Vadodara

બોર્ડની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ : વિદ્યાર્થીઓએ બેઠક વ્યવસ્થા નિહાળી

( પ્રતિનિધિ )વડોદરા,તા.25

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવાર 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે પરીક્ષાના આગલા દિવસે વિદ્યાર્થીઓએ પોતાના પરીક્ષા કેન્દ્ર પર પોતાના વાલીઓ સમેત બેઠક વ્યવસ્થા નિહાળી હતી. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડની આવતીકાલે ગુરુવારથી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પણ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી ગઈ છે. બીજી તરફ શહેર પોલીસ કમિશનર દ્વારા પણ જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું હતું. આ ઉપરાંત એસટી વિભાગ એમજીવીસીએલ સહિત સંબંધિત વિભાગોને પણ વ્યવસ્થાઓ જાળવવા અંગે બોર્ડ દ્વારા સૂચના આપી દેવાઈ હતી. શહેર અને જિલ્લામાંથી ધોરણ 10 અને 12 ના 72,668 વિદ્યાર્થીઓ 267 પરીક્ષા કેન્દ્રોના 2,572 બ્લોકમાં પરીક્ષા આપશે. દર વર્ષે પરીક્ષાના પ્રારંભ થવાના આગલા દિવસથી એટલે કે, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે વિદ્યાર્થીઓને વાલીઓની મદદ તેમજ તેમના માર્ગદર્શન અર્થે કંટ્રોલરૂમનો પ્રારંભ કરવામાં આવે છે. આ વર્ષે પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આજથી કંટ્રોલરૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં સવારના આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી વિદ્યાર્થી અને વાલીઓ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી મુશ્કેલી અને મૂંઝવણ સંદર્ભે માર્ગદર્શન મેળવી શકશે. આ સેવા આગામી 18 મી માર્ચ એટલે કે પરીક્ષા પૂરી થવા સુધી ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત બીમાર કે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ પરીક્ષા સારી રીતે આપી શકે તે માટે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને લહીયાની સુવિધા આપવામાં આવી છે. ધોરણ 10 માં 30 અને ધોરણ 12 ના 14 એમ મળીને કુલ 44 વિદ્યાર્થીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની સમક્ષ એક વિધિસરની અરજી કરી લહિયાની સુવિધાની માંગણી કરી હતી. જે વિદ્યાર્થીઓએ આ અરજી કરી હતી. એ તમામ વિદ્યાર્થીઓને લહિયાની સુવિધા આપવામાં આવી છે. ગુરૂવારથી પરીક્ષાઓનો પ્રારંભ થતો હોય ત્યારે, તેના આગલા દિવસે બુધવારે વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા અને પોતાની બેઠક વ્યવસ્થા નિહાળી હતી. જ્યારે બીજી તરફ વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે પ્રથમ વખત પરીક્ષા આપનાર બોર્ડના વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે ખાસ પ્રકારના આયોજન પણ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top