કાલોલ, તા. 04/02/2026
ગુજરાત સરકારની નવિનીકરણ ઝુંબેશ–૨૦૨૬ અંતર્ગત પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આંગણવાડી કેન્દ્રોના નવિનીકરણ માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. કાલોલ ઘટક-૧માં કુલ 59 અને ઘટક-૨માં કુલ 66 આંગણવાડી કેન્દ્રોને પ્રતિ કેન્દ્ર રૂ.8,500ની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે.
સરકારના અભિગમ મુજબ બાળકો રંગીન, સ્વચ્છ અને આનંદદાયક વાતાવરણમાં આંગણવાડીમાં આવી પોતાની પૂર્વ પ્રાથમિક શિક્ષણ સારી રીતે મેળવી શકે તે મુખ્ય હેતુ સાથે આ ઝુંબેશ અમલમાં મુકવામાં આવી છે. આ અંતર્ગત 31 જાન્યુઆરી સુધી કાલોલ તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં કલર કામ, નાના-મોટા સમારકામ અને જરૂરી નવિનીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી પંચમહાલ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી રમીલાબેન ચૌધરીના સતત માર્ગદર્શન હેઠળ તથા કાલોલ આઈ.સી.ડી.એસ. ટીમના સઘન મોનીટરીંગ દ્વારા સફળતાપૂર્વક અમલમાં આવી હતી.
નવિનીકરણ બાદ આંગણવાડી કેન્દ્રો વધુ આકર્ષક બનતા બાળકોમાં આંગણવાડી પ્રત્યે રસ વધ્યો છે અને બાળકો હસતાં-ખેલતાં આંગણવાડીમાં આવવા લાગ્યા છે. પરિણામે બાળકોનું પાયાનું શિક્ષણ વધુ સુદૃઢ રીતે પૂરું થતું જોવા મળી રહ્યું છે.
બાળકોના સર્વાંગી વિકાસ માટે લેવામાં આવેલા આ ઉમદા પગલાં બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા