Trending

Zomato પર ઓર્ડર કરવો હવે વધુ મોંઘો: પ્લેટફોર્મ ફીમાં વધારો

જો તમે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા માટે Zomatoનો ઉપયોગ કરો છો, તો હવે તમને થોડો વધારે ખર્ચ સહન કરવો પડશે. કંપનીએ પોતાની પ્લેટફોર્મ ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે દરેક ઓર્ડર પર ગ્રાહકોને અગાઉ કરતાં વધુ રૂપિયા ચૂકવવા પડશે. Zomatoએ પ્રતિ ઓર્ડર પ્લેટફોર્મ ફીમાં લગભગ 2.40 રૂપિયાનો વધારો કર્યો છે. અગાઉ આ ફી GST પહેલાં 12.50 રૂપિયા હતી, જેને હવે વધારીને 14.90 રૂપિયા કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ ચાર્જ દરેક ઓર્ડર પર લાગુ થશે, એટલે કે તમે દિવસમાં એક ઓર્ડર કરો કે અનેક, દરેક વખતે આ વધારાનો ખર્ચ લાગશે. નોંધનીય છે કે સપ્ટેમ્બર 2025માં પણ કંપનીએ આ ફીમાં વધારો કર્યો હતો. Zomatoની હરીફ કંપની Swiggy પણ હાલમાં ટેક્સ સહિત લગભગ 14.99 રૂપિયા પ્રતિ ઓર્ડર પ્લેટફોર્મ ફી વસૂલે છે. સામાન્ય રીતે બંને કંપનીઓના પ્રાઇસિંગ ટ્રેન્ડ એકસરખા રહે છે, તેથી ગ્રાહકો માટે વિકલ્પોમાં ખાસ ફરક દેખાતો નથી.

બીજી તરફ, માર્કેટમાં નવા ખેલાડી તરીકે Rapidoએ પણ એન્ટ્રી કરી છે. કંપનીએ બેંગલુરુમાં ‘Only’ નામની નવી ફૂડ ડિલિવરી સર્વિસ શરૂ કરી છે અને દાવો કર્યો છે કે તેઓ ડિલિવરી ફી સિવાય કોઈ વધારાનો પ્લેટફોર્મ ચાર્જ નહીં લે. આ કારણે ભવિષ્યમાં સ્પર્ધા વધવાની શક્યતા છે. કંપનીઓ દ્વારા કરવામાં આવેલા આ વધારાના પાછળના કારણોમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ડિલિવરી ઓપરેશનનો વધતો ખર્ચ જવાબદાર માનવામાં આવે છે. પરંતુ સતત વધી રહેલી પ્લેટફોર્મ ફી ગ્રાહકો માટે ચિંતાનો વિષય બની રહી છે. કારણ કે હવે ફૂડના બિલમાં ફૂડ પ્રાઈસ, ટેક્સ અને ડિલિવરી ચાર્જ સાથે આ વધારાની ફી પણ ઉમેરાતા કુલ ખર્ચ નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. આ રીતે, ઘરે બેસીને ખાવાનું મંગાવવાની સુવિધા હવે વધુ સુલભ તો છે, પરંતુ તેની કિંમત પણ ધીમે ધીમે વધી રહી છે.

Most Popular

To Top