Entertainment

‘ટટીરી’ ગીતે વધાર્યો વિવાદ: લોરેન્સ ગેંગની ધમકી વચ્ચે બાળ અધિકાર આયોગની નોટિસ

બોલિવૂડના જાણીતા રેપર Badshah હાલ તેમના નવા ગીત ટટીરી’ને લઈને ભારે વિવાદમાં ફસાયા છે. ગીત રિલીઝ થયા પછી તેની સામગ્રી અને રજૂઆતને લઈને અનેક ફરિયાદો નોંધાઈ છે. હવે આ મામલે તેમને લોરેન્સ ગેંગ તરફથી ધમકી મળી હોવાનું કહેવાઈ રહ્યું છે, તો બીજી તરફ હરિયાણા બાળ અધિકાર સંરક્ષણ આયોગે પણ નોટિસ જારી કરી છે. હરિયાણાના પાણીપતમાં શનિવારે એક મની એક્સચેન્જ સેન્ટર પર ફાયરિંગની ઘટના બની હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર રણદીપ મલિકના નામથી એક પોસ્ટ વાયરલ થઈ, જેમાં આ ફાયરિંગની જવાબદારી લેવાનો દાવો કરવામાં આવ્યો હતો. પોસ્ટમાં ‘ટટીરી’ ગીતને લઈને બાદશાહને ધમકી આપવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમાં લખાયું હતું કે રેપર હરિયાણાની સંસ્કૃતિને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેને ગોળી મારવાની ચેતવણી આપવામાં આવી હતી. ‘જો તમે હરિયાણાની સંસ્કૃતિને બગાડશો તો તેના પરિણામો ખરાબ આવશે, અને ગોળી સીધી માથા પર મારીશું, આ પોસ્ટની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

બીજી તરફ, ‘ટટીરી’ ગીતને લઈને હરિયાણા બાળ અધિકાર સંરક્ષણ આયોગે બાદશાહ તેમ જ ગીતના મેકર્સને નોટિસ મોકલી છે. આયોગે તેમને 7 દિવસની અંદર પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું છે. આયોગના જણાવ્યા મુજબ ગીતના વીડિયોમાં શાળાના વિદ્યાર્થીઓને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે અને કેટલાક દ્રશ્યો વિદ્યાર્થીઓમાં અનુશાસનહીન વર્તનને પ્રોત્સાહન આપતા દેખાય છે. આયોગે ખાસ કરીને ત્રણ મુદ્દાઓ પર વાંધો વ્યક્ત કર્યો છે. પ્રથમ, વીડિયોમાં કલાકારોને સ્કૂલ યુનિફોર્મમાં બતાવવામાં આવ્યા છે, જેને શૈક્ષણિક સંસ્થાની ગરિમા સાથે જોડાયેલો મુદ્દો માનવામાં આવે છે. બીજું, કેટલાક દ્રશ્યોમાં વિદ્યાર્થીનીઓને સ્કૂલ બેગ ફેંકતી અને અભ્યાસ પ્રત્યે ઉદાસીન બતાવવામાં આવી છે. ત્રીજું, વીડિયોમાં બાળકોને ચાલતી બસમાં નાચતા અને જોખમી સ્ટંટ કરતા દર્શાવવામાં આવ્યા છે, તેમ જ ગીતમાં અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.

આ ઉપરાંત, હરિયાણા રાજ્ય મહિલા આયોગે પણ આ ગીતને લઈને કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદોના આધારે બાદશાહને સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ નિર્ધારિત દિવસે હાજર રહ્યા નહોતા. ત્યારબાદ આયોગે પોલીસને તેમની ધરપકડ અને પાસપોર્ટ જપ્ત કરવાની દિશામાં પગલાં લેવા સૂચના આપી હતી, જેથી તેઓ દેશ છોડીને બહાર ન જઈ શકે. ‘ટટીરી’ ગીત 1 માર્ચે રિલીઝ થયું હતું અને તેમાં હરિયાણવી ફોક ગીતનું રેપ વર્ઝન રજૂ કરવામાં આવ્યું છે. ગીત રિલીઝ થયા બાદ થોડા દિવસોમાં જ તેની સામગ્રીને લઈને વિવાદ શરૂ થયો અને વિવિધ સંગઠનો દ્વારા મહિલા આયોગ તેમ જ બાળ સંરક્ષણ આયોગ પાસે ફરિયાદો કરવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે. બાદશાહ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તે જોવું રહ્યું.

Most Popular

To Top