શહેરના વિવિધ વિસ્તારોમાં પાલિકાનું સઘન અભિયાન
(પ્રતિનિધિ), વડોદરા. તા.22
વડોદરા મહાનગર પાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની આગામી 26મી એપ્રિલે યોજાનારી ચૂંટણીઓને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા આચાર સંહિતાના કડક અમલીકરણની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. આદર્શ આચાર સંહિતાનો ભંગ થતો અટકાવવા માટે પાલિકાના કોમર્શિયલ વિભાગ અને વિવિધ વોર્ડના ઝોનલ અધિકારીઓની ટીમો મેદાને ઉતરી છે. આજે શહેરના વિવિધ વિસ્તારોમાંથી 100થી વધુ ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને બેનરો દૂર કરવાની સાથે દિવાલો પરના પ્રચાર સાહિત્ય પર કૂચડા ફેરવી દેવામાં આવ્યા હતા.
ચૂંટણી પંચની સૂચના મુજબ, ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને દિવાલો પર રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરો, બેનરો અને સૂત્રો લખાયેલા પત્રો આચાર સંહિતાનો ભંગ કરતા હોવાનું ધ્યાને આવતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા મહાનગર પાલિકાના કોમર્શિયલ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સઘન અભિયાન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં છવાયેલા રાજકીય પોસ્ટરો અને હોર્ડિંગ્સને જેસીબી અને અન્ય સાધનોની મદદથી ઉતારી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જાહેર મિલકતો પર લગાડવામાં આવેલા દિવાલ પત્રો અને પેઈન્ટિંગ્સ પર કાળો કૂચડો ફેરવીને તેને ભૂંસી નાખવામાં આવ્યા હતા, જેથી શહેરના જાહેર સ્થળો પોસ્ટરમુક્ત બને.
પાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે. કોઈપણ વિસ્તારમાં આચાર સંહિતાનો ભંગ થતો જણાશે તો સંબંધિત વિભાગ દ્વારા કડક હાથે કામ લેવામાં આવશે. શહેરીજનોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આચાર સંહિતાના નિયમોનું પાલન કરવામાં તંત્રને સહયોગ આપે.
26 મીએ યોજાનારા મતદાનને લઈને તંત્ર કોઈ પણ પ્રકારની ભૂલચૂક રાખવા માંગતું નથી, જેથી શહેરની સુંદરતા જળવાઈ રહે અને ચૂંટણી પ્રક્રિયા ન્યાયી તથા પારદર્શક રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.