ગામની એક-એક શેરી, સોસાયટી અને દરેક વિસ્તારમાં ફરતા હોય છે. લોકોનાં દુઃખ-સુખમાં ખરેખર ભાગીદાર બનનાર રતિલાલભાઈ વર્ષ-2017માં પ્રથમ વખત સરપંચ પદે ચુંટાઈ આવ્યા હતા. મૂળ તો રતિલાલ ચૌહાણ બાગાયત વિભાગમાં કેવડિયા, રાજપીપળા અને ભરૂચમાં વર્ષ-2016 સુધી ફરજ બજાવીને નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ માત્ર એક વર્ષમાં જ તેઓ જાહેર જીવનમાં સક્રિય બન્યા. વર્ષ-2017ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામના વડવાઓના આગ્રહને માન આપીને ચૂંટણી લડ્યા અને વિજેતા બન્યા. સરપંચ તરીકેના તેમનાં પાંચ વર્ષના કાર્યકાળમાં નંદેલાવ ગામનો અપ્રતિમ વિકાસ થયો હતો. તળાવનું બ્યુટિફિકેશન, પ્રવેશદ્વાર સાથે તળાવના સૌંદર્યકરણ માટે વનીકરણ, લાખોના ખર્ચે બનેલો આંબેડકર હોલ સામાજિક, સાંસ્કૃતિક અને કલાત્મક હોલ (હવે એર કંડિશનર થવા જઈ રહ્યો છે) રોડ, ગટરલાઈન, હાઈ માસ્ટ, પંચવટી અને પેવર બ્લોક જેવાં અઢળક કામો તેમણે પોતાનાં કાર્યકાળમાં કરાવ્યાં હતાં. તેમની અસાધારણ કાર્યબદ્ધતાને માન્યતા આપતા તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ સરપંચનો એવોર્ડ એનાયત થયો હતો. રતિલાલ ચૌહાણ કહે છે કે, મારાં પાંચ વર્ષ દરમિયાન વિકાસનાં કામો થયાં છે. ગામની સુવિધા માટે અઢળક કામો કર્યાં છે, તેનો મને સંતોષ છે. વર્ષ-2021માં તેમની મુદત પૂરી થતાં ચૂંટણી આવી, ત્યારે ગામવાસીઓના સમર્થનથી તેમનાં પત્ની 65 વર્ષીય લક્ષ્મીબેન રતિલાલ ચૌહાણ સરપંચ પદે ચુંટાઈ આવ્યાં હતાં. તેમણે અગાઉનાં અધૂરાં રહેલાં કામો, ખાસ કરીને આંબેડકર હોલનું લોકાર્પણ, તીનબત્તી અને સીસીટીવી કેમેરાની સ્થાપના જેવાં કામો પૂર્ણ કર્યાં છે. આ દંપતીની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેઓએ વિકાસના જે પ્રોજેક્ટ શરૂ કર્યા, તેનો લાભ આજે પણ ગામજનો માણી રહ્યા છે.
નંદેલાવ ગ્રામ પંચાયતની ટીમ
સરપંચ-લક્ષ્મીબેન રતિલાલ ચૌહાણ
ઉપસરપંચ-સંજય ભગવાનદાસ સોલંકી
સભ્ય-ફીરોજબેન ઈમ્તિયાઝ મન્સૂરી

  • રણજીતભાઈ ઈશ્વરભાઈ વસાવા
  • વર્ષાબેન જીતેન્દ્રભાઈ પ્રજાપતિ
  • પ્રતીકકુમાર મનસુખભાઈ પટેલ
  • પીન્કીબેન ઉમેશભાઈ મિસ્ત્રી
  • રવીન્દ્રભાઈ આત્મારામ જગતાપ
  • દક્ષાબેન દિનેશભાઈ પરમાર
  • જ્યોતિબેન જીજ્ઞેશભાઈ પવાર
  • ધર્મિષ્ઠાબેન દાદુભા રાણા
  • પ્રકાશભાઈ વિનોદચંદ્ર મેકવાન
  • મનીષાબા દશરથસિંહ રાજ
  • જીજ્ઞાશા જયેશભાઈ શાહ
  • નીનાબેન અર્જુનભાઈ પટેલ
  • હરિવદન ઠાકોરભાઈ પ્રજાપતિ
  • પ્રદીપસિંહ પ્રતાપસિંહ ચાવડા
    તલાટી-નીલેશ.જે.પટેલ
    નંદેલાવ ગામના આદર્શ દર્શન
  • ગામની વસતી-13583 (સને-2011ના આધારે)
  • પુરુષની વસતી-7064
  • સ્ત્રી વસતી-6519
  • જ્ઞાતિ-મુસ્લિમ, આદિવાસી, અનુસૂચિત જાતિ, બક્ષીપંચ
  • ગામમાં કુલ ઘર-6500 (આજના અંદાજે 30 હજાર વસતી પ્રમાણે)
  • ગામમાં કુલ સોસાયટી-83
  • ગ્રામ પંચાયતની સ્થાપના-તા.12/2/1988
  • ગામમાં મુખ્ય પાકો-જુવાર, તુવેર, શેરડી, કપાસ
  • ગામમાં કુલ ભૌગોલિક સ્થિતિ-345.54 હેક્ટર
  • ગામમાં કુલ ખેતીલાયક જમીન-247.30 હેક્ટર
  • ગામની તળની જમીન-2.77 હેક્ટર
  • ગોચર જમીન-1.57 હેક્ટર
  • તળાવ, તલાવડી-3.71 હેક્ટર
  • ખેતી સિવાયની જમીન-22.53 હેક્ટર
  • ખળી માટેની જમીન-1.94 હેક્ટર
  • ગામમાં કુલ મોટા ખેડૂત ખાતેદારો-62
  • ગામમાં કુલ નાના ખેડૂત ખાતેદારો-39
  • ગામમાં કુલ સીમાંત ખેડૂત ખાતેદારો-20
  • કુલ ખેતમજૂર-53
  • કુલ ગ્રામ્ય કારીગરો-17
    ગામમાં પશુધન
  • ગાય, બળદ-39
  • ભેંસ-પાડા-59
  • બકરાં-બકરી-126
  • ગામમાં કુલ બેંકો-૩
  • HDFC, કોટક મહિન્દ્ર અને SBI બેંક
  • ગામમાં કુલ મંદિરો-8
  • મહત્ત્વનાં મંદિરો પૈકી ભાથીજી મંદિર, વેરાઈ માતા મંદિર, રામાપીર મંદિર, દશામા મંદિર, નંદેશ્વર મંદિર, શીતળા માતા મંદિર
  • ગામમાં કુલ મસ્જિદ-૩
    મસ્જિદે સલામ, મરિયમ મસ્જિદ અને આયેશા મસ્જિદ
  • કુલ મદ્રેસા-1

Most Popular

To Top