સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે પ્રદેશ પ્રમુખના આદેશથી લાલઆંખ, કોંગ્રેસ કે અપક્ષમાં ઉમેદવારી કરનાર કાર્યકરો સસ્પેન્ડ

(પ્રતિનિધિ), વડોદરા. તા.16
વડોદરા : ગુજરાતમાં હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ શિસ્ત અને પક્ષ પ્રત્યેની વફાદારીને લઈને કડક વલણ અપનાવ્યું છે. વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે બળવો કરી અપક્ષ અથવા અન્ય પક્ષોમાંથી ઉમેદવારી કરનાર 11 કાર્યકરોને તાત્કાલિક અસરથી 5 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષની સૂચના અનુસાર, જે કાર્યકરો પક્ષમાં જવાબદારી ધરાવે છે અથવા સક્રિય છે, છતાં તેઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026માં પક્ષના શિસ્તનો ભંગ કર્યો છે, તેમની સામે આ પગલું લેવામાં આવ્યું છે. વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ‘વંદે કમલમ’ ખાતેથી જારી કરાયેલ યાદીમાં પાદરા, વાઘોડિયા, સાવલી, ડભોઈ અને કરજણ જેવા તાલુકાઓના અગ્રણીઓનો સમાવેશ થાય છે.
- 1) પાદરા – નરસિંહભાઈ પટેલ નગર ભાજપા મંત્રી – વોર્ડ-03 માં કોંગ્રેસમાંથી ઉમેદવારી
- 2) વાઘોડિયા – વિશાલ પરીખ સક્રિય કાર્યકર્તા – વોર્ડ-05 માં અપક્ષ ઉમેદવારી
- 3) વાઘોડિયા – જ્ઞાનશરણ પટેલ (લાલાભાઈ) સક્રિય કાર્યકર્તા – રવાલ તા. પંચાયતમાં અપક્ષ ઉમેદવારી
- 4) વાઘોડિયા – જયેશભાઈ રબારી આઈ.ટી. જીલ્લા ભાજપા બક્ષીપંચ મોરચો – પત્નીએ જરોદ તા. પંચાયતમાંથી ઉમેદવારી કરી
- 5) સાવલી – આકાશભાઈ પટેલ ઉપપ્રમુખ, નગર યુવા મોરચો – વોર્ડ-06 માં અપક્ષ ઉમેદવારી
- 6) સાવલી – નીલેશભાઈ પરમાર કારોબારી સભ્ય, યુવા મોરચો – માતાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી
- 7) વડોદરા – નયનાબેન પરમાર સક્રિય કાર્યકર્તા – પોર જીલ્લા પંચાયતમાંથી ઉમેદવારી
- 8) વડોદરા – રાજુભાઈ પરમાર પ્રમુખ, તા. અનુસૂચિત જાતિ મોરચો – પત્નીએ જીલ્લા પંચાયતમાંથી ઉમેદવારી કરી
- 9) ડભોઈ – સમીરભાઈ પટેલ પૂર્વ નગર ભાજપા ઉપપ્રમુખ – વોર્ડ-06 માં અપક્ષ ઉમેદવારી
- 10) ડભોઈ – સલીમભાઈ ઘાંચી સક્રિય કાર્યકર્તા, પૂર્વ કોર્પોરેટર – વોર્ડ-05 માં કોંગ્રેસમાંથી ઉમેદવારી
- 11) કરજણ – રાકેશભાઈ પટેલ બુથ પ્રમુખ – વેમાર તા. પંચાયતમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી
વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે પક્ષની શિસ્તનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિ હોય, તેની સામે પક્ષ કડક હાથે કામ લેશે. ચૂંટણી સમયે પક્ષના અધિકૃત ઉમેદવારને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિ સાંખી લેવામાં આવશે નહીં. આ નિર્ણયથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને અન્ય કાર્યકરોમાં પણ પક્ષના આદેશોનું પાલન કરવાનો સ્પષ્ટ સંદેશ પહોંચ્યો છે.