દેશમાં ભાજપે જેને મોડેલ રાજ્ય તરીકે રજૂ કર્યું છે અને જેના વિકાસના ગાણાં ગવાય છે તેવા ગુજરાત રાજ્ય પર અધધધ… કહી શકાય તેવી રીતે હાલમાં 3.99 લાખ કરોડનું દેવું છે. એક જ વર્ષમાં ગુજરાતના દેવામાં રૂપિયા 22 હજાર કરોડનો વધારો થયો છે. જે રીતે દેવું દર વર્ષે વધી રહ્યું છે તેણે ગુજરાતમાં આર્થિક સ્થિતિ બાબતે ચિંતા ઉભી કરી છે. ગુજરાત વિધાનસભાના બજેટના સત્રમાં જ્યારે કેગ દ્વારા આ આંકડાઓ રજૂ કરવામાં આવ્યા ત્યારે ચોંકી જવાય તેવી સ્થિતિ બની રહી છે. આ દેવું ગુજરાતની તિજોરી પર ભારણ સમાન છે. આટલું દેવું હોવા છતાં પણ ગુજરાત સરકાર દ્વારા બજારમાંથી લેવામાં આવતી લોનમાં વધારો જ થતો જાય છે. કેગના આંકડા પ્રમાણે હાલમાં પ્રત્યેક ગુજરાતીના માથે રૂપિયા 66 હજારનું દેવું છે એવું માની શકાય.
કેગ દ્વારા જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા તે વર્ષ 2024-25ના આંકડાઓ છે. 2025-26ના આંકડાઓ હજુ પણ વધશે. ગૃહના ટેબલ પર મુકવામાં આવેલા આ કેગના રિપોર્ટએ રાજ્યની આર્થિક સ્થિતિ અને વધતાં દેવા અંગે ચિંતાજનક સ્થિતિ દર્શાવી છે. દેવું 22 હજાર કરોડ વધ્યું છે તો સાથે સાથે બજારમાંથી લેવામાં આવતી લોનમાં પણ 16 હજાર કરોડનો વધારો નોંધાયો છે. આ બતાવી રહ્યું છે કે, ગુજરાતનું દેવું બે રીતે વધી રહ્યું છે.
જેમાં બજારમાંથી લેવામાં આવતી લોન અને સાથે સાથે વ્યાજનો થતો વધારો. રાજ્ય સરકાર દ્વારા પોતાની વિકાસ યોજનાઓ અને ખર્ચને પહોંચી વળવા માટે બજારમાંથી ધિરાણ લેવામાં આવી રહ્યું છે. વર્ષ 2020-21માં ગુજરાતનું દેવું 2.98 લાખ કરોડ હતું. 2021-22માં 3.08 લાખ કરોડ, 2022-23માં 3.39 લાખ કરોડ અને 2023-24માં દેવું 3.89 લાખ કરોડ થઈ ગયું હતું. જોકે, ત્યારબાદના વર્ષ 2024-25માં દેવું ઘટ્યું પણ હતું પરંતુ ફરી દેવું વધી જવા પામ્યું છે.
કેગ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં દેવામાં વધારાની સાથે સાથે એવી વાત પર પ્રકાશ પણ પાડવામાં આવ્યો છે કે ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટ અને સહાયમાં પણ ઘટાડો થયો છે. નાણાંકીય સહાયમાં આ કપાતને કારણે સરકારે બજારમાંથી લોન લેવી પડી રહી છે અને તેને કારણે દેવામાં વધારો થાય છે. કેન્દ્ર સરકારે વર્ષ 2023-24માં 7540 કરોડની સહાય કરી હતી.
બાદમાં વર્ષ 2024-25માં આ સહાય ઘટીને 6712 કરોડ થઈ ગઈ હતી. જોવા જેવું એ છે કે, કેન્દ્રમાં ભાજપની સરકાર જ છે અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે. કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી છે અને તેઓ પણ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી જ હતાં પરંતુ તેમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટમાં કરાઈ રહેલો ઘટાડો ગુજરાત માટે મુસીબત ઉભી કરી રહ્યો છે. ગુજરાત સરકારે ખરેખર કેન્દ્ર સરકાર પાસે રજૂઆત કરીને ગ્રાન્ટ તેમજ સહાયની રકમ વધારાવી જોઈએ. નહીં તો ગુજરાત સરકારનું દેવું દર વર્ષે હરણફાળ રીતે વધતું જ રહેશે.
ગુજરાત સરકારના દેવાના આ આંકડાઓ જોતાં સરકારે પણ પોતાના ખર્ચ પર કાબુ કરવાની જરૂરીયાત છે. બે દાયકા પહેલાનું ગુજરાત પરનું દેવું અને હાલનું દેવું જોવામાં આવે તો આસમાન અને જમીનનો ફરક છે. ભાજપના રાજમાં વિકાસ થયો છે પરંતુ સાથે સાથે દેવું ખૂબ ઝડપથી વધ્યું છે. જેની પર અંકુશ આવે તે જરૂરી છે. વચ્ચે એક વર્ષ માટે દેવું ઘટ્યું હતું. હાલમાં ગુજરાત સરકારને જીએસટીની બમ્પર આવક થાય છે.
દેવું ઘટાડવા માટે તેનો લાભ લેવો જોઈએ. ઉપરાંત તમામ યોજનાઓની સમયાંતરે સમીક્ષા થતી રહેવી જોઈએ કે જેથી જે તે યોજનામાં થતો બિનજરૂરી ખર્ચ અટકાવી શકાય. જોવા જેવું છે કે આ વર્ષે ગુજરાત સરકારનું બજેટ રૂપિયા ૪,૦૮,૦૫૩ કરોડ છે. જ્યારે તેની પરનું દેવું 3.99 લાખ કરોડ છે. એટલે કે આખા વર્ષના બજેટ જેટલું દેવું ગુજરાત પર છે. જો ગુજરાત સરકાર દેવું ઘટાડવા માટે યોગ્ય આયોજનો નહીં કરે તો ભવિષ્યમાં સરકારે દેવાના વ્યાજના નાણાં ચૂકવવા માટે પણ વ્યાજે નાણાં લેવા પડશે તે નક્કી છે.