Charchapatra

‘121’ ફોર્મ ક્યારે આવશે?

એપ્રિલ મહિનામાં બેંકોમાં ગ્રાહકોએ મૂકેલી ફ્કિસ ડીપોઝીટ અંગે 15 (જી) અને 15 (એચ) ફોર્મ ભરવાનાં હોય છે. આ કાર્ય માટે હું આજે તા. 20-04-2026ના રોજ સુરતની ડિ. બેંકની ચોક બજાર શાખામાં ગઈ તો મને કહેવામાં આવ્યું કે હજી ફોર્મ આવ્યાં જ નથી. આવશે એટલે તમને ફોન કરીને જણાવીશું. કહેવાનું તાત્પર્ય એ કે આજે વીસ તારીખ થઈ છતાં ફોર્મ પ્રાપ્ય નથી તો તે ક્યારે મળશે? ધારો કે હવે પછી ફોર્મ આવે તો પણ શું છેલ્લા આઠ દસ દિવસમાં એ કાર્ય બેંક સંપન્ન કરી શકશે? અશક્ય લાગે છે.

જેમણે આ ફોર્મ અંગે અમલ કરવા જણાવ્યું છે તે અધિકારીઓ સ્પષ્ટતા કરે તે જરૂરી છે. ડિ. બેંક ચોકબજાર શાખાનાં કર્મચારી ભાઈ-બહેનો સૌને મદદરૂપ થાય છે. હું પણ બેંકમાં ગઈ ત્યારે એક બહેને મને કહ્યું કે બહેન, ‘‘આ તાપમાં તમે ફરી ધક્કો નહિ ખાતાં. ફોર્મ આવશે એટલે અમે તમને  જણાવીશું’’. બેંકનાં કર્મચારીઓ આવો સંવેદનાપૂર્ણ સહકાર આપે તો તમામ બેંકોની તમામ કામગીરી સરળ બની જાય.
સુરત     – શિવપ્રિયા શુકલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

ફોર્મ ‘121’ અંગે સ્પષ્ટતા થાય તે જરૂરી
આજે સુરતની ચોકબજાર શાખા એસ.બી.આઈ.માં હું 15(એચ)ફોર્મ ભરવા ગયો. આ ફોર્મને બદલે જાહેર કરેલા ‘121’ ફોર્મ મને આપવામાં આવ્યું. નામ, ઠામ, ફોન નંબર તો ભર્યા પણ બાકીની વિગતો માટે ખૂબ જ અસ્પષ્ટતા રહી. ફોર્મમાં અન્ય વિગતો  લખેલી હતી. પણ તે કંઈ સમજાતી નહોતી. ફરજ પરનાં સન્નારીને પણ કોઈ સમજ નહોતી. હું મારી તમામ એફ.ડી.ની રસીદો લઈને ગયો હતો. મને કહે, તમારી આવક લખો. હવે અન્ય બે બેંકોમાં પણ એફ.ડી. હોય તો એ બધી ગણતરી કરવાનું સામાન્ય ગ્રાહકનું ગજું નથી. એટલે આ ફોર્મનો અમલ કરનાર અધિકારીઓ પહેલાં કર્મચારીઓને સમજાવે. એટલું જ નહીં ગ્રાહકોને પણ સરળતાથી સમજાવે એ જરૂરી છે. મને એમ પણ કહેવામાં આવ્યું કે આ હકીકત ટેક્ષને લગતી છે. બેંક માટે નથી. એ જે હોય તે, પણ આ નવી પ્રથા અંગે બેંકો ગ્રાહકોને સરળતાથી સમજાય તેવો અભિગમ દાખવે તે જરૂરી છે.
સુરત     – તપન ત્રિવેદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top