ઓઢણી વડે એકબીજા સાથે બંધાયેલી હાલતમાં મળી આવ્યા બંને મૃતદેહ
બનાવ શંકાસ્પદ માનતા પોલીસે આત્મહત્યા સહિત તમામ દિશામાં તપાસ શરૂ કરી
હાલોલ, તા. 24 (
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેનાલમાંથી યુવક અને યુવતીના એકબીજા સાથે ઓઢણી વડે બંધાયેલા હાલતમાં મૃતદેહો મળતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
સ્થાનિક લોકોએ ઘટનાની જાણ કરતા હાલોલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જરોદ સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં બંને મૃતદેહો બંધાયેલા હાલતમાં મળતા બનાવ શંકાસ્પદ માનવામાં આવી રહ્યો છે. પોલીસે આત્મહત્યા સહિત અન્ય તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.
મૃતકોની ઓળખ સ્થાપિત કરવા, તેમના વચ્ચેના સંબંધો જાણવા તેમજ ઘટનાની પાછળના સાચા કારણો બહાર લાવવા માટે પોલીસે તપાસ તેજ બનાવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે.
નોંધનીય છે કે નર્મદા કેનાલ વિસ્તારમાં અગાઉ પણ આવા બનાવો સામે આવ્યા હોવાથી સ્થાનિકોમાં ભય અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર : યોગેશ ચૌહાણ