Vadodara

વડોદરા આરટીઓમાં સર્વર ડાઉનથી અફરાતફરી: આકરી ગરમીમાં કલાકો સુધી અરજદારો અટવાયા

લાયસન્સ સહિતની કામગીરી ઠપ, કચેરી બહાર વાહનોની લાંબી કતારો
ટેકનિકલ ખામીથી નાગરિકોમાં નારાજગી, સુધારેલી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી

(પ્રતિનિધિ) વડોદરા, તા. 13
વડોદરા આરટીઓ કચેરીમાં આજે અચાનક સર્વર ખોટકાતા વાહન સંબંધિત વિવિધ કામકાજ માટે આવેલા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લાયસન્સ સહિતની અનેક ઓનલાઈન પ્રક્રિયાઓ અટકી જતા કચેરી બહાર તેમજ પાર્કિંગ વિસ્તારમાં વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી.

સવારે સમયસર કચેરીએ પહોંચેલા અનેક અરજદારોને બપોર સુધી રાહ જોવી પડી હોવા છતાં તેમની કામગીરી પૂર્ણ થઈ શકી નહોતી. આકરી ગરમી વચ્ચે કલાકો સુધી રાહ જોવી પડતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. કેટલાક અરજદારોએ જણાવ્યું હતું કે સર્વર ખામીના કારણે સમય અને કામ બંને બગડ્યા છે.

આરટીઓ કચેરીના કર્મચારીઓ દ્વારા ટેકનિકલ ખામી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. થોડા સમય બાદ સર્વર શરૂ થતાં કામગીરી ધીમે ધીમે પુનઃ શરૂ થઈ હતી. જોકે, ત્યાં સુધીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા અવ્યવસ્થા સર્જાઈ હતી. નાગરિકોએ માંગ કરી હતી કે આવી ટેકનિકલ સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવા માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકોને આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

Most Popular

To Top