Balasinor

બાલાસિનોર પાલિકાની ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ, વિસ્તારમાં ભયનો માહોલ

આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાયા
ફાયર બ્રિગેડના સતત પ્રયાસોથી રાત્રે 9 વાગ્યા સુધીમાં આગ કાબૂમાં

બાલાસિનોર, તા. ૧૪
બાલાસિનોર પાલિકાની ભાથલા રોડ પર મુલતાનપુરા નજીક આવેલી ડમ્પિંગ સાઇટમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ જતા આસપાસના લોકોમાં ભય અને કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું.

મુલતાનપુરા નજીક આવેલી આ ડમ્પિંગ સાઇટ પર પાલિકા દ્વારા કચરો તેમજ લિક્વિડ કેમિકલ ઠાલવવામાં આવે છે. આજે અચાનક કચરાના ઢગલામાં આગ લાગતા પરિસ્થિતિ ગંભીર બની હતી. પાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના કાફલાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. ભારે ધુમાડાના કારણે દૂર દૂર સુધીના વિસ્તારો પ્રભાવિત થયા હતા. આગ વધુ વિકરાળ સ્વરૂપ ન ધારણ કરે તે માટે સતત પ્રયત્નો હાથ ધરાયા હતા.
ફાયર બ્રિગેડ દ્વારા લગભગ રાત્રે 9 વાગ્યા સુધી સતત કામગીરી બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. નોંધનીય છે કે અગાઉ પણ આ ડમ્પિંગ સાઇટ પર અનેક વખત આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.

રિપોર્ટર: ધર્મિષ્ઠાબેન. કે. ઝાલા

Most Popular

To Top