ભાજપ સતત 7મી વાર સત્તા સંભાળશે કે ‘આપ’ કરશે ચોંકાવનારી એન્ટ્રી? પરિણામ પર સૌની નજર
સુરત મહાનગરપાલિકા (SMC)ની ચૂંટણી બાદ આજે મતગણતરી સાથે શહેરના રાજકીય ભવિષ્યનો ફેંસલો થવાનો છે. 11 હજાર કરોડથી વધુના બજેટ ધરાવતી સુરત મનપાના વહીવટનું સુકાન સતત સાતમી વખત ભારતીય જનતા પાર્ટી સંભાળશે કે કેમ તે મુદ્દે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
પાટીદાર વિસ્તારોમાં ભાજપને પડકાર, ‘આપ’ના પ્રદર્શન પર ખાસ નજર
પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં ભાજપના પરંપરાગત ગઢ ગણાતા કેટલાક વોર્ડમાં આ વખતે પેનલ ખંડિત થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. વર્ષ 2021ની ચૂંટણીમાં 27 બેઠકો જીતીને ધમાકેદાર એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટી આ વખતે પાટીદાર વિસ્તારો સિવાય અન્ય વિસ્તારોમાં પણ પગ પેસારો કરે છે કે નહીં તે મુદ્દે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.
ભાજપના કેટલાક ગઢ વિસ્તારોમાં પણ ઉમેદવારો સામે સ્થાનિક સ્તરે વિરોધનો માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે કેટલાક વોર્ડમાં આમ આદમી પાર્ટીને તેનો લાભ મળી શકે તેવી ચર્ચા ચાલી રહી છે.
2021માં ભાજપે 93 બેઠકો જીતી હતી
વર્ષ 2021ની સુરત મનપા ચૂંટણીમાં ભાજપે 93 બેઠકો જીતી સત્તા કબજે કરી હતી, જ્યારે આમ આદમી પાર્ટીએ 27 બેઠકો મેળવી મજબૂત વિપક્ષ તરીકે પોતાની હાજરી નોંધાવી હતી.જો કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આમ આદમી પાર્ટીના 12 કોર્પોરેટરો પક્ષપલ્ટો કરીને ભાજપમાં જોડાયા હતા. મહત્વની બાબત એ છે કે આમાંથી એકપણ કોર્પોરેટરને ભાજપે આ વખતે ટિકિટ ફાળવી નથી.
‘આપ’નો 20થી 22 બેઠકો પર પ્રભાવ, 40 બેઠકોનો દાવો
આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી લગભગ 10થી 12 વોર્ડ સિવાય તમામ જગ્યાએ પૂર્ણ શક્તિ સાથે મેદાનમાં નહોતી. છતાં પાર્ટી તરફથી અંદાજે 20થી 22 બેઠકો પર સારો પ્રદર્શન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તે છતાં આમ આદમી પાર્ટી દ્વારા આશરે 40 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
સુરત મનપા ચૂંટણીમાં 59.21% મતદાન નોંધાયું
સુરત મહાનગરપાલિકા ચૂંટણી માટે કુલ 14,66,260 મતદારોએ મતદાન કર્યું હતું. સત્તાવાર રીતે 59.21 ટકા મતદાન નોંધાયું છે, જે અગાઉ જાહેર કરાયેલા સરેરાશ આંકડા કરતાં 0.11 ટકા ઓછું છે. હવે મતગણતરી બાદ સ્પષ્ટ થશે કે સુરત મનપામાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાશે કે આમ આદમી પાર્ટી શહેરની રાજનીતિમાં નવો ચોંકાવનારો ફેરફાર લાવશે.