ગાંધીનગર,
બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વિપક્ષી નેતૃત્વ અને કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રજા જાતિવાદની રાજનીતિને નકારીને વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવશે.
વિકાસ વિરુદ્ધ ઉશ્કેરણીની રાજનીતિ
નાયબ મુખ્યમંત્રીએ વડગામના વિકાસ કાર્યો જેવા કે નવી લાઈબ્રેરી, ખેડૂતોને વળતર અને છાપી પાસેના નવા બ્રિજનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, ભાજપ સરકારે હંમેશા નાગરિકોની સુખાકારી માટે કામ કર્યું છે. તેમણે કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વ પર નિશાન સાધતા કહ્યું કે, “કેટલાક તત્વો વિકાસ કાર્યોમાં અવરોધ ઉભા કરે છે અને સમાજમાં જાતિ આધારિત ઉશ્કેરણી ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જનતા આવા નકારાત્મક તત્વોને ઓળખી ગઈ છે અને તેમને ચૂંટણીમાં ચોક્કસપણે જાકારો આપશે.”
કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે ટિપ્પણી કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,• ઐતિહાસિક પરાજય: આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઇતિહાસનું સૌથી નબળું પરિણામ આવશે. કોંગ્રેસ એક પણ તાલુકા કે જિલ્લા પંચાયત જીતી શકશે નહીં.• શૂન્યતા: વડગામમાં કોંગ્રેસ કાર્યાલયની સ્થિતિ એવી છે કે ત્યાં કાર્યકર્તાઓની જગ્યાએ કાગડા ઉડે છે.
હવાલા કૌભાંડ અને ગુજરાતની શાંતિ
નાયબ મુખ્યમંત્રીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હવાલાના કરોડો રૂપિયાના દુરુપયોગ દ્વારા ગુજરાતની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારા પક્ષોનો આ ચૂંટણીમાં સફાયો થશે. તેમણે મતદારોને આહ્વાન કર્યું કે ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતા લોકોનો હિસાબ ચુંટણીમાં જંગી મતદાન કરીને ચૂકતે કરે.
“ચૂંટણી પહેલા જ વિપક્ષનો સફાયો”
રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદ, તાપી, વલસાડ અને સુરત જિલ્લામાં ઝંઝાવતી પ્રચાર કરી ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ભવ્ય જનસભાઓને સંબોધન કર્યુ હતું. તેમણે વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જાગૃત જનતાએ ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સફાયો કરી દીધો છે.
વિપક્ષ પાસે ઉમેદવારોની અછત અને ભાજપનો વિજય વિશ્વાસ
નાયબ મુખ્યમંત્રીએ આણંદના સામરખા અને આંકલાવ ખાતે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં ૧૦ ટકા બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય એ લોકોના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. તેમણે કટાક્ષ કર્યો કે, કોંગ્રેસના પ્રદેશ નેતાઓના ગઢમાં જ આજે તેમના મેન્ડેટ પર ચૂંટણી લડવા કોઈ તૈયાર નથી. સમગ્ર ગુજરાતમાં ૭૨૦થી વધુ બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય પ્રાપ્ત કરી ઈતિહાસ રચ્યો છે, જે બતાવે છે કે વિપક્ષ પાસે ઉમેદવારોની ભારે અછત છે.
આદિવાસી અને ગ્રામીણ વિકાસનો એજન્ડા
તાપીના વ્યારા અને સુરતના ચલથાણ ખાતે વિકાસ સંકલ્પ સભામાં સંઘવીએ કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં આદિવાસી ગામડાઓમાં પાયાની સુવિધાઓનો અભાવ હતો. વડાપ્રધાન મોદીએ ‘નળ સે જળ’ યોજના દ્વારા ઘરે-ઘરે પાણી અને છેવાડાના ગામો સુધી વીજળી તથા પાકા રસ્તા પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ખેડૂતોને કિસાન સન્માન નિધિ દ્વારા સીધી આર્થિક સહાય મળી રહી છે, જે ભાજપની ખેડૂતલક્ષી કટિબદ્ધતા દર્શાવે છે.
ગુજરાત વિરોધી માનસિકતાને જડબાતોડ જવાબ
ગુજરાતની અસ્મિતા પર સવાલ ઉઠાવનારાઓને ચેતવણી આપતા તેમણે કહ્યું હતું કે, અમુક તત્વો માત્ર ગુજરાતને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે, જેનો હિસાબ જનતા પોતે કરશે. તેમણે ‘નારીશક્તિ વંદન અધિનિયમ’નો ઉલ્લેખ કરી જણાવ્યું કે, કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ મહિલાઓને તેમનો અધિકાર મળતો અટકાવવાનું પાપ કર્યું છે, જે ગુજરાતની માતાઓ-બહેનો ક્યારેય ભૂલશે નહીં.
લોકનેતા ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ
આણંદની સભામાં તેમણે ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઈ પરમારને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે કહયું હતું કે ગોવિંદભાઈના અધૂરા સપનાઓને પૂર્ણ કરવાની જવાબદારી પક્ષે હર્ષદભાઈ પરમારને સોંપી છે.અંતમાં, હર્ષ સંઘવીએ જનતાને આહ્વાન કર્યું હતું કે “લોકશાહીમાં જનતા જ સાચી શાસક છે અને અમે તમારા સેવક છીએ.” તેમણે વિકાસની આ યાત્રાને બરકરાર રાખવા માટે ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા વિનંતી કરી હતી.
આ વડગામ સભા દરમિયાન વણકર સમાજના અગ્રણી અને નિવૃત્ત આચાર્ય ગેનાભાઈ ભીખાભાઈ પરમાર સહિતના અનેક અગ્રણીઓએ નાયબ મુખ્યમંત્રીના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. અંતમાં, હર્ષ સંઘવીએ નાગરિકોને ભાજપના ઉમેદવારોને ઐતિહાસિક લીડ સાથે વિજયી બનાવવા અને વિકાસની આ યાત્રામાં સહભાગી થવા વિનંતી કરી હતી.