તાતીથૈયાથી સલામત મળતા પરિવારમાં ખુશીનો માહોલ
સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં રમતા રમતા ગુમ થયેલા 5 વર્ષના માસૂમ બાળકને કડોદરા GIDC પોલીસ સ્ટેશનની ટીમે માત્ર ગણતરીના કલાકોમાં શોધી કાઢતા પોલીસની તત્પરતા અને માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના ગયા જિલ્લાના વતની અને હાલ કડોદરાના શાંતિનગર વિસ્તારમાં રહેતા રાકેશકુમાર પટેલ પલસાણા સ્થિત સિદ્ધેશ્વરી ડાઈંગ પ્રિન્ટિંગ મિલમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. ઉનાળાની રજાઓને કારણે તેમની પત્ની બે બાળકો સાથે સુરત આવી હતી. ગત રવિવારે તેમનો 5 વર્ષનો પુત્ર ઋષભ બિલ્ડિંગ નીચે રમતો હતો ત્યારે અચાનક ગુમ થઈ ગયો હતો.
બાળક નવું હોવાને કારણે વિસ્તારથી અજાણ હોવાથી તે ભટકીને તાતીથૈયા વિસ્તાર તરફ પહોંચી ગયો હતો. બાળક ગુમ થતા ગભરાયેલા પરિવારે તાત્કાલિક કડોદરા પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સુરત ગ્રામ્યના એસપી રાજેશ ગઢીયાએ તાત્કાલિક કડોદરા પોલીસને જરૂરી સૂચનાઓ આપી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ PSI ભૂપેન્દ્રસિંહ વાઘેલા અને તેમની ટીમે તરત જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસએ તપાસને ઝડપ આપી હતી. સતત 2 થી 3 કલાકની સઘન શોધખોળ બાદ પોલીસે તાતીથૈયા વિસ્તારમાંથી ઋષભને સલામત રીતે શોધી કાઢ્યો હતો. બાળકને સુરક્ષિત રીતે માતા-પિતાને સોંપતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. પિતા રાકેશ પટેલ અને પરિવારજનો દ્વારા કડોદરા પોલીસની ઝડપી કામગીરી અને સંવેદનશીલતા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કામગીરીએ સાબિત કર્યું છે કે ખાખી વર્દી માત્ર કાયદો જાળવવા માટે નહીં પરંતુ માનવીય મૂલ્યો સાથે જનસેવા માટે પણ તત્પર છે. કડોદરા પોલીસની આ કામગીરીથી પ્રજામાં વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને પોલીસ પ્રત્યે સકારાત્મક સંદેશો પહોંચ્યો છે.