Vadodara

સ્માર્ટ સિટીની સ્માર્ટ બેદરકારી: વિશ્વ જળ દિવસે જ વડોદરાના માર્ગો પર લાખો લીટર પીવાનું પાણી ‘બિનવારસી’!​

144 કલાકથી પાણીનો બગાડ, છતાં પાણી પુરવઠા વિભાગના પેટનું પાણી હલતું નથી; જનતામાં ભારે આક્રોશ

વડોદરા: ​સમગ્ર વિશ્વ જ્યારે આજે ‘વિશ્વ જળ દિવસ’ ઉજવી રહ્યું છે અને પાણીના એક-એક ટીપાનું મહત્વ સમજાવી રહ્યું છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ કંઈક અલગ જ રીતે આ દિવસની ‘ઉજવણી’ કરવાનું નક્કી કર્યું હોય તેમ લાગે છે. શહેરના મકરપુરા મેઈન રોડ પર છેલ્લા છ દિવસથી પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયેલું છે, જેના દ્વારા લાખો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહાવીને તંત્રએ જાણે જળદેવતાનો ‘અભિષેક’ કર્યો છે!
શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને આંબી ગયો છે. સામાન્ય નાગરિક જ્યારે એક માટલા પાણી માટે વલખા મારી રહ્યો છે, ત્યારે મકરપુરામાં છ દિવસથી પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે. સ્થાનિકોએ રજૂઆતો કરીને થાક્યા, પણ પાણી પુરવઠા વિભાગના કાન સુધી હજુ આ ‘વહેતા પાણીનો અવાજ’ પહોંચ્યો નથી. કદાચ તંત્ર એ વાતની રાહ જોઈ રહ્યું છે કે ક્યારે રસ્તા પર પૂર આવે અને પછી જ તેઓ જાગે!
સ્માર્ટ સિટીના બણગાં ફૂંકતા સત્તાધીશોની પોલ મકરપુરાના આ ભંગાણે ખોલી નાખી છે. છેલ્લા 144 કલાકથી સતત વહી રહેલા પાણીને કારણે રસ્તાઓ પર ખાડા પડી રહ્યા છે અને વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સ્થાનિકોનો રોષ ગરમી કરતા પણ વધુ તપી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે, “શું તંત્રને માત્ર ટેક્સ ઉઘરાવવામાં જ રસ છે? શું પાણી જેવી પાયાની જરૂરિયાત માટે પણ અમારે આંદોલનો કરવા પડશે?”
કહેવાય છે કે ‘જળ એ જ જીવન છે’, પણ વડોદરાના વહીવટી તંત્ર માટે કદાચ ‘જળ એ જ વેડફાટ’ છે. વિશ્વ જળ દિવસ પર મોટી મોટી પોસ્ટ મૂકતા નેતાઓ અને અધિકારીઓ જો મકરપુરા રોડની મુલાકાત લે, તો તેમને સમજાય કે કાગળ પરની શિખામણ અને જમીન પરની બેદરકારી વચ્ચે કેટલો મોટો તફાવત છે.
હવે જોવાનું એ રહે છે કે, શું આ સમાચાર વાંચ્યા પછી તંત્રના બહેરા કાને અથડાશે કે પછી ‘વિશ્વ જળ દિવસ’ પૂરો થતાની સાથે જ આ સમસ્યાને પણ કાયમ માટે ‘પાણીમાં’ બેસાડી દેવામાં આવશે?

Most Popular

To Top