ગાંધીનગર,
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ઉમેદવારોની પસંદગીમાં રાજકીય ગણિતની સાથે માનવીય સંવેદના અને પાયાની સેવાને વિશેષ મહત્વ આપ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાની ૧૯૨ બેઠકો માટે જાહેર કરાયેલી યાદીમાં ભાજપે એવા સામાન્ય અને નિષ્ઠાવાન ચહેરાઓને તક આપી છે, જેઓ ખરા અર્થમાં જનતાની વચ્ચે રહીને પાયાનું કામ કરી રહ્યા છે. ભાજપના આ વખતના ‘નો-રિપીટ’ અને નવા ચહેરાઓની થિયરીમાં સૌથી વધુ ચર્ચા અસારવા બેઠકના ઉમેદવાર દશરથ પટણીની થઈ રહી છે. દશરથભાઈ વ્યવસાયે રિક્ષાચાલક છે અને રિક્ષા ચલાવીને જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષોથી પક્ષમાં સક્રિય એવા એક સામાન્ય રિક્ષાચાલકને ટિકિટ આપીને ભાજપે પાયાના કાર્યકરોની કદર કરવાનો સંદેશ આપ્યો છે.
સેવા અને ઈમાનદારીની કદર
માત્ર રિક્ષાચાલક જ નહીં, પરંતુ સામાજિક સેવામાં અગ્રેસર રહેલા અન્ય ચહેરાઓને પણ પક્ષે પ્રોત્સાહન આપ્યું છે.
- ગિરીશ વણઝારા: અસારવા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ગિરીશભાઈને પણ ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓની સેવા અને પક્ષની કામગીરીમાં સક્રિય રહેવા બદલ તેમની પસંદગી કરાઈ છે.
- રાજુ પટેલ (શાહીબાગ): શાહીબાગ બેઠક પરથી રાજુ પટેલને ટિકિટ અપાઈ છે. રાજુ પટેલે અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ જેવી દુર્ઘટના સમયે માનવતા દાખવી પીડિત પરિવારોના સોના-ચાંદીના કિંમતી દાગીના શોધીને પરત કરી ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત કોરોના કાળમાં પણ તેમની કામગીરી પ્રશંસનીય રહી હતી.
પાયાના કાર્યકર્તાઓ પર ભરોસો
અમદાવાદની યાદીમાં ડોક્ટર, નેતા અને સંગઠનના હોદ્દેદારોની સાથે સાથે પ્રજા વચ્ચે સીધો સંપર્ક ધરાવતા કાર્યકરોને પ્રાધાન્ય અપાયું છે. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે જે લોકોએ આપત્તિના સમયે, પછી તે પ્લેન ક્રેશ હોય કે કોરોના મહામારી, જનતાની સેવા કરી છે તેમને પક્ષે ભૂલ્યા નથી.આ નવા ચહેરાઓએ ટિકિટ મળ્યા બાદ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ ચૂંટાઈને પણ જનતાની વચ્ચે રહીને ખડેપગે કામ કરશે. ભાજપનો આ ‘સેવા ભાવ’ વાળો પ્રયોગ ચૂંટણીના પરિણામોમાં કેટલો સફળ રહે છે, તે જોવું રસપ્રદ રહેશે.
ભાજપનો ‘ગ્લેમર માસ્ટરસ્ટ્રોક’ – કલાકારોની રાજકારણમાં એન્ટ્રી
યુવા મતદારોને આકર્ષવા ભાજપે સોશિયલ મીડિયા સ્ટાર્સ અને લોકપ્રિય સિંગરો પર દાવ ખેલ્યો છે.
- રાજલ બારોટ: સ્વ. મણિરાજ બારોટની સુપુત્રી રાજલ બારોટ ઉના નગરપાલિકાના વોર્ડ નં. 7 થી ચૂંટણી લડશે.
