National

ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, બજાર બંધ થયા બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત

દેશની અગ્રણી એરલાઇન ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશને કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પીટર એલ્બર્સના રાજીનામાની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડની 10 માર્ચ, 2026ની બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. મંગળવારે શેરબજાર બંધ થયા પછી કંપનીએ સત્તાવાર રીતે માહિતી આપી કે પીટર એલ્બર્સે પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે. કંપનીએ જણાવ્યું કે નવા સીઇઓની નિમણૂક થાય ત્યાં સુધી ઇન્ડિગોના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયા વચગાળાના ધોરણે એરલાઇનની મેનેજમેન્ટ જવાબદારી સંભાળશે. એક્સચેન્જમાં સબમિટ કરાયેલા પોતાના રાજીનામા પત્રમાં પીટર એલ્બર્સે વ્યક્તિગત કારણોસર પદ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. તેઓ સપ્ટેમ્બર 2022થી ઇન્ડિગોના સીઇઓ તરીકે કાર્યરત હતા.

પીટર એલ્બર્સના કાર્યકાળ દરમિયાન ઇન્ડિગોએ નોંધપાત્ર વિસ્તરણ કર્યું હતું. તેમની આગેવાનીમાં કંપનીની આવક 10 ડોલર બિલિયનને પાર પહોંચાડી હતી, તેમ જ એરલાઇનનો કાફલો 440થી વધુ વિમાનો સુધી વધ્યો અને કંપનીએ 500 એરબસ A320 ફેમિલી એરક્રાફ્ટ માટે મોટો ઓર્ડર પણ આપ્યો હતો. તેમ છતાં છેલ્લા કેટલાક સમયથી એરલાઇનને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો હતો. ઇરાન સાથે ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક સ્તરે વધતા તેલના ભાવથી ઉડ્ડયન ક્ષેત્ર પર ખર્ચનો દબાણ વધી રહ્યો છે. થોડા મહિના પહેલા ઇન્ડિગોને ફ્લાઇટ સંચાલનમાં ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેમાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. આ પરિસ્થિતિએ કંપનીના ત્રીજા ત્રિમાસિક પરિણામોને અસર કરી હતી અને ઇન્ટરગ્લોબ એવિએશનનો નફો વર્ષ દરવર્ષ 77%થી વધુ ઘટ્યો હતો.

ડિસેમ્બર મહિનામાં બનેલી એક મોટી ઓપરેશનલ કટોકટી દરમિયાન 3થી 5 ડિસેમ્બર વચ્ચે ઇન્ડિગોએ 2,500થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી અને લગભગ 1,900 ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો, જેના કારણે 300,000થી વધુ મુસાફરોને મુશ્કેલી પડી હતી. આ મામલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ એરલાઇન પર 222 મિલિયનનો રેકોર્ડ દંડ ફટકાર્યો હતો અને પીટર એલ્બર્સને કારણ બતાવો નોટિસ પણ જારી કરી હતી. હાલમાં કંપની નવા સીઇઓની શોધમાં છે અને ત્યાં સુધી રાહુલ ભાટિયા કંપનીનું સંચાલન સંભાળશે.

Most Popular

To Top