Kalol

પોલીસને બાતમી કેમ આપી?” કહી યુવક પર જીવલેણ હુમલો

ઘૂસર રોડ વિસ્તારમાં બે ઈસમોએ ગડદા-પાટુનો માર મારી મોબાઈલ તોડી નાખ્યો
વેજલપુર પોલીસ મથકે ફરિયાદ, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી

કાલોલ:
કાલોલના ઘૂસર રોડ વિસ્તારમાં પોલીસને બાતમી આપવાના શંકા આધારે ૧૯ વર્ષીય યુવક પર હુમલો કરવાના મામલે વેજલપુર પોલીસ મથકે બે ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઘૂસર રોડ વિસ્તારમાં રહેતા ફૈઝાન ફારુક ખુંધા (ઉં.વ. ૧૯) દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત ગુરુવારની રાત્રે આશરે ૧૦:૩૦ વાગ્યે તેઓ ઘૂસર રોડ પર આવેલી ચાઈનીઝ લારી પાસે ઊભા હતા. તે સમયે લુકમાન ઉર્ફે નન્નુ ઈશાક પાડવાનો ફોન આવ્યો હતો અને હારુનભાઈના ખેતર પાસે બોલાવ્યા હતા.
ફૈઝાન ત્યાં પહોંચતા લુકમાન ઉર્ફે નન્નુ અને મોહસીન ઈશાક પાડવા હાજર હતા. બંનેએ “ગાયો ઉતારવાની બાબતે પોલીસને અમારી બાતમી કેમ આપી?” તેમ કહી ગાળો બોલી હતી. બાદમાં લુકમાને ગડદા-પાટુનો માર માર્યો હતો. જ્યારે મોહસીને ફરિયાદીને જમીન પર પાડી છાતીના ભાગે બેસી જઈ ઢોર માર માર્યો હતો.
આ ઉપરાંત આરોપીઓએ ફરિયાદીનો મોબાઈલ જમીન પર પછાડી તોડી નાખ્યો હતો. ફરિયાદીએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા અને તેને છોડાવ્યો હતો. ત્યારબાદ બંને આરોપીઓએ ફરી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સમગ્ર મામલે ફૈઝાન ખુંધા દ્વારા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top