Vadodara

કેમિકલ માફિયા’ બેફામ: જામ્બુઆ બ્રિજ પાસે નદીમાં ઝેરી વેસ્ટ ઠાલવતા જનજીવન પર ખતરો

GPCB અને પાલિકાની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં ઉગ્ર રોષ, જળચર પ્રાણીઓના મોતની ભીતિ
વડોદરા
વડોદરા શહેર અને આસપાસની નદીઓમાં કેમિકલ માફિયાઓનો આતંક વધી રહ્યો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. શહેરના જામવા બ્રિજ નીચેથી પસાર થતી નદીમાં અજાણ્યા શખ્સો દ્વારા ઝેરી કેમિકલ ઠાલવવામાં આવતા પાણીમાં સફેદ ફીણના થર અને ઓઈલ જેવો પડ જોવા મળ્યો છે. જેના કારણે પર્યાવરણ સાથે સાથે આસપાસના ગ્રામજનોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ગત રાત્રિથી વહેલી સવાર દરમિયાન અંદાજે 6 જેટલા કેમિકલ ભરેલા ટેન્કરો દ્વારા નદીમાં ઝેરી વેસ્ટ છોડવામાં આવ્યો હતો. છતાં આ ગંભીર ઘટના છતાં તંત્ર દ્વારા કોઈ તાત્કાલિક કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે.


કેમિકલના ધુમાડાથી આંખોમાં બળતરા, ચામડીના રોગોની ફરિયાદ
નદીમાં ઠાલવાયેલા ઝેરી કેમિકલની અસર આસપાસના ગામોમાં રહેતા લોકો સુધી પહોંચી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ હવામાં ફેલાતા કેમિકલના કારણે આંખોમાં બળતરા, શરીર પર ખંજવાળ અને ચામડીના રોગ જેવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. પાણીમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાતા સ્થાનિકો માટે દૈનિક જીવન મુશ્કેલ બન્યું છે.

મગર સહિત જળચર પ્રાણીઓ પર ખતરો, CCTV તપાસની માંગ ઉઠી
વિશ્વામિત્રી અને તેની સહાયક નદીઓ મગરો સહિત અનેક જળચર પ્રાણીઓનું કુદરતી નિવાસસ્થાન માનવામાં આવે છે. પાણીમાં કેમિકલ ભળવાથી ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતા મગર, કાચબા અને દેડકા જેવા પ્રાણીઓના જીવન પર જોખમ ઊભું થયું છે. અગાઉ પણ આવા બનાવોમાં જળચરોના મોત થયા હોવાના બનાવો સામે આવ્યા છે.
સ્થાનિક ગ્રામજનોએ પાલિકા અને પ્રદૂષણ નિયંત્રણ તંત્રને તાત્કાલિક CCTV ફૂટેજ તપાસી જવાબદાર કેમિકલ માફિયાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

Most Popular

To Top