રણબીર કપૂરની બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’નું અમેરિકાના લાસ વેગાસમાં યોજાયેલા સિનેમા જગતના પ્રતિષ્ઠિત ઇવેન્ટ ‘સિનેમાકોન’ (CinemaCon)માં ફિલ્મનું લગભગ 20 મિનિટનું ખાસ ફૂટેજ પસંદગીના લોકો માટે રજૂ કરવામાં આવ્યું હતું, જેને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉત્સુકતા વધી ગઈ છે. પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા અને યશે આ ઇવેન્ટમાં ફિલ્મની ઝલક પેશ કરી અને આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે પણ ખાસ વાતચીત કરી હતી. આ ખાસ સ્ક્રીનિંગમાં મર્યાદિત લોકો જ સામેલ હતા, જેથી ફિલ્મને લઈ એક્સક્લૂસિવિટી અને કૌતુક બંને જળવાઈ રહે. કેટલાક ક્રિએટર્સ અને નિષ્ણાતોએ આ ફૂટેજ જોયા બાદ દાવો કર્યો છે કે ફિલ્મના વિઝ્યુઅલ્સ ખૂબ જ ભવ્ય છે અને આ એક સાચી અર્થમાં ગ્લોબલ એપિક બની શકે છે.
યુટ્યુબ ચેનલ ‘Mr Like It Or Not’ સાથે જોડાયેલા એક ક્રિએટરે જણાવ્યું કે તેઓ તે થોડા ભાગ્યશાળી લોકોમાં હતા, જેમને આ ફૂટેજ જોવા મળ્યું. તેમના અનુસાર, ફિલ્મનો સ્કેલ અને પ્રેઝન્ટેશન આંતરરાષ્ટ્રીય સ્તરનો છે અને તે ઓસ્કર સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કેટેગરીમાં ફિલ્મ મોકલવાની શક્યતા અંગે પણ ચર્ચા થઈ રહી છે. ફિલ્મને લઈને બીજી એક મોટી ચર્ચા વોર્નર બ્રધર્સ સાથે સંભવિત ડીલ અંગે ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, હોલીવુડની આ જાણીતી કંપની ‘રામાયણ’ના ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીબ્યુશનમાં ભાગીદાર બની શકે છે. જો આ ડીલ ફાઇનલ થાય, તો ફિલ્મને વિશ્વભરમાં વિશાળ સ્તરે રિલીઝ અને પ્રમોશન મળશે. કહેવાઈ રહ્યું છે કે ફિલ્મને લગભગ 4500 સ્ક્રીન્સ પર ગ્લોબલ રિલીઝ આપવામાં આવી શકે છે, જોકે હજી સુધી આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
તાજેતરમાં ફિલ્મની પહેલી ઝલક બહાર આવી ત્યારે તેના VFX અંગે સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. કેટલાક લોકોએ ટીકા પણ કરી હતી. પરંતુ સિનેમાકોનમાં દર્શાવવામાં આવેલા ફૂટેજ બાદ નિષ્ણાતોનું માનવું છે કે ફિલ્મના વિઝ્યુઅલ્સ ખૂબ જ ઉચ્ચ કક્ષાના છે અને તેમાં કોઈ મોટી ખામી દેખાતી નથી. ફિલ્મના VFXની જવાબદારી નમિત મલ્હોત્રાની કંપની ‘પ્રાઇમ ફોકસ’ સંભાળી રહી છે, જે હોલિવુડના અનેક મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી ચૂકી છે. કાસ્ટિંગ પણ ફિલ્મની સૌથી મોટી શક્તિઓમાંની એક છે.
રણબીર કપૂર ભગવાન રામના પાત્રમાં, સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં અને KGF ફેમ યશ રાવણના પાત્રમાં જોવા મળશે. આ ત્રિપુટી સાથે મેકર્સ એક એવી ફિલ્મ રજૂ કરવા માંગે છે, જે ભારતીય સંસ્કૃતિ અને મહાકાવ્યને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપશે. ફિલ્મના મેકર્સની સ્ટ્રેટેજી સ્પષ્ટ છે, ‘રામાયણ’ને ફક્ત એક ફિલ્મ નહીં, પરંતુ એક ગ્લોબલ સિનેમેટિક અનુભવ તરીકે રજૂ કરવી. સિનેમાકોનમાં મર્યાદિત લોકો માટે ખાસ ફૂટેજ બતાવવું, આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે વાતચીત કરવી અને મોટા સ્ટુડિયો સાથે સંભવિત ભાગીદારી કરવી, આ બધું દર્શાવે છે કે ફિલ્મને ઓસ્કર સુધી લઈ જવા માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે. ‘રામાયણ’ હવે માત્ર એક બોલિવુડ પ્રોજેક્ટ સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર નવી ઓળખ અપાવવાની દિશામાં મોટું પગલું બની શકે છે.