જીવનમાં ક્યારેક મનુષ્યને એમ લાગે છે કે તેને પોતાની શ્રેષ્ઠતા પ્રદર્શિત કરવાની તક મળતી નથી. તેથી તે ક્યારેક નિરાશાની ગર્તામાં ડૂબી જાય છે; પરંતુ મનુષ્યએ ત્યારે તે સમયે નિરાશામાં ડૂબી જવા કરતાં પોતાનો અભ્યાસ, પ્રયાસો નિયમિત અને સાતત્યપૂર્ણ રીતે ચાલુ રાખવા જોઈએ અને પોતાની નિપુણતા જાળવી રાખવી જોઈએ.બની શકે કે કુદરત તેની નિપુણતા બહાર લાવવાનો કોઈ મોટો અવસર પ્રદાન કરવાના હોય! કંઈક આવું જ આપણને વેસ્ટ ઈન્ડિઝ સામેની ભારતીય ટીમની ટી-20 ક્રિકેટ મેચમાં જોવા મળ્યું, જેમાં લાંબા અંતરાલ બાદ એક ખેલાડીને તક મળી અને એ તકને ઝીલી લઈ પોતાની શ્રેષ્ઠતા સાથે એ ખેલાડીએ ભારતીય ટીમને જીત અપાવી,જે ક્રિકેટના ઇતિહાસમાં વર્ષો વર્ષ યાદ રાખવામાં આવશે ! અને તેથી જ વર્તમાનમાં જો કોઈ તક ન મળે, તો કુદરત ઉપર શ્રદ્ધા રાખી મનમાં કહેવું ,મેરા નંબર આયેગા.
સુરત – દિપ્તી ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આપણી નબળાઇને ઉઘાડી ન પાડો!
ચાલશે, ભાવશે, ગમશે, દોડશે આ આપણી નબળાઇને આપ,ણે જાતે જ ઉઘાડી પાડીએ છીએ. આપણે હજી ગાંધીજી સાથે સરખામણી ન કરવી જોઇએ. એક ગાલ પર તમાચો પડ્યો અને બીજો ગાલ ધરી દવો એ આપણી ગેરસમજ છે કે પછી વિવેક બુધ્ધિનો અભાવ. ક્યારેક આપણી સમજશક્તિના અભાવે મિત્રો સ્નેહિઓ, કર્મચારીઓ આપણી નબળાઇ સમજીને ગેરલાભ ઉઠાવે છે. સમય સંજોગો સમજી અને વિચારીને વિવેક બુધ્ધિનો ઉપયોગ થશે.
અડાજણ – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.