Vadodara

વડોદરામાં ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપના ઉમેદવારનો ઘેરાવો: વોર્ડ-19 માં ‘કામ નથી તો વોટ નથી’ ના નારા સાથે જનતાનો ઉગ્ર રોષ​

મકરપુરામાં મહિલાઓએ નિમિશા પંચાલને આડે હાથ લીધા; કહ્યું- “નવા હોવાનું બહાનું નહીં ચાલે, 15 વર્ષથી પાણી માટે વલખાં મારીએ છીએ”

વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને સત્તાધારી પક્ષ ભાજપના ઉમેદવારોને અનેક વિસ્તારોમાં જનતાના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં વડોદરાના વોર્ડ નંબર 19 માં પ્રચાર માટે નીકળેલા ભાજપના ઉમેદવાર નિમિશા પંચાલ ને સ્થાનિક રહીશોએ આડે હાથ લીધા હતા અને પાયાની સુવિધાઓના અભાવે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
મકરપુરા વિસ્તારમાં આવેલી આમ્રપાલી રેસિડેન્સી અને તેની આસપાસના વિસ્તારોમાં જ્યારે ભાજપના ઉમેદવારો પ્રચાર માટે પહોંચ્યા, ત્યારે મહિલાઓએ તેમને ઘેરી લીધા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી જીત્યા બાદ કાઉન્સિલરો પાંચ વર્ષ સુધી દેખાતા નથી અને માત્ર મતો મેળવવા માટે જ સોસાયટીઓમાં આવે છે. ઉમેદવાર નિમિશા પંચાલ સામે રહીશોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો, જેમાં એક મહિલાએ આકરા શબ્દોમાં ટકોર કરતા કહ્યું કે, “તમે નવા પરણીને આવેલા વહુની જેમ ‘અમે નવા છીએ’ તેવું બહાનું ન કાઢી શકો; તમે પહેલા કાર્યકર્તા તો હતા જ, તો વોર્ડની સમસ્યાઓનો અભ્યાસ કેમ નથી કર્યો?”
રહીશોએ રોષ સાથે જણાવ્યું હતું કે તેઓએ છેલ્લા 10 વર્ષમાં અનેક વખત કોર્પોરેશનમાં લેખિત રજૂઆતો કરી છે, પરંતુ તંત્રના બહેરા કાને કોઈ જ અવાજ પહોંચતો નથી. “જીત્યા બાદ અમારી સમસ્યા સાંભળવા આવજો, અત્યારે માત્ર વાયદા ન કરો” તેવી સ્પષ્ટ વાત લોકોએ ઉમેદવારને કહી દીધી હતી.
ચૂંટણીના આ માહોલમાં વડોદરાના વોર્ડ નંબર 19 ની જનતાનો આ મિજાજ દર્શાવે છે કે હવે મતદારો માત્ર પક્ષના નામે નહીં, પણ કામના આધારે જ વોટ આપવાના મુડમાં છે. શાસક પક્ષ માટે આગામી દિવસોમાં આ જનતાનો રોષ ચૂંટણી પરિણામો પર મોટી અસર કરી શકે તેમ છે.

પાયાની સુવિધાઓ માટે વલખા મારતી જનતા

સ્થાનિક રહીશોએ તેમની મુખ્ય સમસ્યાઓ વિશે જણાવ્યું હતું કે:
*​પાણીની સમસ્યા: છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારમાં પાણીનો પ્રચંડ પ્રશ્ન છે. કોર્પોરેશનનો વેરો ભરવા છતાં પાણીનું પ્રેશર એટલું ઓછું હોય છે કે અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પણ પાણી પહોંચતું નથી. લોકોએ નાછૂટકે પોતાના ખર્ચે બોર બનાવીને પાણી મેળવવું પડે છે.
*​ખખડધજ રસ્તા અને ટ્રાફિક: સોસાયટીના રસ્તાઓ છેલ્લા 15 દિવસથી ખોદીને રાખવામાં આવ્યા છે, જેના કારણે અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, ટીપી સ્કીમ હેઠળના રસ્તાઓ છેલ્લા 10 વર્ષથી પહોળા કરવામાં આવ્યા નથી, જેથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે.
*​ભ્રષ્ટાચારના આક્ષેપ: સ્થાનિકોએ એવો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો કે પ્રોપર્ટી કાર્ડ મેળવવા માટે તેમની પાસે લાંચ માંગવામાં આવે છે અને તંત્ર દ્વારા કોઈ સહકાર મળતો નથી.

Most Popular

To Top