નોઈડામાં ફેક્ટરી મજૂરોના વેતન વધારો મુદ્દે થયેલા મોટા પ્રદર્શનના કારણે શહેરમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે રોજિંદા ઓફિસ જતાં લોકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અનેક મુસાફરોને માત્ર 45 મિનિટનો રસ્તો પાર કરવા માટે 2 કલાકથી વધુ સમય લાગી ગયો હતો.
માહિતી મુજબ, નોઈડાના ફેઝ-2 ઔદ્યોગિક વિસ્તાર અને દિલ્હી-નોઈડા બોર્ડર નજીક મજૂરોના વિરોધ પ્રદર્શનને કારણે મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર લગભગ ઠપ થઈ ગયો હતો. ખાસ કરીને NH-9, સેક્ટર 62, 63, 84, દાદરી રોડ અને ચિલ્લા બોર્ડર જેવા મહત્વપૂર્ણ માર્ગો પર લાંબી વાહનોની લાઇનો લાગી ગઈ હતી, જેના કારણે હજારો લોકો રસ્તામાં અટવાઈ ગયા હતા. આ ટ્રાફિક જામનો સૌથી વધુ અસર ઓફિસ જતાં કર્મચારીઓ, સ્કૂલ બસો અને દિલ્હી-NCR વચ્ચે રોજિંદા આવાગમન કરતા લોકોને પડી હતી. અનેક મુસાફરો સોશિયલ મીડિયા પર પોતાની મુશ્કેલીઓ વ્યક્ત કરતા જોવા મળ્યા.
કેટલાક લોકોએ જણાવ્યું કે સામાન્ય રીતે એક કલાકમાં પહોંચતા સ્થળે પહોંચવા માટે તેમને ડબલ સમય લાગી રહ્યો છે.
પ્રદર્શન દરમિયાન કેટલાક વિસ્તારોમાં સ્થિતિ તંગ બની જતા પોલીસને વધારાનો બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. કેટલાક સ્થળોએ પથ્થરમારો અને વાહનોને નુકસાન પહોંચાડવાના બનાવો પણ સામે આવ્યા હતા, જેના કારણે ટ્રાફિક વધુ પ્રભાવિત થયો હતો.
અધિકારીઓના જણાવ્યા મુજબ, હજારો મજૂરો લાંબા સમયથી બાકી રહેલા વેતન સુધારાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. પ્રદર્શનકારીઓએ ₹20,000 માસિક ન્યૂનતમ વેતન, 8 કલાકની ડ્યૂટી અને ઓવરટાઇમ માટે યોગ્ય ચૂકવણી જેવી માંગણીઓ ઉઠાવી હતી. પ્રશાસન તરફથી ટ્રાફિક નિયંત્રિત કરવા માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા હતા અને લોકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી હતી. હાલ પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બનતી જઈ રહી છે, પરંતુ આ ઘટનાએ નોઈડાના શહેરી ટ્રાફિક સિસ્ટમ પર પ્રદર્શનના ગંભીર પ્રભાવને ફરી એકવાર ઉજાગર કર્યો છે.