કાલે પૂનમ ભદોરિયાની જામીન અરજી પર સુનાવણી
સુરતમાં ચર્ચાસ્પદ બનેલા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મહત્વપૂર્ણ કાનૂની પ્રક્રિયા આગળ વધી રહી છે. આ કેસમાં જેલમાં કેદ પૂનમ ભદોરિયા દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે. કોર્ટે આ અરજી પર સુનાવણી આવતીકાલે ગુરુવારના રોજ હાથ ધરવાનું નક્કી કર્યું છે.માહિતી મુજબ, પૂનમ ભદોરિયાએ પોતાની જામીન અરજી સાથે મહત્વના પુરાવા પણ રજૂ કર્યા છે. જેમાં તુષાર ઘેલાણી સાથેની વ્હોટ્સએપ ચેટ્સ, વિદેશ પ્રવાસ દરમિયાન ખેંચાયેલી તસ્વીરો સહિતના દસ્તાવેજો સામેલ છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને વચ્ચે વર્ષોથી નજીકના સંબંધો હતા અને આ સંબંધોને સાબિત કરતા પુરાવા કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે બિલ્ડર તુષાર ઘેલાણીએ ૩૧ જાન્યુઆરીની રાત્રે પાર્લે પોઈન્ટ વિસ્તારની સંગમ સોસાયટીમાં પોતાના નિવાસસ્થાને ગોળી મારી આપઘાત કર્યો હતો. આ ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી હતી.પરિવારજનો દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે પૂનમ ભદોરિયાએ વર્ષોથી તુષાર પર ધાકધમકી અને બ્લેકમેલિંગ કરીને માનસિક દબાણ બનાવ્યું હતું, જેના કારણે તેમણે આ કઠોર પગલું ભર્યું.
પોલીસ તપાસ દરમિયાન તુષાર ઘેલાણીની દીકરીએ પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. પોલીસને આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે વેસુ સ્થિત દંપતીની પ્રાયમરી સ્કૂલનું મેનેજમેન્ટ સંભાળતી પૂનમ ભદોરિયાએ સંબંધ જાહેર કરવાની ધમકી આપીને સ્કૂલમાં ૫૦ ટકા ભાગીદારીનો કરાર કરાવ્યો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે કોઈ રોકાણ કર્યા વગર વર્ષ ૨૦૧૮થી ૨૦૨૪ દરમિયાન પૂનમ ભદોરિયાએ પગાર સિવાય અંદાજે ૧.૩૭ કરોડ રૂપિયાથી વધુ રકમ મેળવી હતી.

આ ઉપરાંત વેસુ વિસ્તારમાં આવેલ જોલી આર્કેડની ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એલ-૧૫ અને એલ-૧૬ નંબરની દુકાનોના દસ્તાવેજો પણ પૂનમ ભદોરિયાના નામે કરાવવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી હતી. પોલીસને મળેલી માહિતી મુજબ આ દસ્તાવેજો પણ આરોપી પાસે હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો અને પૂનમ ભદોરિયાની ધરપકડ કરી હતી. હાલ તેઓ જેલમાં છે. હવે તેમની જામીન અરજી પર આવતીકાલે સેશન્સ કોર્ટમાં થનારી સુનાવણી પર સૌની નજર છે.