National

ઝારખંડ-બિહારમાં અદાણી ગ્રુપના ₹40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં ગ્રુપના મુખ્ય પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી હતી અને ₹40,000 કરોડથી વધુના વીજ રોકાણોની સમીક્ષા કરી છે. પૂર્વ ભારતમાં ગ્રુપની વધતી હાજરી વચ્ચે આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કંપનીના પ્રવક્તા મુજબ, અદાણીએ ઝારખંડના આદિવાસી બહુલ ગોડ્ડા જિલ્લામાં 16,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણથી ઉભા કરાયેલા 1,600 મેગાવોટ ક્ષમતા ધરાવતા અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટની કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું. આ પ્લાન્ટ લાંબા ગાળાના કરાર હેઠળ મુખ્યત્વે બાંગ્લાદેશને વીજ પુરવઠો કરે છે, જેના કારણે તે વ્યૂહાત્મક રીતે મહત્વ ધરાવે છે.

પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે હજારો લોકોને સીધી અને પરોક્ષ રોજગારી મળી રહી છે તેમ જ રેલવે જોડાણ અને આધુનિક સુવિધાઓમાં સુધારો થયો છે. તે ઉપરાંત, બિહારના ભાગલપુર નજીક પીરપૈંતીમાં પ્રસ્તાવિત 2,400 મેગાવોટ ક્ષમતાવાળા અલ્ટ્રા-સુપરક્રિટિકલ પાવર પ્રોજેક્ટની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. અંદાજે ₹27,000 કરોડથી વધુના રોકાણવાળા આ પ્રોજેક્ટને આગામી ચારથી પાંચ વર્ષમાં કાર્યરત કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ રાજ્યમાં વધતી ઔદ્યોગિક તથા શહેરી વીજ માંગને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. દેશની અગ્રણી ખાનગી થર્મલ વીજ ઉત્પાદક કંપની અદાણી પાવરને ગયા વર્ષે ઓગસ્ટમાં Bihar State Power Generation Company Limited તરફથી 25 વર્ષ માટે વીજ પુરવઠાના લાંબા ગાળાના કરાર માટે એલોટમેન્ટ લેટર પ્રાપ્ત થયું હતું.

Most Popular

To Top