( પ્રતિનિધિ )વડોદરા,તા.15
વડોદરા શહેરમા લોકોને ગરમીથી આંશિક રાહત થઈ છે. રવિવારે મહત્તમ તાપમાન 36.5 ટકા અને લઘુત્તમ તાપમાન 21.2 ટકા સાથે સવારે હવામાં ભેજનું પ્રમાણ 54 ટકા અને સાંજે 23 ટકા નોંધાયું હતું. છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. વડોદરા સહિતના રાજ્યના મોટા શહેરોમાં હાલ તાપમાન 36 થી 38 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં ગરમી વધતી જાય છે, પરંતુ આ વખતે વાતાવરણમાં બદલાતા તાપમાન થોડું ઓછું રહેવાની શક્યતા છે. જોકે બપોરના સમયે ગરમીનો અહેસાસ હજુ પણ યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે તેમજ પવનની દિશામાં ફેરફાર થવાની શક્યતા છે. જેના કારણે દિવસ દરમિયાન તાપમાનમાં થોડી રાહત મળી શકે છે. આ સાથે જ 18મીથી 20મી માર્ચ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. વડોદરામાં આગામી 19 માર્ચે વીજળી અને જોરદાર પવન સાથે વાવાઝોડું 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.