યુવતીને ગામની બહાર જંગલ વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું
યુવતીની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી
નસવાડી :
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના એક ગામમાં બનેલી અતિ હૃદયવિદારક ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. માનસિક રીતે અસ્વસ્થ એક યુવતીને ગામની બહાર જંગલ વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. હાલ યુવતીની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગામની મહિલા સરપંચ અને તેમના પતિને જાણ મળી હતી કે ડુંગર વિસ્તારમાં એક મહિલાની લાશ પડી છે. આ જાણ થતાં સરપંચ, તેમના પતિ તથા ગામના કેટલાક લોકો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં એક મહિલા નગ્ન હાલતમાં પડી હતી. નજીક જઈ તપાસ કરતાં મહિલા હરકત કરતી હતી અને પાણી માંગી રહી હતી.
આ દૃશ્ય જોઈ સરપંચના પતિના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી, કારણ કે તે મહિલા તેમની સગી બહેન હતી. પીડિતા જીવિત હોવાનું જાણવા મળતાં તાત્કાલિક તેને સારવાર માટે નસવાડી લઈ જવામાં આવી, ત્યારબાદ રાજપીપળા અને અંતે તેની ગંભીર સ્થિતિને પગલે વડોદરા ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલુ છે.
આ ઘટનાની જાણ થતાં સમગ્ર ગામમાં ભારે રોષનો માહોલ છવાઈ ગયો હતો. જેમ જેમ ઘટના અંગે માહિતી ફેલાતી ગઈ તેમ તેમ લોકોમાં આરોપી સામે આક્રોશ વધતો ગયો. આજે મોટી સંખ્યામાં ગ્રામજનો નસવાડી પોલીસ સ્ટેશન પર એકત્રિત થયા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગ્રામજનો પોલીસ સ્ટેશનના પટાંગણમાં બેસી ગયા હતા, જેના કારણે થોડીવાર તણાવની સ્થિતિ સર્જાઈ હતી.
પોલીસે ગ્રામજનોને સમજાવીને જણાવ્યું હતું કે ઘટના અંગે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે, જેને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો હતો.
પરંતુ પીડિતાના પરિવારજનો, ખાસ કરીને પીડિતાનો ભાઈ, આક્ષેપ કરી રહ્યા છે કે આ ઘટના માત્ર એક વ્યક્તિ દ્વારા નહીં પરંતુ એકથી વધુ વ્યક્તિઓ દ્વારા સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) કરવામાં આવ્યું છે. આ મુદ્દે પોલીસ પણ હાલ તપાસના તબક્કે છે અને તમામ પાસાઓ પરથી તપાસ ચાલી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ માનવતાને શરમાવે તેવી ઘટનાએ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોલીસ તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે, પરંતુ હાલ સમગ્ર વિસ્તાર પીડિતાને ન્યાય મળવાની આશામાં રાહ જોઈ રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે તપાસમાં શું ખુલાસા થાય છે અને દોષિતો સામે કાયદેસર કેવી કાર્યવાહી થાય છે.
રિપોર્ટર: સર્વેશ મેમણ