મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધના તણાવની અસર હવે સુરત શહેરના ઉદ્યોગો અને શ્રમિકોના રોજિંદા જીવન પર પણ દેખાવા લાગી છે. ખાસ કરીને વીવિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા પરપ્રાંતીય શ્રમિકો માટે રસોઈ ગેસની અછત ગંભીર સમસ્યા બની ગઈ છે. ગેસ સિલિન્ડરની તંગી અને કાળા બજારના કારણે ઘણા શ્રમિકો હવે કોરોનાકાળ જેવી સ્થિતિ ઉભી ન થાય તે પહેલાં જ પોતાના વતન તરફ રવાના થવા લાગ્યા છે. રવિવારે સુરત અને ઉધના રેલવે સ્ટેશનો પર મોટી સંખ્યામાં શ્રમિકો પોતાના ગામ તરફ જવા માટે ભેગા થતા જોવા મળ્યા હતા. ટ્રેનમાં બેઠકો મેળવવા માટે સ્ટેશનો પર લાંબી લાઈનો લાગી ગઈ હતી. ખાસ કરીને સવારે ઉધના-દાનાપુર ટ્રેન અને તાપ્તી ગંગા ટ્રેનમાં ભારે ભીડ જોવા મળી હતી. શ્રમિકોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે આશરે 1200 રૂપિયામાં મળતો ગેસ સિલિન્ડર હવે કાળા બજારમાં 2500થી 3000 રૂપિયાના ભાવે પણ સરળતાથી મળતો નથી. છેલ્લા લગભગ 15 દિવસથી ગેસની તંગી વધી ગઈ હોવાથી રસોઈ બનાવવી પણ મુશ્કેલ બની ગઈ છે. આ પરિસ્થિતિને કારણે અનેક શ્રમિકોએ સુરતમાં રહેવા કરતાં પોતાના ગામે પરત જવાનું વધુ યોગ્ય માન્યું છે.
ગેસની અછત વચ્ચે કેટલાક લોકો તકનો લાભ લઈ કાળા બજારમાં ઊંચા ભાવે સિલિન્ડર વેચી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ કોરોનાકાળ દરમિયાન જેમ કામદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તેવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે ઘણા શ્રમિકો વતન તરફ જઈ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલની પરિસ્થિતિને જોતા લગભગ 50 ટકા જેટલા કામદારો સુરત છોડીને પોતાના ગામ તરફ જવા લાગ્યા છે. બીજી તરફ યાર્નના ભાવમાં પણ અલગ-અલગ ડેનિયરમાં 30થી 40 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે વીવિંગ ઉદ્યોગ ચલાવવો પણ મુશ્કેલ બન્યો છે. ઉદ્યોગ સંસ્થાઓએ જણાવ્યું છે કે ગેસની અછત અને વધતા ખર્ચ વચ્ચે કારખાનાઓ ચલાવવી મુશ્કેલ બની રહી છે. આ મુદ્દે તેઓ જિલ્લા કલેક્ટરને લેખિત તેમ જ મૌખિક રજૂઆત કરવાની તૈયારીમાં છે. તેમની માંગ છે કે ઉદ્યોગોને મળતા ગેસના કોટામાંથી કામદારોને પણ પૂરતો ગેસ પુરવઠો કરવામાં આવે, જેથી શ્રમિકોનું જીવનયાપન ચાલુ રહી શકે અને ઉદ્યોગો પણ સ્થિર રીતે કાર્યરત રહી શકે. ઉદ્યોગકારોએ સરકારને કાળા બજાર સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે, જેથી વધતા ભાવ અને ગેસની અછત વચ્ચે શ્રમિકો અને ઉદ્યોગોને રાહત મળી શકે.