18 મહિનામાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય; સોલાર રૂફટોપ, બેબી પૂલ અને આધુનિક જીમ જેવી સુવિધાઓથી સજ્જ હશે નવું નજરાણું
વડોદરા: મહાનગરપાલિકા દ્વારા શહેરના દક્ષિણ વિસ્તારના નાગરિકો અને રમતવીરો માટે એક મહત્વના પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. માંજલપુર વિસ્તારમાં સ્મશાનની સામે આવેલા પ્લોટમાં આશરે ₹14 કરોડ GST સાથે ના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક સ્વિમિંગ પૂલના કામનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ આગામી 18 મહિના માં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે, જે પૂર્ણ થતા જ દક્ષિણ વડોદરાના રમતપ્રેમીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઘરઆંગણે મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગતરોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની વર્તમાન બોર્ડની ટર્મ પૂર્ણ થવાના આરે છે, ત્યારે પાલિકા દ્વારા શહેરના વિકાસ માટે સ્થાયી સમિતિમાં મંજૂર કરાયેલા 57 જેટલા કામો પૈકી આ એક મહત્વનું કામ છે. આજે આ કામગીરીના શુભારંભ પ્રસંગે ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્વિમિંગ પૂલની સૌથી મોટી વિશેષતા તેની સાઈઝ અને ડિઝાઈન છે. 25 x 50 નો આ પૂલ સંપૂર્ણપણે ‘ઓલિમ્પિક સાઈઝ’નો હશે, જે રમતવીરોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં મદદરૂપ થશે. આ પૂલની ઉપર સોલાર રૂફટોપ લગાવવામાં આવશે અને તે સંપૂર્ણપણે કવર્ડ હશે, જેથી તમામ ઋતુઓમાં તેનો ઉપયોગ થઈ શકશે. નાના બાળકો માટે અલગથી ‘બેબી સ્વિમિંગ પૂલ’ પણ બનાવવામાં આવશે જેથી તેઓ સુરક્ષિત રીતે સ્વિમિંગ શીખી શકે.
સ્વિમિંગ પૂલની સાથે સાથે અહીં અનેક આનુષંગિક સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. જેમાં સ્ત્રી-પુરુષો માટે અલગ ચેન્જિંગ રૂમ, શાવર રૂમ, લોકર રૂમ, આધુનિક ઓફિસ અને પંપ રૂમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બિલ્ડિંગની અગાસી પર ઓપન ટેરેસની વ્યવસ્થા કરાશે જ્યાં નાગરિકો યોગ અને અન્ય કસરતો કરી શકશે. રમતવીરો માટે ખાસ જીમ ની સુવિધા પણ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
માંજલપુર વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યા બાદ લાંબા સમયથી સ્વિમિંગ પૂલની માંગ કરવામાં આવી રહી હતી. ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી માત્ર માંજલપુર જ નહીં પરંતુ આસપાસના અન્ય વિસ્તારોના નાગરિકોને પણ મોટો લાભ થશે. મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લે ઉમેર્યું કે, વડોદરાના ચારેય ઝોનમાં એક-એક આધુનિક સ્વિમિંગ પૂલ બનાવવાની પાલિકાની યોજનાના ભાગરૂપે આ કામગીરી હાથ ધરાઈ છે, જે વડોદરાના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈ પર લઈ જશે.