Comments

અમેરિકા-ઈરાન સમાધાન:આ યુદ્ધવિરામ કેટલા દિવસ ટકશે?

૭ એપ્રિલની રાતે અમેરિકા દ્વારા નક્કી કરાયેલ ડેડલાઇનના માત્ર એક કલાક પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાંનું અસ્થાયી સમાધાન થયું છે. શરત એક જ છે – હોર્મુઝ સ્ટ્રેટ તરત જ અને સંપૂર્ણ રીતે ખુલ્લી મૂકવી. ઈરાને પણ આનો સ્વીકાર કરીને પોતાને ‘વિજયી’ જાહેર કર્યું છે. પાકિસ્તાનની મધ્યસ્થીથી ઈસ્લામાબાદમાં વાતચીતનું આયોજન થયું છે. વિશ્વભરમાં રાહતની લહેર ફેલાઈ છે, તેલના ભાવ ઘટ્યા છે અને શેરબજારો ઊછળ્યાં છે. પરંતુ આ ‘સમાધાન’ કેટલું ટકાઉ છે? ઈતિહાસનો અનુભવ અને વર્તમાન વાસ્તવિકતાને જોતાં જવાબ સ્પષ્ટ છે – આ યુદ્ધવિરામ લાંબુ નહીં ટકે.

આ સમાધાન ૪૦ દિવસના તીવ્ર સંઘર્ષ પછી આવ્યું છે. અમેરિકા-ઈઝરાયેલના હુમલાઓથી ઈરાનની અર્થવ્યવસ્થા અને સૈન્ય તંત્રને ભારે નુકસાન થયું છે. ટ્રમ્પે કહ્યું કે ‘‘અમારાં તમામ સૈન્ય લક્ષ્યો પૂરાં થયાં છે’’ અને ઈરાનની ૧૦ મુદ્દાની યોજનાને ‘કાર્યક્ષમ’ગણાવી છે. ઈરાન પણ કહે છે કે સંઘર્ષમાં તેણે અમેરિકા અને ઈઝરાયેલને પોતાની તાકાત બતાવી છે. બંને પક્ષ વિજયના ઢંઢેરા પીટી રહ્યા છે. પરંતુ આવી વિજયની ઘોષણાઓ પાછળ છુપાયેલી અસલ સમસ્યાઓ એ જ છે જે છેલ્લાં ૪૫ વર્ષથી અમેરિકા-ઈરાન સંબંધોને ઝેરી બનાવી રહી છે – પરમાણુ કાર્યક્રમ, આર્થિક પ્રતિબંધો, પ્રાદેશિક પ્રોક્સી યુદ્ધ અને ઈઝરાયેલના અસ્તિત્વની સુરક્ષા.

આ સમાધાન માત્ર બે અઠવાડિયાં પૂરતું જ છે. આટલા ટૂંકા સમયમાં કોઈ મૂળભૂત સમજૂતી શક્ય નથી. ટ્રમ્પે ૨૦૧૮માં ઓબામાના પરમાણુ કરાર (JCPOA)માંથી બહાર નીકળીને ઈરાન પર કડક પ્રતિબંધો મૂક્યા હતા. બાઈડન વહીવટે તેને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયો. આજે ફરી ટ્રમ્પ જ સત્તામાં છે અને ઈરાન પણ પોતાના પરમાણુ અધિકારો છોડવા તૈયાર નથી. હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું મૂકવું એ માત્ર અસ્થાયી રાહત છે.

ઈરાનનાં પ્રોક્સી જૂથો (હિઝબુલ્લાહ, હુથીઓ) હજુ પણ સક્રિય છે અને ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે આ સમાધાન લેબનોનને આવરી લેતું નથી. સૌથી મોટું જોખમ એ છે કે બંને પક્ષ આ બે અઠવાડિયાંનો ઉપયોગ પોતાની તાકાત વધારવા માટે કરશે. ઈરાન પોતાનો સૈન્ય સ્ટોક ફરી ભરશે, અમેરિકા અને ઈઝરાયેલ વધુ આક્રમક વ્યૂહરચના તૈયાર કરશે. નેતન્યાહુ માટે આ સમાધાન ઘરેલું સમસ્યા છે કારણ કે તેમની સરકાર ઈરાનને સંપૂર્ણપણે નબળું પાડવા માંગે છે. જો વાતચીત નિષ્ફળ જશે તો ફરી હુમલાઓ શરૂ થશે અને આ વખતે તે વધુ વિનાશકારી હશે.

વિશ્વને શાંતિની જરૂર છે, પરંતુ આવા અસ્થાયી યુદ્ધવિરામથી તે મળતી નથી. ઈતિહાસ સાક્ષી છે – ૧૯૭૯ની ઈરાની ક્રાંતિ પછી અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ પણ સમજૂતી લાંબા ગાળે ટકી નથી. આ વખતે પણ એવું જ લાગે છે. જ્યાં સુધી મૂળભૂત મુદ્દાઓ – પરમાણુ કાર્યક્રમ, પ્રાદેશિક આધિપત્ય અને વિશ્વાસની કમી – ઉકેલાતા નથી ત્યાં સુધી આ સમાધાન માત્ર યુદ્ધ વચ્ચેનું ‘અલ્પવિરામ’ જ રહેશે, શાંતિ નહીં. આપણે આશા રાખીએ છીએ કે ઈસ્લામાબાદની વાતચીતમાં કોઈ અણધારી સફળતા મળે. પરંતુ વાસ્તવિકતા કહે છે – આ યુદ્ધવિરામ કેટલા દિવસ ટકશે તેનો જવાબ બે અઠવાડિયાં પછી જ મળશે અને તે જવાબ સારો હોય તેવી સંભાવના ખૂબ જ ઓછી છે.

આ સંઘર્ષનાં મૂળ એટલાં ઊંડાં છે કે માત્ર બે અઠવાડિયાંની મંત્રણા તેને ઉકેલવા માટે પૂરતી નથી. અત્યારે જે દેખાય છે તે વાસ્તવિક શાંતિ નથી, પરંતુ માત્ર એક ‘વ્યૂહાત્મક વિરામ’ છે, જેનો ઉપયોગ બંને પક્ષો પોતાની લશ્કરી શક્તિને પુનઃસંગઠિત કરવા માટે કરશે. ઇસ્લામાબાદની બેઠકમાં જો પરમાણુ મર્યાદાઓ અને આર્થિક પ્રતિબંધો જેવા જટિલ મુદ્દાઓ પર કોઈ નક્કર સમજૂતી નહીં સધાય, તો એપ્રિલના અંત સુધીમાં મધ્ય-પૂર્વનું આકાશ ફરી એક વાર મિસાઈલો અને વિસ્ફોટોથી ગાજી ઊઠશે. આખરે, આ યુદ્ધવિરામ શાંતિનો ઉદય છે કે આગામી મહાવિનાશ પહેલાંની શાંતિ, તેનો નિર્ણય સમય જ કરશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top