Gujarat

લિવ-ઇન રિલેશનશીપને કાયદાકીય માન્યતા મળશે

UCC વિધેયક, ૨૦૨૬ વિધાનસભામાં રજૂ – લગ્ન, છૂટાછેડા

વારસો અને લિવ-ઇન સંબંધો માટે એકરૂપ કાયદાની દિશામાં મહત્વપૂર્ણ પગલું

ગાંધીનગર : રાજય સરકાર દ્વારા “ગુજરાત સમાન નાગરિક સંહિતા વિધેયક, ૨૦૨૬” વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે, જે રાજ્યમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત હક અને લિવ-ઇન રિલેશનશિપ જેવા વ્યક્તિગત મુદ્દાઓને એકસરખા કાયદા હેઠળ લાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

આ વિધેયકનો મુખ્ય હેતુ વિવિધ ધર્મ અને પરંપરાઓ અનુસાર ચાલતા જુદા-જુદા વ્યક્તિગત કાયદાઓને એકરૂપ બનાવી કાનૂની સ્પષ્ટતા, પારદર્શિતા અને સામાજિક સમાનતા સ્થાપિત કરવાનો છે. વિધેયક સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ પડશે અને રાજ્ય બહાર વસતા ગુજરાતીઓ પર પણ તેની અસર રહેશે. જોકે અનુસૂચિત આદિજાતિ તથા સંવિધાન હેઠળ સંરક્ષિત કેટલાક સમુદાયો માટે આ કાયદો લાગુ નહીં પડે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

વિધેયકમાં લગ્ન અને છૂટાછેડા સંબંધિત સ્પષ્ટ નિયમો ઘડવામાં આવ્યા છે, જેમાં માન્ય લગ્ન માટેની શરતો, લગ્ન અને છૂટાછેડાની ફરજિયાત નોંધણી, પરસ્પર સંમતિથી છૂટાછેડાની જોગવાઈ સહિત ભરણપોષણ, સંતાનોની કસ્ટડી અને મિલકત વહેંચણીના મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા છે.

ખાસ નોંધપાત્ર બાબત તરીકે લિવ-ઇન રિલેશનશિપને પણ કાયદાકીય માન્યતા આપતી જોગવાઈઓ કરવામાં આવી છે. આવા સંબંધોની નોંધણી માટે પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે તેમજ આવા સંબંધોમાંથી જન્મેલા બાળકોના હકોને સુરક્ષા આપવામાં આવી છે. સાથે જ સંબંધ સમાપ્ત કરવાની પ્રક્રિયા અને ભરણપોષણ અંગેના નિયમો પણ સામેલ કરવામાં આવ્યા છે.
વિધેયકમાં અપીલ, અમલ અને નિયમો ઘડવાની સત્તા રાજ્ય સરકારને આપવામાં આવી છે તેમજ કાયદાના અમલ દરમિયાન આવતી મુશ્કેલીઓને દૂર કરવા માટે વિશેષ જોગવાઈઓ પણ સમાવાઈ છે.
આ વિધેયક આગામી સપ્તાહે વિધાનસભામાં ચર્ચા માટે હાથ પર લેવાશે.આ રીતે “ગુજરાત સમાન નાગરિક સંહિતા વિધેયક, ૨૦૨૬” રાજ્યમાં વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા લાવવાના દિશામાં એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે, જેનાથી કાનૂની પ્રક્રિયામાં સરળતા સાથે સમાજમાં સમાનતા અને ન્યાયને વધુ મજબૂત બનાવવાનો માર્ગ ખુલશે.

Most Popular

To Top