તમિલનાડુના Valparai નજીક બનેલા ભયાનક વેન અકસ્માતમાં મૃત્યુઆંક વધતા સમગ્ર કેરળના મલપ્પુરમ જિલ્લામાં શોકનું વાતાવરણ વધુ ઘેરાયું છે. શિક્ષકો અને સ્કૂલ સ્ટાફ સાથે પ્રવાસે ગયેલી એક ટેમ્પો ટ્રાવેલર ખીણમાં પડી જતા કુલ 9 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે કેટલાક અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મુજબ દુર્ઘટના વાલપરાઈ પોલ્લાચી ઘાટ માર્ગ પર બની હતી, જ્યાં પ્રવાસે ગયેલી ટીમની વેન અચાનક નિયંત્રણ ગુમાવી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામનારામાં હેડમિસ્ટ્રેસ સહિત અનેક શિક્ષકો, સ્કૂલ સ્ટાફ અને એક બાળકનો સમાવેશ થાય છે.
મલપ્પુરમ જિલ્લાના શિક્ષકો અને પરિવારજનો હતા પ્રવાસે : અકસ્મતમાં મૃત્યુ પામેલા મોટાભાગના લોકો કેરળના મલપ્પુરમ જિલ્લાના પાંગ વિસ્તાર સાથે જોડાયેલા હતા. તેઓ શૈક્ષણિક સ્ટાફ અને તેમના પરિવારજનો સાથે મનોરંજન પ્રવાસ માટે વાલપરાઈ ગયા હતા,ત્યારે આ ઘટના બની હતી ,જે બાદ સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરની ભૂલની સંભાવના : પ્રાથમિક તપાસ મુજબ આ અકસ્માતનું કારણ ડ્રાઈવર દ્વારા ઘાટ માર્ગના તીવ્ર વળાંકનું યોગ્ય રીતે મૂલ્યાંકન ન કરી શકવું હોઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું છે કે વાહનમાં બ્રેક ફેલ જેવી કોઈ સ્પષ્ટ ટેકનિકલ ખામીના પુરાવા મળ્યા નથી.
ઘાયલોનું સારવાર ચાલુ ; આ અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોને આગળની સારવાર માટે કોયમ્બતુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પણ રિફર કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ : મૃતકોના પાર્થિવદેહ ગામમાં પહોંચતા મોટી સંખ્યામાં લોકો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. સ્કૂલ અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી, કારણ કે મૃત્યુ પામેલા લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે નજીકથી જોડાયેલા હતા. આ દુર્ઘટનાએ ફરી એકવાર ઘાટ માર્ગ પર મુસાફરી દરમિયાન સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ઘટનાની વિગતવાર તપાસ ચાલુ છે અને અધિકારીઓ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો અંગે વધુ માહિતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.