પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલો, એક્ટિવા પર ઘરે જઈ રહેલી મહિલાને નિશાન બનાવી લૂંટ
વડોદરા:
વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નવનાથ સોસાયટી પાસે સૂર્યાસ્ત સમયે લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવી છે. હોસ્પિટલથી પોતાનું એક્ટિવા લઈને ઘરે જઈ રહેલી એક મહિલાને બાઈક સવાર બે તસ્કરોએ નિશાન બનાવી તેના હાથમાંથી પર્સ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.
.
માહિતી મુજબ બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પોતાની ઓળખ છુપાવવા મોઢા પર રૂમાલ બાંધ્યા હતા. મહિલાનું એક્ટિવા ચાલતું હોવા છતાં તસ્કરોએ ચાલતા વાહન પરથી જ તેના હાથમાંથી પર્સ ઝૂંટવી લીધો અને પલવારમાં સ્થળ પરથી ભાગી ગયા હતા.
પર્સમાં રોકડ અને દસ્તાવેજો, સીસીટીવીના આધારે તપાસ
ઝૂંટવાયેલા પર્સમાં રોકડ રકમ ઉપરાંત મહત્વના દસ્તાવેજો પણ હોવાની માહિતી મળી છે. ઘટનાને લઈને ગોત્રી વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં ગોત્રી વિસ્તારમાં બાઈક ચોરી અને લૂંટફાટની ઘટનાઓમાં વધારો થવા પામ્યો હોવાના કારણે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે અને પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
હાલમાં ગોત્રી પોલીસે આ મામલે ગુનો નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.