ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “Shaping Tomorrow’s Cities – From Climate Risk to Green Opportunities” પુસ્તકનું વિમોચન કર્યું. વિશ્વમાં ઝડપથી વધી રહેલા શહેરીકરણના સમયમાં સસ્ટેનેબલ, ક્લાયમેટ રિઝિલિયન્ટ અને ઇનોવેટિવ શહેરોના વિકાસ માટેની તકોને આ પુસ્તકમાં વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવી છે. આધુનિક સમયમાં શહેરીકરણ વિશ્વની સૌથી પરિવર્તનકારી પ્રક્રિયા બની ગયું છે. પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે કે શહેરીકરણને માત્ર સમસ્યા તરીકે નહીં પરંતુ ટકાઉ વિકાસ માટેની મોટી તક તરીકે જોવાની જરૂર છે. યોગ્ય આયોજન, ટેકનોલોજી અને નીતિ દ્વારા શહેરોને ગ્રીન અને સસ્ટેનેબલ બનાવી શકાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શહેરીકરણના પડકારોને વિકાસના અવસરમાં ફેરવવાના વિઝનને પણ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યું છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી શાલિની અગ્રવાલે વિશ્વના વિવિધ દેશોમાં થતા અર્બન ડેવલપમેન્ટના અનુભવના આધારે ભવિષ્યના શહેર વિકાસનું દૃષ્ટિકોણ પુસ્તકમાં રજૂ કર્યું છે. વધતા શહેરીકરણને કારણે પર્યાવરણ અને સામાજિક પડકારો ઊભા થઈ શકે છે, જેના માટે આગોતરા આયોજન અને અસરકારક નીતિ નિર્માણ જરૂરી હોવાનું પુસ્તકમાં જણાવાયું છે. સાથે જ એનર્જી ડિમાન્ડ, રિસોર્સ કન્ઝમ્પશન અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન વધવાના કારણે સર્જાતી ક્લાયમેટ ચેન્જની સમસ્યાઓના ઉકેલ માટેના વિચારો પણ તેમાં સમાવાયા છે.
ભારતમાં પણ શહેરીકરણ ઝડપથી વધી રહ્યું છે અને 2047 સુધીમાં તેમાં મોટા પ્રમાણમાં વધારો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આર્થિક વિકાસમાં શહેરોની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહેશે. વધતા શહેરીકરણને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગ, પાણી અને અન્ય મૂળભૂત સેવાઓ પર વધતા ભારને ધ્યાનમાં રાખીને શહેરોના સુવ્યવસ્થિત આયોજન અને ટકાઉ વિકાસની જરૂરિયાત પર પુસ્તકમાં વિશેષ ભાર મૂકાયો છે. સાથે સાથે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ફંડિંગના વિવિધ વિકલ્પો પણ પુસ્તકમાં દર્શાવવામાં આવ્યા છે. ક્લાયમેટ રિઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગ્રીન બોન્ડ, પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ, કાર્બન માર્કેટ અને ક્લાયમેટ ફાઇનાન્સ જેવા સાધનો દ્વારા મોટું રોકાણ મેળવવાની સંભાવનાઓ અંગે પણ તેમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. પુસ્તકમાં એ પણ જણાવાયું છે કે શહેરો સમસ્યાઓનું કારણ નથી, પરંતુ સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પડકારોના ઉકેલ માટેનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની શકે છે. યોગ્ય આયોજન અને સસ્ટેનેબલ નીતિઓ દ્વારા શહેરોને વિકાસના કેન્દ્ર અને ગ્રીન ફ્યુચરના આધારસ્તંભ તરીકે વિકસાવી શકાય છે.