ગાંધીનગર: રાજ્યમાં બજેટની રકમ અને દેવાની રકમ વચ્ચે વિકાસની રેસ લાગી છે. બજેટ કહે હું મોટું, તો રાજ્યનું દેવું કહે હું મોટું, એમ કહી સરકારની નાણાકીય નીતિ પર કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે સવાલો ઊભા કર્યા હતા.
વિધાનસભામાં પૂરક માંગણીઓ પરની ચર્ચા દરમિયાન પરમારે જણાવ્યું હતું કે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ અને હિસાબની રકમ બાદ રાજ્ય સરકાર પર રૂ. 15,798.69 કરોડનું વધારાનું ભારણ આવવાનું છે. રાજ્યમાં “બજેટ અને દેવા વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.
વર્ષ 2025-26માં રૂ. 2,36,332 કરોડના વિકાસલક્ષી ખર્ચ સામે રાજ્ય સરકારે રૂ. 1,14,812 કરોડનો બિન વિકાસલક્ષી ખર્ચ કર્યો છે. સામાજિક-આર્થિક સમીક્ષા મુજબ વર્ષ 2023-24માં રાજ્યનો વિકાસ દર 9.2 ટકા હતો, જે વર્ષ 2025-26માં ઘટીને 8.3 ટકા થયો છે, એટલે કે આશરે 1 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો સરકારની નિષ્ફળતા દર્શાવે છે.
શૈલેષ પરમારે રાજ્ય સરકારની નાણાકીય નીતિ પર આકરા પ્રહારો કરતા વધુમાં કહ્યું હતુ કે વર્ષ 2023-24માં રૂ. 25,557 કરોડની ગ્રાન્ટ મળતી હતી, જે વર્ષ 2024-25માં ઘટીને રૂ. 14,127 કરોડ થઈ છે. આમ, રૂ. 11,460 કરોડનો ઘટાડો થયો છે. “ડબલ એન્જિન સરકાર”ની વાતો વચ્ચે ગુજરાત સાથે અન્યાય થઈ રહ્યો છે.
વર્ષ 2020-21ના તૌકતે વાવાઝોડા સમયે રૂ. 3,277 કરોડની માંગણી સામે ફક્ત રૂ. 1,113 કરોડ મંજૂર થયા હતા. વર્ષ 2022-23ના પૂરમાં રૂ. 152 કરોડ સામે રૂ. 82.53 કરોડ અને વર્ષ 2023-24ના વાવાઝોડા સમયે રૂ. 704 કરોડ સામે રૂ. 338.24 કરોડની સહાય મંજૂર થઈ હતી. કુલ રૂ. 4,133 કરોડની માંગણી સામે ફક્ત રૂ. 1,533 કરોડની સહાય મળતાં કેન્દ્ર પૂરતી મદદ કરતું નથી, એવો આક્ષેપ તેમણે કર્યો.