- નેહા સુથાર: ઉત્તર ગુજરાતની જાણીતી ગાયિકા નેહા સુથાર વિજાપુરની કુદેડા બેઠક પરથી તાલુકા પંચાયતની ચૂંટણી લડશે.
- સોનલ ડેર: પ્રખ્યાત સાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરી સોનલબેને અમરેલીની ચાવંડ બેઠક પરથી કેસરિયો ધારણ કરી ઉમેદવારી નોંધાવી છે.
- અંકિતા પરમાર: 1 મિલિયન ફોલોઅર્સ ધરાવતી રીલ સ્ટાર અંકિતા પરમાર વડોદરાની પોર બેઠક પરથી જિલ્લા પંચાયતનું મેદાન ગજવશે.
મહેસાણા ભાજપ કાર્યાલયમાં ૨૮ વર્ષથી પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશ ભીલને પાર્ટીએ મનપાની આપી ટિકિટ
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં દિગ્ગજ નેતાઓ ટિકિટ માટે ખેંચતાણ કરી રહ્યા છે, ત્યાં મહેસાણા ભાજપે ‘કાર્યકર એ જ પક્ષનો પાયો’ હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહેસાણા ભાજપ કાર્યાલયમાં છેલ્લા ૨૮ વર્ષથી પટાવાળા (પ્યુન) તરીકે સેવા આપતા રમેશભાઈ ભીલને પાર્ટીએ મહેસાણા મનપાના વોર્ડ નંબર ૧૩ માંથી ઉમેદવાર બનાવીને સૌને ચોંકાવી દીધા છે.
રૂ. ૫૦૦ના પગારથી પ્યુનથી ઉમેદવાર સુધીની સફર
રમેશભાઈ ભીલની સફર સંઘર્ષ અને સમર્પણથી ભરેલી છે. તેમણે ૨૮ વર્ષ પહેલા માત્ર ૫૦૦ રૂપિયાના માસિક પગારથી ભાજપ કાર્યાલયમાં પ્યુન તરીકે નોકરી શરૂ કરી હતી. વર્ષો સુધી પક્ષના નેતાઓ અને કાર્યકરોની નિઃસ્વાર્થ સેવા કર્યા બાદ, પક્ષે તેમની વફાદારીની નોંધ લીધી છે. રમેશભાઈ માટે આ માત્ર ચૂંટણીની ટિકિટ નથી, પરંતુ ત્રણ દાયકાની તેમની મહેનતનું સન્માન છે.
સાદગીનો પરચો: “ચૂંટાઈશ તો પણ પ્યુનની નોકરી ચાલુ રાખીશ”
ઉમેદવાર જાહેર થયા બાદ રમેશભાઈએ આપેલું નિવેદન અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. તેમણે સાદગી સાથે જણાવ્યું હતું કે, “જો હું કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવીશ, તો પણ પક્ષના કાર્યાલયમાં પટાવાળા તરીકેની મારી નોકરી છોડીશ નહીં.” સત્તા મળ્યા પછી પણ જમીન સાથે જોડાયેલા રહેવાની તેમની આ જીદની અનેક લોકો પ્રશંસા કરી રહ્યા છે.
નોંધનીય છે કે રમેશભાઈના પત્ની અગાઉ ચૂંટણી જીતી ચૂક્યા છે, એટલે કે તેમનો પરિવાર પહેલેથી જ પક્ષ સાથે સક્રિય રીતે જોડાયેલો છે. રમેશભાઈની ઉમેદવારીથી વોર્ડ નંબર ૧૩ ના સ્થાનિક લોકો અને પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કિસ્સો સાબિત કરે છે કે જો વ્યક્તિ પ્રમાણિકતાથી કામ કરે, તો લોકશાહીમાં એક સામાન્ય કર્મચારી પણ જનપ્રતિનિધિ બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે મહેસાણાની જનતા આ સાદગી અને સેવાનો સ્વીકાર કરીને તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી પહોંચાડે છે કે કેમ!