SURAT

હોળી પહેલા જ ‘વ્હીલ્સ ઓફ’!સુરત-રાજસ્થાન 300 બસો બંધ, મુસાફરો અટવાયા

હોળી-ધૂળેટી પહેલા મુસાફરોને મોટો ઝટકો!

સુરતથી રાજસ્થાન જવાના હજારો મુસાફરો માટે ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. તહેવારની રજાઓ પહેલાં જ મુસાફરીના પ્લાન પર પાણી ફરી વળ્યું છે.રાજસ્થાન RTOની કથિત હેરાનગતિના વિરોધમાં સુરતના લક્ઝરી બસ સંચાલકોએ અચોક્કસ મુદ્દતની હડતાળ જાહેર કરી છે. પરિણામે સુરતથી રાજસ્થાન જતી 300થી વધુ બસો બંધ છે, અને હજારો મુસાફરો અનિશ્ચિતતામાં મુકાયા

APMC ગ્રાઉન્ડ બન્યું બસ પાર્કિંગ યાર્ડ: હાલ સુરતના APMC ગ્રાઉન્ડ ખાતે સેંકડો બસો ઊભી રાખવામાં આવી છે. સામાન્ય રીતે મુસાફરોની અવરજવરથી ગુંજતું સ્થળ આજે સૂનું અને નિસ્તેજ દેખાઈ રહ્યું છે.

300થી વધુ બસોના પૈડા થંભ્યા,એક બસ દીઠ એક લાખ સુધી દંડનો આક્ષેપ:બસ સંચાલકોનો આક્ષેપ છે કે રાજસ્થાન સરહદે પ્રવેશતા જ RTO અધિકારીઓ બસોને અટકાવી નાની-નાની બાબતોમાં ભારે દંડ ફટકારી રહ્યા છે. કેટલાક કેસોમાં એક બસ દીઠ એક લાખ રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવી રહ્યો હોવાનું તેઓ કહી રહ્યા છે. બસ સંચાલકો દ્વારા બધા નિયમોનું પાલન કરવા છતાં નિશાન બનાવાય છે’વધુમાં સંચાલકોનું કહેવું છે કે તેઓ ડબલ ટેક્સ, રોડ ટેક્સ સહિત તમામ કાનૂની પ્રક્રિયાનો પાલન કરે છે, છતાં વારંવાર ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

મુસાફરોમાં ગૂંચવણ અને રાહતની રાહ: હવે હડતાળ કેટલો સમય ચાલશે અને તહેવાર પહેલાં મુસાફરી ફરી શરૂ થશે કે નહીં તે પ્રશ્નો વચ્ચે મુસાફરો રાહ જોઈ રહ્યા છે. સમગ્ર મામલે બસ ઓપરેટર એ આક્ષેપ કર્યો છે કે 2015-17ના નિયમો મુજબ બનેલી અને પાસ થયેલી બસોને હવે 2026ના નવા નિયમોના આધારે રોકવામાં આવી રહી છે. અનેક નવી બસો તૈયાર છે, પરંતુ રજીસ્ટ્રેશન અને ફિટનેસ અટકાવી દેવાતા માલિકો પર બેંકના હપ્તાનો ભાર વધ્યો છે.

સંચાલકો દ્વારા ચેતવણી: જો સમસ્યા હલ નહીં થાય તો તેઓ ચક્કાજામ કરશે અને રસ્તા પર ગાડીઓ ઊભી રાખીને ઉગ્ર આંદોલન કરશે.આ હડતાળનો સૌથી મોટો ફટકો સામાન્ય મુસાફરોને પડ્યો છે. સુરતમાં વસતા લાખો રાજસ્થાની પરિવારો વતન જવા માટે ખાનગી લક્ઝરી બસો પર નિર્ભર છે. ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ લાંબી હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મારવાડના ઘણા જિલ્લાઓમાં બસ જ મુખ્ય આવાગમન સાધન છે અને હાલની સ્થિતિએ સામાન્ય લોકો ભારે હેરાન થઈ રહ્યા છે. હવે સવાલ એ છે કે શું રાજસ્થાન સરકાર અને RTO વિભાગ સંચાલકોની માંગણીઓ પર ધ્યાન આપશે? કે પછી આ લડત વધુ ઉગ્ર બનશે?

Most Popular

To Top