નવા સંગઠન માળખાની જાહેરાત‘જમ્બો’ નહીં, ‘ચુસ્ત અને કાર્યક્ષમ’ ટીમ પર ભાર
વડોદરા :
વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શહેર સંગઠનના નવા અને પુનઃગઠિત માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેર કોંગ્રેસમાં આ વખતે સંખ્યાબળ કરતાં કાર્યક્ષમતા અને જવાબદારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વર્ષોથી ચાલતી ‘જમ્બો’ કારોબારીની પરંપરાને તોડી, કોંગ્રેસે હવે ચુસ્ત અને કાર્યક્ષમ સંગઠન રચવાનું મહત્વપૂર્ણ પગલું લીધું છે.

પહેલાં વડોદરા શહેર કોંગ્રેસનું સંગઠન માળખું કુલ 290 હોદ્દેદારોનું હતું, જ્યારે નવા માળખામાં તેને ઘટાડીને આશરે 122 મુખ્ય હોદ્દેદારો સુધી મર્યાદિત કરવામાં આવ્યું છે. પક્ષના નેતાઓનું માનવું છે કે નાનું પરંતુ સક્રિય માળખું શહેરના પ્રશ્નો વધુ અસરકારક રીતે ઉકેલી શકશે.

નવા સંગઠન માળખાની વિગતો
ઉપપ્રમુખ: 17
મહામંત્રી: 40
મંત્રી: 59
પ્રવક્તા: 5
ખજાનચી: 1

નવા માળખાની મુખ્ય વિશેષતા જવાબદારીનું વિકેન્દ્રીકરણ છે. દરેક વોર્ડ મુજબ સક્રિય અને મેદાનમાં કામ કરનાર કાર્યકરોની પસંદગી કરવામાં આવી છે, જેથી સ્થાનિક પ્રશ્નોનો તાત્કાલિક અને અસરકારક ઉકેલ લાવી શકાય.

આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, “આ ટીમ વડોદરાના ભ્રષ્ટ શાસકો સામે ભ્રષ્ટાચાર ઉઘાડવા અને નગરજનોને તેમની પ્રાથમિક સુવિધાઓ અપાવવા સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે.”

કોંગ્રેસે આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ અને શહેરના પાયાના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આક્રમક રણનીતિ અપનાવવાની તૈયારી દર્શાવી છે. નવા અને ચુસ્ત સંગઠન માળખા સાથે વડોદરા કોંગ્રેસ હવે ‘એક્શન મોડ’માં કામ કરશે તેવી સ્પષ્ટ સંકેત આપવામાં આવી છે.
